એડિસ અબાબાઃ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ની રીજિયોનેલ કમિટી ફોર આફ્રિકાની 27 ઓગસ્ટની બેઠકમાં આફ્રિકાના 47 દેશોની સરકારોને આરોગ્યના પ્રવાહો, આયોજન સેવાઓ અને રોગચાળા ફાટી નીકળવા સામે પ્રતિભાવ આપવાની સિંગલ સિસ્ટમ પૂરી પાડવા રીજિયોનેલ હેલ્થ ડેટા પ્લેટફોર્મ લોન્ચ કરાયું હતું.
આ પ્લેટફોર્મ વિવિધ રાષ્ટ્રીય અને પ્રાદેશિક સિસ્ટમ્સમાં સંગ્રહિત ડેટાને એક સાથે લાવશે, જેમાં માતાના આરોગ્ય, ચેપી રોગો, મેડિસિન્સ, હેલ્થ વર્કર્સ અને સર્વિસ ડિલિવરી સહિતના ક્ષેત્રોને આવરી લેવાયાં છે. સરકારો પોતાના નેશનલ ડેટા પર અંકુશ જાળવી રાખવા સાથે આરોગ્ય સેવાઓમાં પ્રવાહોની સરખામણી અને ખાઈની ઓળખ કરવા ડેશબોર્ડ્સ, નકશાઓ અને એનાલિટિકલ ટુલ્સનો ઉપયોગ કરી શકશે.
WHOએ જણાવ્યું હતું કે સિસ્ટમ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ડેટા એનાલિટિક્સના ઉપયોગ થકી આગાહીને સપોર્ટ કરશે તેમજ પોલિસીમેકર્સ માટે આરોગ્યની માહિતીને પુરાવાઓમાં બદલશે. હેલ્થ વર્કર્સ, સાધનો અથવા સેવાની અછત ધરાવતા ક્ષેત્રોની ઓળખ કરવામાં તેમજ આવી જરૂરિયાતો સંદર્ભે બજેટ ફાળવણી કરવામાં સરકારોને મદદ કરશે.

