આફ્રિકન દેશો ટ્રમ્પ ટેરિફનો સામનો કરવા આંતરિક વેપાર વધારશે

Tuesday 29th July 2025 15:39 EDT
 

જોહાનિસબર્ગઃ પ્રમુખ ટ્રમ્પના ગ્લોબલ ટેરિફ મુદ્દે ચિંતા વધી રહી છે ત્યારે આફ્રિકન નેતાઓ સમગ્ર આફ્રિકા ખંડના દેશો વચ્ચે વેપાર વધારવાની આફ્રિકન કોન્ટિનેન્ટલ ફ્રી ટ્રેડ એરિયા (AfCFTA) સમજૂતીને ઝડપથી અમલી બનાવવા આગળ વધી રહ્યા છે. આફ્રિકાના 54 દેશમાંથી 49 દેશે સમજૂતીને સત્તાવાર બહાલી આપી છે, પરંતુ સાઉથ આફ્રિકા અને નાઈજિરિયા સહિત માત્ર 24 દેશ તેનો ઉપયોગ કરે છે.

ટ્રમ્પ સરકારે લિસોથો સામે 50 ટકા જેટલી ઊંચી ટેરિફ લાદી છે અને અન્ય આફ્રિકી દેશો સામે પણ ઊંચી ટેરિફ લદાય તો અર્થતંત્ર અને ઉદ્યોગોને ભારે નુકસાન થવાની ચિંતા છે. વિશ્વ બેંકના અંદાજ મુજબ સમજૂતીના અમલ થકી આફ્રિકાના આંતરખંડીય નિકાસમાં 81 ટકાની વૃદ્ધિ થઈ શકે છે. ગયા વર્ષે આફ્રિકાના આંતરિક વેપારમાં 12.4 ટકા એટલે કે 208 બિલિયન ડોલરનો વધારો થયો હતો જે આ સમજૂતીની સફળતાની પ્રારંભિક નિશાની છે. આફ્રિકન યુનિયન દેશોનો સંયુક્ત જીડીપી આશરે 3 ટ્રિલિયન ડોલર જેટલો છે જે ફ્રાન્સના અર્થતંત્રની સમકક્ષ ગણી શકાય.

આફ્રિકાના આંતરિક વેપારમાં સૌથી મોટો અવરોધ 100 બિલિયન ડોલરની માળખાકીય રોકાણોમાં ખાધનો છે. આફ્રિકન ડેવલપમેન્ટ બેન્ક અને Afreximbank દ્વારા 2020થી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં 65 બિલિયન ડોલરનું સંયુક્ત રોકાણ કરાયું છે. સંખ્યાબંધ વિશાળ પૂલ અને ઝડપી રેલવે લિન્ક વિના વેપારવૃદ્ધિ શક્ય નથી. અન્ય અવરોધોમાં કરન્સી વિવાદ, સરહદી વિલંબો અને જટિલ પેપરવર્ક મુખ્ય છે. વેપારી પેમેન્ટમાં બે તૃતીઆંશ થી 40થી વધુ આફ્રિકન કરન્સી ડોલર કોરિડોર મારફત ક્લીઅર થાય છે. Afreximbank અસ્થિરતા અને ઊંચી ફીના કારણે ડોલરથી અલગ થવાની અને સ્થાનિક ચલણોનાં ઉપયોગની તરફેણ કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter