આફ્રિકાની યુવા પેઢીઓમાં માતૃભાષાઓ તરફ વધી રહેલો ઝોક

Wednesday 23rd September 2026 07:46 EDT
 
 

લાગોસ, હરારેઃ નાઈજિરિયાના વાણિજ્ય કેન્દ્ર લાગોસમાં ટેલિવિઝન ગેમ શો ‘માસોયિન્બો’નો નિયમ છે કે અંગ્રેજી બોલો અને હારી જશો. ‘માસોયિન્બો’નો અર્થ જ છે ‘ઈંગ્લિશ બોલશો નહિ’. ઓડિયન્સમાં યુએસમાં જન્મેલો વિદ્યાર્થી છે જે તેના માતાપિતાની માતૃભાષા શીખી રહ્યો છે, જ્યારે 13,000 કિલોમીટર દૂર ઝિમ્બાબ્વેમાં 15 વર્ષીય કેનેડિયન પણ તેના માતાપિતાની ભાષા શીખવા શિક્ષકના સંપર્કમાં રહે છે. દાયકાઓના સંસ્થાનવાદ પછી હાંસિયામાં ધકેલાઈ ગયેલી તેમજ ઈંગ્લિશ, ફ્રેન્ચ અને પોર્ટુગીઝ પછી ગૌણ બની રહેલી આફ્રિકન ભાષાઓમાં નવી પેઢીનો રસ જાગી રહ્યો છે. આનાથી, બિઝનેસ તકો પણ વધી છે.

UNESCO અનુસાર વિશ્વની ભાષાઓમાં ત્રીજા ભાગની ભાષા બોલતા 1 બિલિયનથી વધુ વસ્તી સાથે આફ્રિકાના 54 દેશમાં 1500થી 3000 જેટલી ભાષા બોલાય છે. નિષ્ણાતો કહે છે કે કેટલીક ભાષાઓને મળી રહેલું પુનર્જીવન સોશિયલ મીડિયા, ઓનલાઈન લર્નિંગ અને મનોરંજનને આભારી છે જેના પરિણામે ડાયસ્પોરાની બીજી અને ત્રીજી પેઢીના આફ્રિકનોને તેમના મૂળ સાથે ફરી સંકળાવા અને વડીલ સગાં સાથે વાતચીત કરવાનું સરળ બન્યું છે. નવી પેઢી મૂળ વાનગીઓ અને પોશાકો પહેરતી થઈ છે, પરંતુ પરિવારમાં જ બોલાતી ભાષા આવડતી ન હોવાથી મૂળના લોકો સાથે બરાબર જોડાઈ શકતી નથી. હવે તેઓ શિક્ષકો પાસેથી કેવી રીતે પરંપરાગત અભિવાદન કરવું, કહેવતો અને રુઢિપ્રયોગો સમજવા અને પૂર્વજોના કબીલાઓના પ્રતીકો શીખી રહ્યા છે. પોતાની સંસ્કૃતિના વારસાનો ગર્વ અનુભવી રહ્યા છે.

આફ્રિકન ભાષાઓ કદી આધુનિક બની નથી ત્યારે ઓનલાઈન શીખવવાની પહેલ વધી રહી છે. ઝિમ્બાબ્વેસ્થિત ટ્યુટર શુંગુ ચિડોવીએ બેન્કિંગ કરિયર છોડી ઓનલાઈન પ્લેટફોર્મ ZimbOriginal પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેઓ ઝિમ્બાબ્વે, કેનેડા, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, આયર્લેન્ડ અને સ્કોટલેન્ડના બે ડઝન વિદ્યાર્થીઓને શોના (Shona) ભાષા શીખવે છે અને માસિક 50 ડોલરનો ચાર્જ કરે છે. ઝિમ્બાબ્વેમાં 16 સ્વદેશી ભાષાને માન્યતા પ્રાપ્ત હોવાં છતાં, શિક્ષણ, વેપાર અને સરકારી કામકાજમાં અંગ્રેજી સહિત પશ્ચિમી ભાષાનું પ્રભુત્વ રહ્યું છે. સરકારો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ આ વરણને ઉલટાવવા પ્રયાસ કરી રહેલ છે. આફ્રિકન યુનિયન (AU) દ્વારા 2022થી મોટા ભાગના ઈસ્ટ આફ્રિકામાં બોલાતી કિસ્વાહિલીને પોતાની સત્તાવાર કામકાજી ભાષા તરીકે અપનાવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter