• સુપ્રીમના ફટકા પહેલાં જ ડીજીપી પાંડેયનું રાજીનામુંઃ સોમવારે સુપ્રીમમાં રાજ્યના ઈન્ચાર્જ પોલીસ અધિકારી, ડેપ્યુટી જનરલ પોલીસ પૃથ્વીપાલ પાંડેયે પહેલી એપ્રિલ પહેલાં જ ચીફ સેક્રેટરી ડો. જે. એન. સિંઘને રાજીનામું આપ્યું હોવાનું સોગંદનામું રજૂ કર્યું હતું. ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં આરોપી ૧૯૮૦ની બેચના IPS પાંડેય સામે પૂર્વ ડેપ્યુટી જનરલ જૂલિયો રિબેરોએ કરેલી અરજીના સંદર્ભમાં ચીફ જસ્ટિસ જગદીશસિંઘ ખેહર અને ચંદ્રચૂડ સિંઘની બેંચ ચુકાદો આપે તે પહેલાં જ રાજ્ય સરકારે સુપ્રીમમાં પાંડેયનાં રાજીનામાનો પત્ર રજૂ કર્યો હતો. પાંડેયનું સ્થાન ડીજીપી ગીતા જોહરીએ લેતાં તે રાજ્યનાં પ્રથમ મહિલા ડીજીપી બન્યાં છે.
• એર ઈન્ડિયાની સુરત ટુ ગોવાની ફ્લાઈટનો પ્રારંભ: ભારત સરકારે કિંગફિશર એરલાઈન્સના જપ્ત કરેલા વિમાનો પૈકીનું ૧૮૯ સીટનું બોઈંગ એર ઇન્ડિયાએ સુરતથી ગોવા માટે ફાળવ્યું છે. રવિવારે બપોરે સુરતથી ગોવા જનારી આ ફ્લાઈટની પ્રથમ ૧૦ ટિકિટનો દર માત્ર ૧ રૂપિયો હતો. એ પછીની ૧૦ ટિકિટ રૂ. ૧૦૦માં વેચાઈ હતી અને એ પછી ૧૦ ટિકિટ બુક કરનારે સીટના રૂ. ૫૦૦ ચૂકવવાના હતા. આ ફ્લાઈટમાં એક સીટનો રેગ્યુલર દર રૂ. ૨૫૦૦ છે.
• બે કલાકની સર્જરી બાદ મહિલાના પેટમાંથી કાતર કઢાઈઃ કચ્છનાં ભંગેરા ગામના રહીશ અને મીઠાના અગરમાં કામ કરતા જીવીબહેને પાંચ વર્ષ પહેલાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આંતરડાનું ઓપરેશન કરાવ્યું હતું. તે સમયે સિવિલના તબીબોની ગંભીર બેદરકારીથી મહિલાના પેટમાં આર્ટરી પોરસેપ (કાતર) રહી ગઈ હતી. ૨૮મી માર્ચે સિવિલના તબીબોએ બે કલાકનું ઓપરેશન કરીને કાતર કાઢી હતી. ઓપરેશન બાદ મહિલાના આંતરડામાં ઇન્ફેકશન ન થાય તે કારણે આંતરડું શરીરની બહાર રાખ્યું છે જે એકાદ મહિના પછી પાછું શરીરમાં મૂકી દેવાશે. જીવીબહેનના પતિ કમાભાઈ ચાવડા કહે છે કે, ડોક્ટરોની બેદરકારીથી મારી પત્નીને પાંચ વર્ષ સુધી પેટમાં કાતર લઈને ફરવાનો આવ્યો હતો. તેની સારવાર પાછળ અમે અત્યાર સુધીમાં રૂ. ૫૦થી ૬૦ હજાર ખર્ચી નાંખ્યા છે. જોકે અંતે તેની સારવાર થઈ તેનાથી રાહત છે.

