નવી દિલ્હીઃ ભારતીય અંતરિક્ષ વિજ્ઞાન માટે 11 જૂનનો દિવસ ઐતિહાસિક બની રહેશે. આ દિવસે ભારતીય અંતરિક્ષ યાત્રી ગ્રૂપ કેપ્ટન શુભાંશુ શુક્લા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઇએસએસ) માટે રવાના થશે. 1984માં રાકેશ શર્મા ભારતના પ્રથમ અંતરિક્ષ યાત્રી બન્યા હતા. આમ 41 વર્ષ બાદ શુભાંશુ અંતરિક્ષમાં જઈ રહ્યા છે. આઈએસએસ જનારા તેઓ પહેલા ભારતીય હશે. ખાનગી સ્પેસ કંપની એક્સિઓમ-4નું મિશન ફ્લોરિડામાં નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી લોન્ચ થશે. પહેલા આ મિશન 10 જૂને જવાનું હતું. ‘ઈસરો’ ચેરમેન વી. નારાયણને જણાવ્યું કે હવામાન ખરાબ હોવાના કારણે લોન્ચિંગ એક દિવસ ટાળવું પડ્યું. એક વીડિયો સંદેશમાં શુભાશુએ કહ્યું હતું, ‘હું વિંગ કમાન્ડર રાકેશ શર્મા વિશે વાંચતા-ભણતા મોટો થયો છું. હું તેમનાથી ખૂબ પ્રભાવિત થયો હતો.’ બીજી તરફ, રાકેશ શર્માએ એક સંદેશમાં કહ્યું, ‘શુભાંશુને શુભકામનાઓ. ખુશ રહો. સુરક્ષિત પરત ફરો.’
28 કલાક 49 મિનિટનો પ્રવાસ
જો હવામાન અનુકૂળ રહ્યું તો બુધવાર - 11 જૂને આ મિશન લોન્ચ થશે. યાન 28 કલાક 49 મિનિટનો પ્રવાસ કરીને 12 જૂને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પહોંચશે. આ મિશન પર ભારતે લગભગ રૂ. 550 કરોડ ખર્ચ કર્યો છે. તેમાં ટ્રેનિંગ, સુરક્ષા ઉપકરણ, સ્પેસમાં રહેવાનો ખર્ચ પણ સામેલ છે. શુભાંશુના માતા આશા શુક્લા અને પિતા શંભુ દયાલે કહ્યુંઃ ‘મિશનની સફળતા અને સુરક્ષિત વાપસીની પ્રાર્થના કરીએ છીએ.’
14 દિવસમાં 31 દેશોના પ્રયોગ
એક્સિઓમ-4 મિશનના ડિરેક્ટર પેગ્ગી વ્હીટસને કહ્યું હતું કે આ ઐતિહાસિક અને અનોખું અંતરિક્ષ અભિયાન છે. તે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ખૂબ ખાસ છે કારણ કે પહેલી વાર તેમાં એક સાથે આટલા પ્રયોગ થઈ રહ્યા છે. 14 દિવસમાં 31 દેશોના 60 પ્રયોગ થશે. તેનો ઉદ્દેશ્ય અંતરિક્ષ અભિયાનોને ઓછા ખર્ચાળ, સુરક્ષિત અને ઉન્નત બનાવવાનો છે. અંતરિક્ષમાં માનવશરીર પર પડનારા પ્રભાવ સમજવાનો પ્રયાસ કરીશું. અમે એ જાણીશું કે શૂન્ય ગુરુત્વ અને અલગ-અલગ પરિસ્થિતિઓમાં મનુષ્ય શરીર કેવું રિએક્ટ કરે છે. અંતરિક્ષમાં રહેલી વસ્તુઓ શરીરને કેવી પ્રભાવિત કરી શકે છે. આ અધ્યયનોથી એ જાણવામાં મદદ મળશે કે સ્પેસ સ્ટેશનથી પરત ફર્યા બાદ શરીરમાં આવનારા ફેરફારોને ઓછા કરી અને રિકવરી ઝડપી થઈ શકે છે. આ જાણકારીની મદદથી અંતરિક્ષમાં ઉપયોગમાં લેવાતા ઉપકરણો અને સુરક્ષા સાધનોને વધુ ઉન્નત તથા કિફાયતી બનાવી શકાશે.