આતંકવાદ સામે આપણે એકસંપ થઇને લડીએઃ ‘બ્રિક્સ’માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી

Wednesday 20th November 2019 05:00 EST
 
 

બ્રાઝિલિયાઃ બ્રાઝિલના બ્રાઝિલિયા શહેરના ઇટામારાતી પેલેસમાં ૧૪ નવેમ્બરે યોજાયેલી ‘બ્રિક્સ’ નેતાઓની ગોળમેજી પરિષદમાં વડા પ્રધાન મોદીએ ‘બ્રિક્સ’ દેશોને આતંકવાદ, ટેરર ફંડિગ, ડ્રગ ટ્રાફિકિંગ સામે એકસંપ થીને લડત આપવા આહ્વાન કર્યું હતું. ‘બ્રિક્સ’ સંગઠનમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને સાઉથ આફ્રિકાનો સમાવેશ થાય છે.
વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે આતંકવાદ, ટેરર ફંડિંગ અને ડ્રગ ટ્રાફિકિંગ દ્વારા શંકાનું વાતાવરણ સર્જવામાં આવી રહ્યું છે. ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ દ્વારા વેપાર અને બિઝનેસને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે. મને ખુશી છે કે ‘બ્રિક્સ’ દેશો આતંકવાદ સામે લડવાની વ્યૂહરચના ઘડી રહ્યા છે.
વડા પ્રધાને તાજેતરમાં ભારતમાં શરૂ કરાયેલા ફીટ ઈન્ડિયા મૂવમેન્ટનો ઉલ્લેખ કરતાં ‘બ્રિક્સ’ દેશો વચ્ચે ફિટનેસ અને આરોગ્યના ક્ષેત્રમાં આદાનપ્રદાન વધારવાની અપીલ કરી હતી. વડા પ્રધાને ‘બ્રિક્સ’ દેશો વચ્ચે વૈશ્વિક વેપારના ફક્ત ૧૫ ટકા જ વેપાર થતો હોવાની ચિંતા વ્યક્ત કરતાં તેમાં વધારો કરવાની જરૂરિયાત પર ભાર મુક્યો હતો.

ભારત વિશ્વની સૌથી મુક્ત, રોકાણકારલક્ષી ઇકોનોમી

ભારત વિશ્વનું સૌથી મુક્ત અને રોકાણકારલક્ષી અર્થતંત્ર છે. અમારા દેશમાં રાજકીય સ્થિરતા છે અને સાતત્યપૂર્ણ નીતિ છે. ભારતમાં ઉદ્યોગ ક્ષેત્રે મૂડીરોકાણની અમર્યાદિત તકો છે તેમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘બ્રિક્સ’ દેશોની મિટિંગને સંબોધતાં જણાવ્યું હતું. તેમણે ભારતમાં મૂડીરોકાણ કરવા ‘બ્રિક્સ’ના ઉદ્યોગપતિઓને આમંત્રણ આપ્યું હતું. સમગ્ર વિશ્વમાં જ્યારે આર્થિક મંદીનો દોર ચાલી રહ્યો છે ત્યારે ભારતનો આર્થિક વિકાસ દર વધી રહ્યો છે. વેપાર-ઉદ્યોગ ક્ષેત્રે અનેકવિધ સુધારાઓ કરાઈ રહ્યા છે. ૨૦૨૪ સુધીમાં અમે ભારતને પાંચ ટ્રિલિયન ડોલરની ઈકોનોમી બનાવવા માગીએ છીએ. માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રના વિકાસ માટે જ ભારતમાં ૧.૫ ટ્રિલિયન ડોલરનાં મૂડીરોકાણની જરૂર પડશે તેમ મોદીએ ‘બ્રિક્સ’ના બિઝનેસ ફોરમને સંબોધતાં જણાવ્યું હતું. આ માટે તેમણે ભારતમાં વેપાર-ઉદ્યોગો સ્થાપવા અને રોકાણ કરવા ‘બ્રિક્સ’ દેશોને આમંત્રણ આપ્યું હતું. મોદીએ ‘બ્રિક્સ’ દેશોને આતંકવાદ સામે સાથે મળીને લડવા તેમ જ પાંચ દેશો વચ્ચેના સંબંધોને ગાઢ બનાવવા ભાર મૂક્યો હતો.

આર્થિક વિકાસમાં ‘બ્રિક્સ’નો ૫૦ ટકા હિસ્સો, બિઝનેસ સરળ બનાવવા સૂચન

વિશ્વનાં આર્થિક વિકાસમાં ‘બ્રિક્સ’ દેશોના ૫૦ ટકા હિસ્સો છે. વિશ્વમાં મંદી છતાં ‘બ્રિક્સ’ દેશોના આર્થિક વિકાસ થયો છે. લાખો લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. ટેકનોલોજી અને નવી શોધ તેમજ સંશોધનમાં નવા સીમાચિહ્નનો હાંસલ કરવામાં આવ્યા છે. ‘બ્રિક્સ’ના બિઝનેસને સરળ બનાવીને પરસ્પર વેપાર-ઉદ્યોગ અને રોકાણ વધારવાની જરૂરિયાત પર તેમણે ભાર મૂક્યો હતો. ‘બ્રિક્સ’ના પાંચ દેશો વચ્ચે ટેક્સ અને ક્સ્ટમ્સ જકાતના દરો હળવા છે. બેન્કો અને બૌદ્ધિક સંપત્તિના અધિકારો વચ્ચે સહયોગ સાધીને બિઝનેસનું વાતાવરણ વધુ સરળ બનાવી શકાય તેમ છે.

પાંચ ક્ષેત્રોમાં સંયુક્ત સાહસો સ્થાપી શકાય

વડા પ્રધાન મોદીએ સૂચવ્યું હતું કે ‘બ્રિક્સ’ના એક સભ્ય દેશ પાસે જો એક ટેકનોલોજી હોય તો બીજો દેશ તેને લગતી કાચી સામગ્રી કે સાધનોનું બજારો વિક્સાવીને પ્રગતિ હાંસલ કરી શકે. ખાસ કરીને ઈલેક્ટ્રિક વાહનો, ડિજિટલ ટેકનોલોજી, ખાતર, કૃષિ પેદાશો તેમ જ ફૂડ પ્રોસેસિંગમાં આ પ્રકારનો સહયોગ સાધવાની વિપુલ શક્યતા છે. આ પાંચ ક્ષેત્રોમાં સંયુક્ત સાહસો સ્થાપી શકાય એ રીતે તેને અલગ તારવવા મોદીએ સૂચવ્યું હતું.

ભારતના પ્રજાસત્તાક પર્વે બ્રાઝિલના રાષ્ટ્રપતિ મુખ્ય અતિથિ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રાઝિલના રાષ્ટ્રપતિ બોલ્સોનારોને ભારતના પ્રજાસત્તાક દિવસે મુખ્ય અતિથિ તરીકે હાજર રહેવા આમંત્રણ આપ્યું છે. જેનો બોલ્સોનારોએ સ્વીકાર કર્યો હતો. તેઓ બિઝનેસ ડેલિગેશન સાથે આવશે અને ગણતંત્ર દિવસની પરેડની સલામી ઝીલશે. આ પ્રસંગે ભારત અને બ્રાઝિલ વચ્ચે અવકાશ અને સંરક્ષણ ક્ષેત્રે કરાર કરાય તેવી શક્યતા છે. મોદી આવતા વર્ષે વિક્ટરી ડે પરેડમાં હાજરી આપવા રશિયા જશે. રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને વડા પ્રધાન મોદીને રશિયાની આગામી વિક્ટરી ડે પરેડમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું છે, જેનો મોદીએ સ્વીકાર કર્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter