ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે તાજેતરમાં ભાજપની આંતરિક બેઠકમાં એવી ટિપ્પણી કરી હતી કે ‘શંકરસિંહ જો ભાજપમાં હોત તો આજે મુખ્ય પ્રધાન હોત.’ આ સંદર્ભે પ્રતિક્રિયા આપતા શંકરસિંહે જણાવ્યું હતું કે, ‘હું જો ભાજપમાં હોત તો આ ભાઈ (મોદી) વડા પ્રધાન ના હોત અને બહેન સી.એમ.ના હોત. હકીકતમાં એમનું (આનંદીબહેનનું) કહેવું એવું હતું કે મારી સ્થિતિ આજના જેવી ના હોત. પરંતુ હકીકતમાં કોંગ્રેસમાં આવ્યા પછી કોંગ્રેસે હંમેશા મારી ઇચ્છા પ્રમાણે ઘણું આપ્યું છે, લોકસભા હોય કે વિધાનસભા મારી ઇચ્છા પડે ત્યાંથી ચૂંટણી લડવાની છૂટ આપી છે, વગર રજૂઆતે કોંગ્રેસે મને સીનિયર કેબિનેટ પ્રધાન બનાવેલો અને આજનું વિરોધ પક્ષના નેતાનું પદ પણ પક્ષે મને સામેથી આપેલું છે.’
હાઇ કોર્ટમાં ચીફ જસ્ટિસ પદે જયંત પટેલની નિમણૂકઃ ગુજરાત હાઇ કોર્ટમાં કાર્યકારી ચીફ જસ્ટિસ તરીકે લાંબા સમયથી ફરજ બજાવતા વી. એમ. સહાય નિવૃત્ત થતાં તેમના સ્થાને વરિષ્ઠ ન્યાયમૂર્તિ જયંત પટેલની નિમણૂક થઇ છે. સૌરાષ્ટ્રના વેરાવળમાં જન્મેલા જસ્ટિસ પટેલે વડોદરાની એમ. એસ. યુનિ.માંથી બી.કોમ. અને એલએલબીની ડીગ્રી મેળવી હતી. એલએલબીમાં તેમને નેશનલ મેરિટ સ્કોલરશીપ પણ મળી હતી. રાજકોટ બાર એસોસિએશનમાં તેઓ ૧૯૭૯માં સભ્ય બન્યા હતા તેમ જ ૧૯૮૫માં તેઓ હાઇ કોર્ટમાં જોડાયા હતા. ડિસેમ્બર-૨૦૦૧માં તેમની વરણી હાઇકોર્ટમાં એડિશનલ જજ પદે થઈ હતી.