22 બિલિયન ડોલરની બાયજુસને સફળતાનું ગ્રહણ વધુ પડતી મહત્ત્વાકાંક્ષા ને બિનજરૂરી ખર્ચા નડી ગયા

અને એક યુવા ઉદ્યમી આવા પણ... રવિન્દ્રનને 6 માસની કેદ

Sunday 07th June 2026 06:29 EDT
 
 

અમદાવાદ: નિષ્ફળ ભારતીય ટેકનોલોજી કંપની બાયજુસના સ્થાપક બાયજુ રવિન્દ્રનને કોર્ટ તિરસ્કાર બદલ સિંગાપોર કોર્ટે છ મહિનાની જેલની સજા ફટકારી છે. આ કિસ્સામાં રસપ્રદ બાબત એ છે કે એક સમયે આ એડટેક જાયન્ટ બાયજુસ અધધધ 22 બિલિયન ડોલરનું સામ્રાજ્ય ધરાવતી હતી પણ, અણઘડ વહીવટના કારણે પત્તાના મહેલની ધરાશાયી થઇ ગઇ છે. આથી એમ પણ કહી શકાય કે નિષ્ફળતા નહીં પરંતુ ધરખમ સફળતાને કારણે બાયજુ રવિન્દ્રનનું પતન થયું છે.
અનિયંત્રિત મહત્વાકાંક્ષા અને જ્યારે વિપુલ પ્રમાણમાં મૂડી ઉપલબ્ધ હતી ત્યારે વધુ પડતા ખર્ચ કરવાને કારણે કંપનીનું પતનના આરે પહોંચી ગઇ છે. આક્રમક વિસ્તરણ અને કોરોના મહામારી સમયે કંપનીનો વિકાસ જારી રાખવાની યોજના એડટેક (શિક્ષણ ક્ષેત્રે કાર્યરત ટેક્નોલોજી કંપની) કંપનીને ભરખી ગઈ છે. એક સમયે પ્રતિષ્ઠિત સ્ટાર્ટઅપ તરીકે સ્થાપિત બાયજુસ હવે ખંડેર હાલતમાં હોવાથી રોકાણકારો સંપત્તિ અને લોનની રકમ પરત મેળવવા કાનૂની લડત ચલાવી રહ્યા છે.
બાયજુસના ઉદય અને પતનની વાર્તા અન્યો માટે બોધપાઠ સમાન છે. આ એક એવું પ્રતિષ્ઠિત સ્ટાર્ટઅપ છે, જે નિષ્ફળ ગયું. હીરો તરીકે ઉભરેલા કંપનીના સ્થાપક બાયજુ રવિન્દ્રન વર્ષોસુધી ભારતની પૌરાણિક કથાઓને મૂર્તિમંત કરતા રહ્યા હતા. તેઓ કેરળની એક શાળાના શિક્ષકના પુત્ર હતા, જેમણે એક સમયે વૈશ્વિક શિક્ષણ સામ્રાજ્ય સ્થાપિત કર્યું હતું. રોકાણકારો તેમને સ્વપ્નદ્રષ્ટા તરીકે જોતા હતા. માતાપિતાએ પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે તેમના પર વિશ્વાસ કર્યો હતો. તેમનું દ્રષ્ટાંત એક એવા વિરલ વ્યક્તિ તરીકે અપાતું હતું કે ભારતનું ટેકનોલોજી ક્ષેત્ર પણ વિશ્વ પ્રતિષ્ઠિત કંપનીઓ બનાવી શકે છે. જોકે હવે કંપની સાવ ખાડે ગઇ છે. હજારો કર્મચારીઓએ નોકરી ગુમાવી છે. બાયજુસના સારા દિવસો સમયે તેને લોન આપનારા સિંગાપોર, અમેરિકા અને ભારતના રોકાણકારો હવે તેમના નાણાં પરત મેળવા કાનૂની લડત લડી રહ્યા છે. આ સંજોગોમાં સિંગાપોરની કોર્ટે રવિન્દ્રનને કરેલી છ માસ કેદની સજા સમગ્ર ઘટનાક્રમમાં નવો વળાંક છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter