પૂર્વ રાષ્ટ્રપતિ ડો. અબ્દુલ કલામ ગત જૂનમાં જ અમદાવાદ આવ્યા હતા. પ્રમુખસ્વામી મહારાજ સાથેના અનુભવો આધારિત પુસ્તકના વિમોચન માટે આવેલાં ડો. કલામને અમદાવાદથી ૧૬૦ કિ.મી. દૂર સારંગપુર ખાતે લઇ જવા રાજ્ય સરકાર બે હેલિકોપ્ટરની વ્યવસ્થા કરી હતી. આ ઉપરાંત મંદિરના સત્તાધીશોએ પણ એક ખાનગી હેલિકોપ્ટર તૈયાર રાખ્યું હતું. આ મુલાકાત માટે ડો. કલામે હેલિકોપ્ટરમાં જવા કરતાં કારમાં રોડમાર્ગે સાળંગપુર જવાનું પસંદ કર્યું હતું. મંદિરના સંતોએ ખૂબ જ આગ્રહ રાખ્યો પણ એ વખતે ડો.કલામે કહ્યું કે, સંતના દર્શન કરવા માટે આવો ઠઠારો કરવો યોગ્ય નથી. મારું ચાલે તો હું તો ચાલતો સાળંગપુર જાવ. આ સાંભળીને ઉપસ્થિત મહાનુભાવો પણ ડો. કલામની આ સાદગીથી પ્રભાવિત થયા હતા. રોડમાર્ગે જતા વાર લાગશે અને મુશ્કેલી પડશે તેવી સંતોની વાત સાંભળીને ડો. કલામે કહ્યું કે, ‘મુશ્કેલી પડે તે ખરી યાત્રા, મહાન પુરુષને ત્યાં જવું છે એટલે હું આવી રીતે જ જઇશ.’
ડો. કલામ આજીવન વિજ્ઞાની હતાઃ પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામના નિધન અંગે ઘેરાશોકની લાગણી વ્યક્ત કરતા મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે જણાવ્યું હતું કે તેમના અવસાનથી સમાજે એક આજીવન વિજ્ઞાની અને બાળકો-યુવાનો માટે વિજ્ઞાન અને ટેક્નોલોજી તથા સંશોધન શિક્ષણના પ્રખર માર્ગદર્શક ગુમાવ્યા છે. બીએપીએસ સ્વામીનારાયણ સંસથાના મહંત સ્વામીએ જણાવ્યું હતું કે ડો. કલામના નિધનથી એક મહાન વિજ્ઞાની અને પૂર્વ રાષ્ટ્રપતિ જ નહીં, પરંતુ એક સાચા દેશભક્ત આદ્યાત્મિક મહાપુરુષની વિશ્વને ખોટ પડી છે.
કેન્દ્ર સરકારે ૧૪ માસમાં ૩૩ બાબતોમાં યુ ટર્ન લીધાઃ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર એહમદભાઈ પટેલે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે વડોદરામાં કોંગ્રેસના કાર્યકરોને સંબોધતા કહ્યું હતું કે, ૧૪ માસ જૂની કેન્દ્ર સરકારે ૩૩ બાબતો પર યુ ટર્ન લીધો છે. આ સરકાર યુ ટર્નની છે. ભાષણો અને ખોટા વચનો આપી ગુજરાત મોડેલના નામે જુઠ્ઠા પ્રચારો કરીને લોકોને ગુમરાહ કરી રહી છે. લોકો સાથે ગિમિક કરતી કેન્દ્ર સરકારનો માત્ર ૧૪ મહિનામાં જ ચળકાટ અને ચમક ઉતરી રહ્યા છે ત્યારે આ તકને ઝડપી લેવાની પ્રત્યેક કોંગ્રેસીની જવાબદારી છે. જો આ નિર્ણાયક ઘડી ચૂકી જઈશું તો ગુજરાતના અને દેશના લોકો કદી માફ નહીં કરે.
મોયેલા ઘઉંની રોટલીથી પરિવારને લકવોઃ ગાંધીનગર પાસેના દહેગામનાં ત્રણ પરિવારનાં બાળકથી લઈને વૃદ્ધ સુધીનાં ૧૬ લોકોને દિવેલથી મોયેલા ઘઉંની રોટલી ખાધા બાદ લકવા જેવી અસર થઈ હતી. આ દિવેલનું પ્રાઇવેટ લેબોરેટરીમાં ટેસ્ટીંગ કરાવતાં દિવેલમાં પેરોક્સાઇડનું પ્રમાણ વધું હોવાનું જણાતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પૂર્વ મુખ્ય પ્રધાન તિસ્તા સેતલવાડના સમર્થનમાંઃ પૂર્વ મુખ્ય પ્રધાન સુરેશભાઈ મહેતા સહિત ૨૫ જેટલા પ્રબુદ્ધ નાગરિકોએ માનવ અધિકારનાં અગ્રણી તિસ્તા સેલતવાડ અને તેના પતિ જાવેદ આનંદના સમર્થનમાં નિવેદન કરી કેન્દ્ર સરકાર અને સીબીઆઈને રાગદ્વૈષ અને કિન્નાખોરીની નિંદનીય નીતિ-રીતીથી દૂર રહેવા અનુરોધ કર્યો છે.તેમણે આ બંને વિરુદ્ધ કેન્દ્ર સરકાર દ્વારા થઈ રહેલી લગાતાર સત્તાવાર હેરાનગતિ સંબંધે ભારે અણગમો અને આક્રોશ વ્યક્ત કર્યો હતો.
ગોરધન ઝડફિયા ભાજપ કિસાન મોરચાના મહામંત્રીઃ ભાજપના કિસાન મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ વિજયપાલસિંહ તોમરે મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી તરીકે ગોરધન ઝડફિયાની નિયુક્તિ કરી છે. વર્ષ ૨૦૧૪માં લોકસભાની ચૂંટણી અગાઉ ઝડફિયા તેમની ગુજરાત પરિવર્તન પાર્ટી છોડીને ફરીથી ભાજપમાં જોડાયા હતા. ત્યારબાદ ઝડફિયાને પક્ષમાં કોઈ ખાસ મહત્ત્વની જવાબદારી મળી ન હતી.