• લંડન-અમદાવાદની ફ્લાઇટ ચાર કલાકથી વધુ મોડી પડીઃ લંડનથી વાયા મુંબઈ થઈને અમદાવાદ આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઇ ૧૩૦ ગત સપ્તાહે સાડા ચાર કલાક મોડી પડતાં મુસાફરો અટવાયા હતા. લંડનની ફ્લાઇટ મુંબઈમાં એરક્રાફ્ટ બદલીને અમદાવાદ આવે છે. આ એરક્રાફ્ટ મસ્કતથી આવે છે, જે સમયસર ન પહોંચી શકતા અમદાવાદ આવવામાં વિલંબ થયો હતો. જોકે, મુસાફરોને મુંબઈ એરપોર્ટ પર તમામ પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવી હતી. એર ઇન્ડિયાની અમદાવાદથી મુંબઈ જતી ફ્લાઇટ પણ આ જ કારણોસર મોડી પડી હતી.
• સાળંગપુરમાં ૧૨ વિદેશી યુવકોને દીક્ષા અપાઈઃ સાળંગપુર ખાતે પ્રમુખ સ્વામી મહારાજ અને અનેક લોકોની વચ્ચે ઊજવાયેલા દીક્ષા મહોત્સવમાં ૧૨ વિદેશી યુવકોને ગત સપ્તાહે દીક્ષા આપવામાં આવી હતી. જેમાં ૫ પાર્ષદોને ભાગવતી દીક્ષા અને ૭ સાધકોને પાર્ષદી દીક્ષા આપી હતી. અત્યંત સુખ સાહ્યબીમાં ઉછરેલા દીક્ષાર્થીઓમાં ૪ એન્જિનિયર, ૪ મેનેજમેન્ટ ડિગ્રી ધરાવનાર જેમાં ૨ માસ્ટર ડિગ્રી ધારકો છે જ્યારે અન્ય ૪ યુવકો વિવિધ વિદ્યાશાખામાં ગ્રેજ્યુએટ છે. વધુમાં ૬ યુવકો તો તેમના માતા-પિતાના એક માત્ર સંતાન છે. આ પ્રસંગે એડિસન (યુએસ)થી આવેલા દીક્ષાર્થી હર્નિશભાઈના પિતાએ કહ્યું કે, પ્રમુખસ્વામી મહારાજ આપણું જીવન છે એટલે તેમને રાજી કરવા જેટલું કરીએ તેટલું ઓછું છે. જ્યારે તેમના પત્ની રેખાબહેને જણાવ્યું કે, મારા પુત્રને હું સાક્ષાત્ ભગવાનને અર્પણ કરું છું. તે પ્રમુખસ્વામી મહારાજના સાંનિધ્યમાં વધુ સુખી થશે.
• ગૂજરાત વિદ્યાપીઠના ચાન્સેલર પદે ગોપાલકૃષ્ણ ગાંધી?ઃ મહાત્મા ગાંધીના પૌત્ર અને પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ રાજ્યપાલ, નિવૃત સનદી અધિકારી ગોપાલકૃષ્ણ ગાંધી ગૂજરાત વિદ્યાપીઠના ભાવિ કુલપતિ બને તેવી પ્રબળ સંભાવના છે. વિદ્યાપીઠના ટ્રસ્ટીઓની કમિટીએ ૨૭ જાન્યુઆરીએ નારાયણભાઇ દેસાઇનું કુલપતિપદેથી રાજીનામું સ્વીકાર્યા બાદ તેમના અનુગામી તરીકે ગોપાલકૃષ્ણ ગાંધીના નામ પર સર્વસંમતિથી પસંદગી ઉતારી છે. આ ઉપરાંત, અત્યારના કુલનાયક અનામિક શાહ, પદ્મવિભૂષણ ઇલાબેન ભટ્ટ અને પૂર્વ કુલનાયક સુદર્શન આયંગરની ત્રણ સભ્યોની સમિતિને વિધિવત્ત રીતે ગોપાલકૃષ્ણ ગાંધીને મળવા તેમ જ કુલપતિનું પદ સ્વીકારવા આગ્રહભરી વિનંતી કરવાની સત્તા આપવામાં આવી છે.
• બનાસકાંઠા જિલ્લા પંચાયતના કોંગી સભ્યો ગેરલાયક ઠર્યાઃ બનાસકાંઠા જિલ્લા પંચાયતની વર્ષ ૨૦૧૩ની ચૂંટણીવખતે ભાજપમાં ભળીને કોંગ્રેસ પક્ષ સાથે છેડો ફાડનાર અત્યારેના પંચાયત પ્રમુખ સહિતના કોંગ્રેસના ત્રણ બળવાખોર સભ્યોને ગુજરાત હાઈ કોર્ટે પક્ષાંતર ધારા હેઠળ ગેરલાયક ઠરાવતો હુકમ ગત સપ્તાહે કર્યો છે. જસ્ટિસ જી. બી. શાહે કોંગ્રેસના કસૂરવાર સભ્યો વિરુદ્ધ પક્ષાંતર ધારા હેઠળની કાર્યવાહીને એક રીતે મંજૂરી આપી હતી. જોકે, આ હુકમ સાથે બળવાખોર સભ્યોને અપીલ કરવી હોવાથી હાઈ કોર્ટે તેનો હુકમ બે સપ્તાહ સુધી સ્થિગત કર્યો હતો. બનાસકાંઠા જિલ્લા પંચાયતની છેલ્લી ચૂંટણીમાં ૫૫ બેઠકો પૈકી ૨૯માં કોંગ્રેસ જ્યારે ૨૫ બેઠકો ઉપર ભાજપનો વિજય થયો હતો, જ્યારે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીની પ્રક્રિયા શરૂ થઈ ત્યારે કોંગ્રેસ તરફથી લક્ષ્મીબહેન કરેણને પ્રમુખ તરીકે અને સંજય ગોવાભાઈ રબારીને ઉપપ્રમુખ ચૂંટવા મેન્ડેટ આપ્યો હતો. પરંતુ અત્યારના પ્રમુખ રાજેન્દ્ર જોશી સહિત બે સભ્યો ભાજપની તરફેણમાં મતદાન કર્યું હતું.
• ભાષાવિદ્દ રતિલાલ નાયકનું અવસાનઃ ગુજરાતી ભાષાવિદ્દ રતિલાલ સાં. નાયક (૯૪)નું ગત સપ્તાહે અવસાન થયું હતું. તેમણે ગુજરાતી વ્યાકરણ અને બાળસાહિત્યમાં વિશેષ યોગદાન આપ્યું હતું. બાળકોની ગીતા માટે તેમને રાષ્ટ્રપતિનો એવોર્ડ, એનસીઈઆરટી એવોર્ડ, સંસ્કાર એવોર્ડ અને ગીજુભાઈ બધેકા ગોલ્ડ મેડલ એનાયત થયો હતો.