આ યુગ યુદ્ધનો નથીઃ મોદીની પુતિનને શીખ

Wednesday 21st September 2022 04:36 EDT
 
 

સમરકંદ: શાંઘાઇ કો-ઓપરેશન ઓર્ગેનાઇઝેશન (એસસીઓ)ની સમિટ વચ્ચે વડા પ્રધાન મોદી તેમજ રશિયાના પ્રેસિડન્ટ પુતિન વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા યોજાઈ હતી. જેમાં બંને નેતાઓએ દ્વિપક્ષીય વેપાર વધારવા તેમજ ઊર્જા ક્ષેત્રે સાથી મળીને કામ કરવા પર ભાર મૂક્યો હતો. પુતિને ભારતને વધુમાં વધુ ખાતરનો પુરવઠો આપવા ખાતરી આપી હતી. મોદીએ પુતિનને યૂક્રેન યુદ્ધ અંગે ડેમોક્રસી, ડિપ્લોમસી અને ડાયલોગનો મંત્ર આપ્યો હતો. મોદીએ પુતિનને કહ્યું હતું કે આ યુદ્ધ કરવાનો સમય નથી, સમસ્યાઓનો ઉકેલ યુદ્ધથી નહીં પણ શાંતિથી લાવવો જોઈએ. 50 મિનિટની વાતચીતમાં મોદીએ કહ્યું કે તમારે તમામ સમસ્યાઓનો ઉકેલ લાવવા શાંતિથી માર્ગે આગળ વધવું જોઈએ. સમસ્યાઓનો ઉકેલ લાવો.
મોદીએ ફૂડ, ફર્ટિલાઈઝર તેમજ ફ્યૂલની ચિંતાથી પુતિનને માહિતગાર કર્યા હતા. રશિયા અને યૂક્રેનની મદદથી યૂક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને સલામત પાછા લાવી શકાયા તે માટે મોદીએ બંને દેશનો આભાર માન્યો હતો. પુતિને બંને દેશો વચ્ચે વિઝા ફ્રી ટુરિઝમ વિકસાવવા અનુરોધ કર્યો હતો. પુતિને કહ્યું હતું કે તેઓ યુદ્ધ અંગે મોદીને અવગત કરાવતા રહેશે.
મોદીએ તુર્કીનાં રાષ્ટ્રપતિ અર્દોગન તેમજ ઈરાનના રાષ્ટ્રપતિ રઈસી તેમજ ઉઝબેકિસ્તાનનાં શૌકત મિર્ઝયોયોવ સાથે દ્વિપક્ષીય મંત્રણાઓ યોજીને પરસ્પર સહયોગ વધુ મજબૂત બનાવવા ભાર મૂક્યો હતો. જોકે તેમણે ચીનના પ્રમુખ શી જિનપિંગ અને પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ સાથે દ્વિપક્ષીય મંત્રણા કરવાનું ટાળીને ભારતની નારાજગીનો સ્પષ્ટ સંકેત આપ્યો હતો.
યુએસ મીડિયામાં મોદીની પ્રશંસા
અમેરિકન મીડિયા વડા પ્રધાન મોદી પર ઓળઘોળ થઈ ગયું છે. આ પ્રશંસા રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિનને વડા પ્રધાન મોદીએ આપેલી શિખામણને કારણે થઈ રહી છે. મોદી-પુતિન વચ્ચે સમરકંદમાં થયેલી વાતચીત અંગે ધ વોશિંગ્ટન પોસ્ટ અખબારે હેડિંગ આપ્યું હતું કે વડા પ્રધાન મોદીએ યૂક્રેનમાં યુદ્ધ માટે પુતિનને ફટકાર લગાવી. અખબારે લખ્યું કે મોદીએ આશ્ચર્યજનક રીતે જ જાહેરમાં ફટકાર લગાવતા કહ્યું હતું કે, આધુનિક સમય યુદ્ધનો યુગ નથી અને મેં આ મુદ્દે તમારી સાથે ફોન પર પણ વાત કરી છે. તેમાં કહેવાયું હતું કે આ નિંદાને કારણે રશિયાના 69 વર્ષીય નેતા પણ વધારે પડતા દબાણમાં આવી ગયા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter