યુગાન્ડામાં ઓઈલ પાઈનલાઈન મુદ્દે દેખાવો

Tuesday 24th October 2023 14:06 EDT
 
 

કમ્પાલાઃ ફ્રેન્ચ માલિકીની ફ્યૂલ એનર્જી કંપની ટોટલએનર્જીસની સહમાલિકીની 900 માઈલ લાંબી ઓઈલ પાઈપલાઈન (Eacop) મુદ્દે કમ્પાલામાં દેખાવો કરનારા વિદ્યાર્થીઓને માર મારવા અને ધરપકડ કરવા બાબતે યુએનના માનવ અધિકાર જૂથોએ વિરોધ કર્યો છે. યુકેમાં પણ ટોટલએનર્જીસના વડા મથકની બહાર પર્યાવરણવાદીઓએ 18 ઓક્ટોબર બુધવારે દેખાવો કર્યા હતા. 

સપ્ટેમ્બરની મધ્યમાં યુનિવર્સિટીના ચાર ડઝન વિદ્યાર્થીઓએ કમ્પાલામાં પાર્લામેન્ટને પિટિશન પહોંચાડવા સરઘસ કાઢ્યું હતું. પોલીસ અધિકારીઓએ તેમને પાર્લામેન્ટમાં પ્રવેશવા દીધા ન હતા અને કેટલાકને માર માર્યો હોવાનું કહેવાય છે. પોલીસે આક્ષેપ લગાવ્યો હતો કે પાઈપલાઈન વિરુદ્ધ દેખાવો કરવા તેમને નાણા અપાયા હતા. ટોટલએનર્જીસ કંપનીએ પોતાને આ બાબતે કોઈ જાણકારી હોવાનો ઈનકાર કર્યો હતો. હ્યુમન રાઈટ્સ વોચના રિપોર્ટ મુજબ જો પાઈપલાઈન પૂર્ણ થશે તો 100,000થી વધુ લોકો વિસ્થાપિત થઈ જશે.

વૈશ્વિક અર્થતંત્રો માટે આફ્રિકા વર્કફોર્સ પૂરો પાડશે

મોરોક્કોઃ પશ્ચિમી દેશોનાં અર્થતંત્રોમાં વર્કફોર્સ વૃદ્ધ થઈ રહ્યો છે ત્યારે આફ્રિકન ડેવલપમેન્ટ બેન્ક (AfDB)ના પ્રેસિડેન્ટ અને નાઈજિરિયાના પૂર્વ એગ્રિકલ્ચર મિનિસ્ટર અકિનવુમિ આદેસિના માને છે કે આફ્રિકા ભવિષ્યનો વર્કફોર્સ અને શ્રેષ્ઠ ઈન્વેસ્ટમેન્ટ તક ધરાવે છે. તેઓ એમ પણ કહે છે કે ભ્રષ્ટાચાર અને જોખમો સંબંધિત દંતકથાઓ પડતી મૂકવાનો સમય પાકી ગયો છે. આદેસિનાએ કહ્યું હતું કે વિશ્વને ઘૂંટણીએ લાવનાર 2008ની નાણાકીય કટોકટી આફ્રિકામાં ઉદ્ભવી ન હતી. આફ્રિકાની વસ્તીનો લાભ, વિસ્તરી રહેલો મધ્યમ વર્ગ અને રોકાણોની વિપૂલ તકનો અર્થ એ છે કે પરિવર્તન આવી રહ્યું છે. આફ્રિકા હવે તળિયે નહિ પરંતુ, ટોચની પોઝિશન પર આવશે.

તેમણે એમ પણ કહ્યું હતું કે 2030ના અંત સુધીમાં આફ્રિકાની વસ્તી 1.72 બિલિયન થઈ જશે જે ચીન અને ભારતથી પણ વધુ હશે.1964માં સ્થપાયેલી AfDB આફ્રિકાની એકમાત્ર AAA ક્રમાંકિત નાણાસંસ્થા છે જેની મૂડી 2019ના અંતે બેન્કના ઈતિહાસમાં સૌથી વધુ 93 બિલિયન ડોલરના વધારા સાથે 208 બિલિયન ડોલરના આંકે પહોંચી છે.

કેન્યનોએ કિંગ ચાર્લ્સની મુલાકાત પહેલા બ્રિટિશ આર્મી પાસે જંગી વળતર માગ્યું

નાઈરોબીઃ બ્રિટિશ આર્મી ટ્રેનિંગ યુનિટ ઈન કેન્યા (BATUK) દ્વારા લશ્કરી કવાયત દરમિયાન 4800 હેક્ટર (12,000 એકર)થી વધુ જમીન પર લાગેલી આગ બદલ જંગી વળતર ચૂકવવા કેન્યાની કોર્ટે બ્રિટિશ આર્મીને ચુકાદો આપેલો છે ત્યારે અત્યાર સુધી વળતર નહિ ચુકવાયા બદલ મધ્ય કેન્યાના રહેવાસીઓએ રોષ ઠાલવ્યો છે. કિંગ ચાર્લ્સ તૃતીય અને ક્વીન કેમિલા 31 ઓક્ટોબરથી કેન્યાની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે યુકે આર્મીએ વળતર ચૂકવી દેવું જોઈએ તેવી માગ કરાઈ છે.

બ્રિટિશ આર્મીની લશ્કરી કવાયત દરમિયાન 2021માં ભારે આગ ફાટી નીકળી હતી. બ્રિટિશ આર્મી યુનિટનું થાણું નાઈરોબીથી 120 માઈલ ઉત્તરે નાનયુકી ટાઉન નજીક આવેલું છે. કેન્યન ધારાશાસ્ત્રી કેલ્વિન કુબાઈએ પ્રેસ કોન્ફરન્સમાં બ્રિટિશ સરકારને ખુલ્લો પત્ર વાંચી સંભળાવ્યો હતો જેના પર 7000 જેટલા લોકોએ સહી કરેલી છે. પત્રમાં જણાવાયું છે કે કેન્યાવાસીઓને વળતર ચૂકવવું ન પડે તે માટે બ્રિટિશ આર્મી સંસ્થાનવાદી રૂલ્સ બુકમાંથી તમામ ટ્રિક્સનો ઉપયોગ કરી રહી છે. આગના અસરગ્રસ્તો બળી ગયેલી જમીનો પર ખેતી કરી શકાતી નથી, પર્યાવરણને નુકસાન તેમજ તેમના સ્વાસ્થ્યને નડી રહેલી સમસ્યાઓ માટે ચૂકવણી સહિતનું વળતર માગી રહ્યા છે.

બર્ડ ફ્લુનું એપિસેન્ટર એશિયાથી યુરોપ અને આફ્રિકા પહોંચ્યું

લંડન, નાઈરોબીઃ જીવલેણ રોગચાળા બર્ડ ફ્લુનું એપિસેન્ટર એશિયાથી યુરોપ અને આફ્રિકા પહોંચ્યું હોવાનું નવા અભ્યાસના તારણો જણાવે છે. બર્ડ ફ્લુના વાઈરસ 25 વર્ષથી એશિયામાં ઉછરતાં રહ્યા હતા પરંતુ, વાઈરસમાં મહત્ત્વપૂર્ણઁ પરિવર્તન અને જંગલી પક્ષીઓમાં તેના ફેલાવાનો અર્થ એ છે કે રોગચાળો હવે બદલાઈ રહ્યા છે. સંશોધન મુજબ રોગચાળાની શરૂઆત 2016 અને 2017માં ચીનમાં થઈ હતી અને નવા બે H5 વાઈરસ 2020માં આફ્રિકન પોલ્ટ્રીમાં અને 2022માં યુરોપિયન જંગલી પક્ષીઓમાં જોવા મળ્યા હતા. નેચરમાં પ્રસિદ્ધ પેપર મુજબ નવા ભારે ચેપી H5N1 વેરિએન્ટથી યુરોપમાં સૌથી ખરાબ બર્ડ ફ્લુ રોગચાળો ફેલાયો છે. હવે બર્ડ ફ્લુ ઓશેનિયા અને એન્ટાર્ટિકા સિવાય દરેક ખંડમાં અને માનવો સુધી ફેલાઈ ગયેલ છે. H5N1 વેરિએન્ટ2003 પછી 873 માનવીમાં જોવા મળ્યો હતો જેના કારણે 458 લોકોના મોત થયા હતા.

વધારાની ચાઈનીઝ લોન કેન્યા માટે ભારરૂપ

નાઈરોબીઃ કેન્યાનું જાહેર દેવું 70 બિલિયન ડોલરના આંકડે પહોંચી ગયું છે ત્યારે પ્રેસિડેન્ટ વિલિયમ રુટો ચીન પાસેથી વધારાની એક બિલિયન ડોલરની લોન મેળવવા પ્રયાસ કરી રહ્યા છે. ચીનના જંગી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને એનર્જી પ્રોજેક્ટ્સમાં આફ્રિકા, એશિયા અને યુરોપને સાંકળવાના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ ‘બેલ્ડ એન્ડ રોડ ઈનિશિયેટિવ (BRI)’ની 10મી વર્ષગાંઠ નિમિત્તે વૈશ્વિક નેતાઓ ચીન પહોંચ્યા હતા. યુગાન્ડાએ આ પ્રોજેક્ટ્માંથી પીછેહઠ કરેલી છે. નેશનલ ડેટા અનુસાર કેન્યા હાલ ચીનનું 6બિલિયન ડોલરનું દેવું ધરાવે છે. યુનિવર્સિટી ઓફ નાઈરોબીમાં ઈન્સ્ટિટ્યૂટ ફોર ડેવલપમેન્ટ સ્ટડીઝના પ્રોફેસર કારુટી કાન્યિન્ગાના જણાવ્યા મુજબ ચીન કેન્યાનું સૌથી મોટું લેણદાર છે ત્યારે તેની પાસેથી વધુ લોન મેળવવી હિતાવહ નથી. કેન્યાની મોટા ભાગની આવક આ દેવું ચૂકવવામાં જાય છે.

યુગાન્ડાના ચર્ચીસમાં વિસ્ફોટોનું કાવતરું નિષ્ફળ

કમ્પાલાઃ યુગાન્ડાની પોલીસે રવિવારે રાજધાની કમ્પાલાથી પશ્ચિમે 50 કિલોમીટરના અંતરે આવેલા ચર્ચીસમાં ઈસ્લામિક સ્ટેટ ગ્રૂપના સાથીદાર એલાઈડ ડેમોક્રેટિક ફોર્સીસ (ADF)ના જેહાદીઓ દ્વારા બોમ્બ વિસ્ફોટો કરવાના કાવતરાને નિષ્ફળ બનાવ્યું હોવાની જાહેરાત પ્રેસિડેન્ટ યોવેરી મુસેવેનીએ કરી હતી. યુગાન્ડાના દળોએ આગલા દિવસે પડોશી ડેમોક્રેકિટ રિપબ્લિક ઓપ કોંગોમાં ADF જેહાદીઓના થાણાંઓ પર હવાઈહુમલાઓ કર્યા હતા અને સંખ્યાબંધ ત્રાસવાદીઓ માર્યા ગયા હોવાનું કહેવાયું હતું જેના વિશે વધુ વિગતો અપાઈ ન હતી. પ્રેસિડેન્ટે ચેતવણી આપી હતી કે હવાઈહુમલાઓના પગલે ADFના જેહાદીઓ દ્વારા ત્રાસવાદી કૃત્યો આચરાઈ શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter