આખી દુનિયાને એક તાંતણે બાંધે છે યોગઃ મોદી

Tuesday 24th June 2025 15:08 EDT
 
 

વિશાખાપટ્ટનમ્ઃ આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં શનિવારે આંતરરાસ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પ્રસંગે યોજાયેલા ભવ્ય સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ત્રણ લાખ લોકોએ યોગ કર્યા હતા. આંધ્ર પ્રદેશમાં યોગ દિવસે બે ગિનીસ રેકોર્ડ અને 21 વર્લ્ડ રેકોર્ડ સહિત કુલ 23 ગ્લોબલ રેકોર્ડ્સ નોંધાયા છે. આ સાથે દુનિયાના સૌથી ઊંચા યુદ્ધ ક્ષેત્ર સીયાચીનમાં સેંકડો જવાનોથી લઇને સમુદ્ર સુધી ભારત સહિત સમગ્ર વિશ્વ યોગમય બન્યું હતું. વિશ્વ યોગ દિવસની ઊજવણી માટે ન્યૂ યોર્કમાં વિશ્વવિખ્યાત ટાઈમ સ્ક્વેર ખાતે 10 હજાર લોકોએ યોગ કર્યા હતા. તો રશિયામાં મોસ્કો મેટ્રોથી લઈને રિયાધમાં પ્રિન્સ ફૈસલ બિન ફહાદ સ્ટેડિયમ સુધી કરોડો લોકો યોગ દિનની ઊજવણીમાં જોડાયા હતા.

વડાપ્રધાન મોદીએ યોગના વધતા વૈશ્વિક પ્રભાવ પર પ્રકાશ પાડતા કહ્યું કે, આજે વૈજ્ઞાનિકો અવકાશમાં યોગ કરે છે, દિવ્યાંગો યોગશાસ્ત્રનો અભ્યાસ કરે છે અને ગામે ગામમાં યુવાનો યોગ ઓલિમ્પિયાડમાં ભાગ લઈ રહ્યા છે. કમનસીબે આજે આખી દુનિયા કોઈને કોઈ તણાવમાંથી પસાર થઈ રહી છે. અનેક ક્ષેત્રોમાં અશાંતિ અને અસ્થિરતા વધી રહી છે. એવામાં યોગથી આપણને શાંતિની દિશા મળે છે. યોગ એક એવું પોઝ બટન છે, જેની માનવતાએ સંતુલનનો શ્વાસ લેવા અને ફરીથી નિયંત્રણ મેળવવાની જરૂર છે. આજે 11 વર્ષ પછી યોગ કરોડો લોકોની જીવનશૈલીનો ભાગ બની ગયું છે.

ચંદ્રાબાબુ નાયડુએ જણાવ્યું કે, યોગ દિવસ નિમિત્તે આંધ્ર પ્રદેશે બે ગિનીસ રેકોર્ડ્સ અને 21 વર્લ્ડ બુક રેકોર્ડ્સ સહિત કુલ 23 ગ્લોબલ રેકોર્ડ્સ કર્યા છે. વિશાખાપટ્ટનમમાં યોગની ઊજવણીના મુખ્ય કાર્યક્રમમાં 3.03 લાખ લોકો એકત્ર થયા છે, જે એક જ સ્થળ પર યોગ કરવા માટે સૌથી વધુ લોકોના એકત્ર થવાનો વિશ્વવિક્રમ છે. અહીં એક જ સ્થળ પર 22,122 આદિવાસી વિદ્યાર્થીઓએ108 મિનિટમાં 108 સૂર્ય નમસ્કાર કરીને બીજો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો હતો.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઊજવણીમાં ભારત જ નહીં, આખું વિશ્વ જોડાયું હતું. ન્યૂ યોર્કના વિશ્વવિખ્યાત ટાઈમ સ્ક્વેર ખાતે 10,000થી વધુ લોકો યોગ કરવા માટે જોડાયા હતા જ્યારે સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં યોગ ગુરુ દીપક ચોપરાના નેતૃત્વમાં 1,200થી વધુ યોગ સાધકો, રાજદ્વારીઓ, યુનાઇટેડ નેશન્સના અધિકારીઓએ યોગાસન કર્યા હતા. આ સિવાય અમેરિકામાં પણ અનેક સ્થળે યોગની ઊજવણીના કાર્યક્રમો યોજાયા હતા. બ્રિટનમાં લંડનમાં ભારતીય દૂતાવાસ દ્વારા શુક્રવારે સાંજે યોજાયેલા કાર્યક્રમમાં સેંકડો લોકો જોડાયા હતા. બ્રિટનમાં વર્ષોવર્ષ યોગની લોકપ્રિયતા વધી રહી છે.
આ ઉપરાંત ચીન, ઓસ્ટ્રેલિયા, રશિયા, સિંગાપોર, નેપાળ, જાપાન, સાઉદી અરબ, આફ્રિકાના દેશો સહિત દુનિયાભરમાં યોગના વિવિધ કાર્યક્રમોમાં કરોડો લોકો જોડાયા હતા અને યોગાસન કર્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter