અંબાણી ફરી એશિયાના સૌથી અમીર, જેક માને પછાડ્યા

Thursday 30th April 2020 06:22 EDT
 
 

નવી દિલ્હી: મુકેશ અંબાણીની માલિકી હેઠળની રિલાયન્સ જિયો અને માર્ક ઝુકરબર્ગની કંપની ફેસબુક વચ્ચે ભાગીદારી થયા પછી અંબાણી એશિયાની સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. તેમણે અલીબાબાના સંસ્થાપક જેક માને પણ પાછળ કરી દીધા છે.
ફેસબુક સાથે ડીલ થયા પછી મુકેશ અંબાણીની સંપત્તિ ૩૫ હજાર કરોડ રૂપિયા વધીને ૨૩ એપ્રિલે ૩.૭૩ લાખ કરોડ રૂપિયા થઈ ગઈ હતી. જ્યારે જેક માની સંપત્તિ ઘટીને ૩.૪૯ લાખ કરોડ રૂપિયા થઇ ગઈ. ફેસબુક મુકેશ અંબાણીની માલિકીની જિયો કંપનીમાં ૪૩,૫૭૪ કરોડ રૂપિયાનું રોકાણ કરશે. આ રોકાણ પછી જિયોમાં ફેસબુકની ભાગીદારી ૯.૯૯ ટકા થઈ જશે. આ સોદા સાથે જ મુકેશ અંબાણીએ અત્યાર સુધી એશિયાના સૌથી ધનિક બિઝનેસમેન રહેલા જેક માને પાછળ કરી દીધા છે. જેકમાની તુલનાએ અંબાણીની સંપત્તિ ૩૦૦ કરોડ ડોલર વધી ગઈ છે.

અંબાણીની સંપત્તિ ૩ અબજ ડોલર વધી

મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ જેક માને પાછળ છોડી ગયા છે. અંબાણીની સંપત્તિમાં જેક માની સરખામણીમાં ૩ અબજ ડોલરનો વધારો થયો છે. બ્લૂમબર્ગના ડેટા અનુસાર, ૨૧ એપ્રિલ સુધીમાં મુકેશ અંબાણીની સંપત્તિમાં ૧૪ અબજ ડોલરનો ઘટાડો થયો હતો જયારે જેક માની સંપત્તિમાં ૧ અબજ ડોલરનો ઘટાડો થયો હતો.

રિલાયન્સના શેરમાં ઉછાળો

ફેસબુક સાથેના સોદાના સમાચાર પછી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં બુધવારે મોટો ઉછાળો આવ્યો હતો. એક સમયે તે ૧૧ ટકાના વધીને રૂ. ૧૩૭૫ પર પહોંચ્યો હતો. કારોબારના અંતે રિલાયન્સનો શેર ૯.૮૩ ટકાના વધારા સાથે રૂ. ૧૩૫૯ પર બંધ થયો હતો. બુધવારે એક જ દિવસમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ રૂ. ૯૦,૦૦૦ કરોડ વધ્યું હતું. કોઈ પણ ભારતીય કંપનીમાં લઘુમતી હિસ્સા માટે આ અત્યાર સુધીની સૌથી મોટું સીધું વિદેશી મૂડીરોકાણ છે. જિયો પ્લેટફોર્મની પ્રી-મની એન્ટરપ્રાઇઝ વેલ્યુ લગભગ ૬૬ અબજ ડોલર હશે. રોકાણ બાદ જિયો પ્લેટફોર્મની કિંમત ૪.૬૨ લાખ કરોડ થશે. આ ભાગીદારીથી લોકો અને વ્યવસાય માટે વિશાળ તકો ઉભી થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter