નવી દિલ્હીઃ વિદેશવાસી ભારતીયોએ કમાલ કરી છે. 31 માર્ચના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ 2024-25માં તેમણે ભારતમાં રહેતા તેમના પરિવારોને 135.46 બિલિયન ડોલર (રૂ. 1.16 લાખ કરોડ) મોકલ્યા છે. આ કોઈ પણ એક વર્ષમાં વિદેશથી ભારતીયો દ્વારા મોકલાયેલી સૌથી મોટી રકમ છે. તેમાં વાર્ષિક 14 ટકાનો વધારો થયો છે. આ રકમ 8 વર્ષ પહેલાં 2016-17માં મોકલાયેલા 61 બિલિયન ડોલર કરતાં બમણી છે. આ વિદેશમાં રહેતા ભારતીયોની વધતી જતી સમૃદ્ધિ દર્શાવે છે. તે ભારતીય વર્કફોર્સ માટે મજબૂત આંતરરાષ્ટ્રીય માંગ પણ દર્શાવે છે. ભારત 10 વર્ષ કરતાં વધુ સમયથી સૌથી વધુ રેમિટન્સ મેળવતો દેશ રહ્યો છે. વર્લ્ડ બેંક અનુસાર, 2024માં મેક્સિકો 5.8 લાખ કરોડ રેમિટન્સ સાથે બીજા ક્રમે અને ચીન 4.1 લાખ કરોડ રૂપિયા સાથે ત્રીજા ક્રમે રહ્યું.