અમદાવાદઃ વિશ્વના મોટાભાગના દેશોમાં ગુજરાતના પાટીદારો વિવિધ ક્ષેત્રમાં આગળ છે. પાટીદારો તેની આર્થિક સમૃદ્ધિ માટે જાણીતા છે. અમેરિકામાં સૌથી વધુ મોટેલ પાટીદારો ધરાવે છે. આ ઉપરાંત યુકે, આફ્રિકા જેવા દેશોમાં પણ પાટીદારો સ્થાનિક કક્ષાએ નામના ધરાવે છે.
હવે, જ્યારે અનામત આંદોલનને લઈને રાજ્યભરમાં તાફોનો ફાટી નીકળ્યા હતાં તેમાં પોલીસે અમદાવાદ, સુરત સહિતનાં શહેરોમાંથી ઘણા પાટીદાર યુવકોની ધરપકડ કરી છે. એવામાં જ્યારે પોલીસે રાયોટિંગનો ગુનો નોંધ્યો હોય તો અમેરિકા જેવા દેશના વિઝા આપવામાં તેને ગંભીરતાથી લેવામાં આવે છે. આથી અત્યારથી જ કેટલાક પાટીદાર પરીવારો તેમના યુવાનોનાં વિદેશ જવાને લઈને ચિંતામાં મુકાયા છે. એકલા સુરતમાં જ ૧૨૫થી વધુ પાટીદાર યુવાનોની પોલીસે ધરપકડ કરી છે. જેના જામીન કોર્ટે ફગાવતાં અત્યારે આ યુવાઓને લાજપોર જેલમાં ખસેવડામાં આવ્યા છે. જો આવા કેસમાં પોલીસ રાયોટીંગનો ગુનો નોંધે તો મુશ્કેલી વધશે. યુવાઓને છોડાવવા માટે જાણીતાં ઉદ્યોગકારો અને સમાજસેવીઓ પોલીસ સ્ટેશનમાં ધામા નાખ્યા હતા. પરંતુ સુરત પોલીસ કમિશ્નરે નામાંકિત લોકોને તોફાનનાં સીસીટીવી ફૂટેજ બતાવતાં તેઓ કંઇ બોલી શક્યા નહોતા.
મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી યોજવા સામે સ્ટેઃ વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગરપાલિકાઓમાં એક વોર્ડમાં હવે ચાર ચૂંટાયેલા પ્રતિનિધિઓ રાખવાની વ્યવસ્થાને પડકારતી પિટિશનમાં સુપ્રીમ કોર્ટે આ વ્યવસ્થાના અમલ સામે જ સ્ટે આપ્યો છે. રાજ્ય સરકારને આ અંગે જવાબ રજૂ કરવાની નોટિસ પાઠવતાં પાટીદાર આંદોલન અને ફરજિયાત મતદાન પર હાઈ કોર્ટના સ્ટે બાદ રાજ્ય સરકારને વધુ એક મોટી રાજકીય ફટકો પડ્યો છે. કારણ કે સુપ્રીમના સ્ટેના પરિણામે આવતા મહિને યોજવાની થતી છ મહાનગરપાલિકાઓ અને ૫૬ જેટલી નગરપાલિકાઓની ચૂંટણીઓ સામે મોટો પ્રશ્નાર્થ સર્જાયો છે.
મેડિકલ શિક્ષણમાં ગુજરાતી ડોમિસાઈલ NRI ક્વોટા ગેરબંધારણીયઃ શિક્ષણ ક્ષેત્રે મેડિકલની તમામ શાખાઓમાં ૧૫ ટકા બેઠકો વિદેશવાસી ભારતીય વિદ્યાર્થીઓ માટે અનામત રાખવામાં આવી છે જેમાં ગુજરાતી ડોમીસાઈલ વિદ્યાર્થીઓને પ્રથમ પ્રવેશ આપવાનો અને પછી જો જગ્યા ખાલી રહે તો બિનગુજરાતી ડોમીસાઈલ વિદ્યાર્થીને પ્રવેશ આપવાના નિયમને ગુજરાત હાઈ કોર્ટે ગેરબંધારણીય ઠેરવ્યો છે. કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ જયંત પટેલ અને જસ્ટિસ એન. વી. અંજારિયાની ખંડપીઠે આપેલા એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં રાજ્ય સરકાર દ્વારા મેડિકલ પ્રવેશ માટે ૨૦૧૫માં અમલમાં મુકાયેલા નવા નિયમોમાંથી ‘ગુજરાત ડોમીસાઈલ’ નામનો શબ્દ દૂર કરવા માટે આદેશ કર્યો છે. આ સાથે જ એનઆરઆઈ ક્વોટામાં કોઈપણ વિદેશવાસી ભારતીયના સંતાનને અથવા તેમના દ્વારા સ્પોન્સર કરાયેલા વિદ્યાર્થીને પ્રવેશ મળી શકશે.