પ્રેસ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા (PTI) સાથે આશરે પાંચ દાયકાની નોંધપાત્ર કારકીર્દિ ધરાવતા પીઢ પત્રકાર એચ સીથારામ રાવનું 85 વર્ષની વયે ટુંકી માંદગી બાદ લંડનમાં 27 ઓક્ટોબરે નિધન થયું હતું. રાવને શ્વાસની તકલીફ થવાથી 22 સપ્ટેમ્બરે વેસ્ટ લંડનની વેસ્ટ મિડલસેક્સ હોસ્પિૉલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને મલ્ટિ-ઓર્ગન ફેઈલ્યોરથી તેમની જીવનલીલા સંકેલાઈ હતી.
મૂળ કર્ણાટકના મેંગલોરના રાવે 1960ના દાયકાના ઉત્તરાર્ધમાં બેંગલોરમાં PTI સાથે પત્રકારત્વની યાત્રા આરંભી હતી. તેમણે સ્પેશિયલ કોરસપોન્ડન્ટ તરીકે નવી દિલ્હીમાં કામગીરી સંભાળી હતી અને રાષ્ટ્રપતિ ભવન તેમજ ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીના કાર્યકાળમાં વડા પ્રધાન કાર્યાલય સહિત મહત્ત્વની રાષ્ટ્રીય બાબતોને આવરી લીધી હતી. તેમણે ભારતના વડા પ્રધાનો અને રાષ્ટ્રપતિઓ સાથે અનેક વિદેશ પ્રવાસો પણ ખેડ્યા હતા.
કોલકાતામાં પૂર્વ ભારત માટે PTI ના રીજિયોનેલ મેનેજરના કાર્યકાળ પછી તેઓ ન્યૂઝ એજન્સીના ચીફ યુકે કોરસપોન્ડન્ટ તરીકે સેવા આપવા વર્ષ 2000માં યુનાઈટેડ કિંગ્ડમ આવ્યા હતા અને બ્રિટનમાં નોંધપાત્ર કામગીરી સાથે ભારતીય જર્નાલિસ્ટ્સના દિગ્ગજ તરીકેની પ્રતિષ્ઠા હાંસલ કરી હતી.
વ્યાવસાયિક કૌશલ્ય ઉપરાંત, રાવ તેમના ઉષ્માપૂર્ણ, ઉદાર અને સ્વતંત્ર ભાવના સાથેના વ્યક્તિ તરીકે નામના ધરાવતા હતા. તેમના પુત્રી અર્પણા અને પુત્ર રાજેશે પિતાને ભાવનાસભર શ્રદ્ધાંજલિ અર્પી હતી અને તેમના માયાળુ અને મિલનસાર વ્યક્તિત્વને યાદ કર્યું હતું. ભારતીય વિદ્યા ભવન યુકેના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડો. એમ.એન. નંદકુમારાએ પણ ઊંડો શોક વ્યક્ત કર્યો હતો.
રાવને તેમની પાંચ દાયકાની વિશિષ્ટ કારકીર્દિ માટે માર્ચ 2017માં લંડનના હાઉસ ઓફ કોમન્સ કોમ્પ્લેક્સમાં આયોજિત સમારંભમાં લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ એનાયત કરાયો હતો. રાવને આ પ્રતિષ્ઠિત સન્માન હાઉસ ઓફ કોમન્સના તત્કાલીન ડેપ્યુટી સ્પીકર એલેનોર લેઈંગ અને ABPL ગ્રૂપના પ્રકાશક અને તંત્રી સી.બી. પટેલના હસ્તે અપાયું હતું. ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ ન્યૂઝપેપર્સના પ્રકાશક એશિયન બિઝનેસ પબ્લિકેશન્સ લિમિટેડ (ABPL) દ્વારા દર વર્ષે અપાતા પોલિટિકલ એન્ડ પબ્લિક લાઈફ એવોર્ડ્સ મેળવનારામાં પૂર્વ બ્રિટિશ પ્રાઈમ મિનિસ્ટર્સ થેરેસા મે અને ડેવિડ કેમરનનો પણ સમાવેશ થયો હતો.
એચ સીથારામ રાવ તેમના પત્ની ગીતા, પુત્રી અપર્ણા, પુત્ર રાજેશ, પુત્રવધૂ, જમાઈ અને ત્રણ ગ્રાન્ડચિલ્ડ્રનના બહોળા પરિવાર સાથે રહેતા હતા.


