ઇંડિયા-મિડલ ઇસ્ટ-યુરોપ કોરિડોર આગળ ધપાવવા ભારત-ઇટાલી પ્રતિબદ્ધ

Wednesday 27th May 2026 05:02 EDT
 
 

રોમઃ પાંચ દેશોના વિદેશપ્રવાસના અંતિમ તબક્કામાં ઇટાલીની મુલાકાતે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભારત અને ઇટાલી વચ્ચે ખાસ વ્યૂહાત્મક ભાગીદારીનો સમય શરૂ થઇ ગયો છે, જે સમયના વહેવા સાથે વધુ મજબૂત બનશે. બન્ને દેશોએ આર્થિક અને વ્યૂહાત્મક સંબંધોને મજબૂત કરવા માટે વિવિધ ક્ષેત્રે 15 મહત્ત્વના સમજૂતી કરારો પર હસ્તાક્ષર કર્યા હતા. જેમાં વેપાર, રક્ષા, ગ્રીન એનર્જી અને ટેક્નોલોજી કેન્દ્રસ્થાને હતા. બન્ને દેશો ઇન્ડિયા-મિડલ ઇસ્ટ-યુરોપ ઇકોનોમિક કોરિડોર (આઇએમઇસી)ને આગળ વધારવા સહમત થયા છે. દિલ્હીમાં 2023માં જી-20 સમિટ વેળા આ પ્રોજેક્ટની જાહેરાત થઇ હતી. આ મહત્ત્વાકાંક્ષી યોજના ભારતને મિડલ ઇસ્ટ અને યુરોપ સાથે રેલવે, પોર્ટ અને શિપિંગ નેટવર્ક દ્વારા જોડે છે.
હિન્દીમાં પરિશ્રમનું મહત્ત્વ સમજાવતા મેલોની
પીએમ મોદીના ઈટાલી પ્રવાસ દરમિયાન સંયુક્ત નિવેદન જારી કરવા દરમિયાન ઇટાલીના વડાપ્રધાન જોર્જિયા મેલોનીએ ઇટાલિયન ભાષામાં આપેલા સંબોધનમાં અચાનક હિન્દી બોલીને તમામ શ્રોતાઓને ચોંકાવી દીધા હતા. મેલોનીએ કહ્યું હું જાણું છું કે ભારતમાં પરિશ્રમ શબ્દનું ખૂબ જ ચલણ છે. તેમણે હિન્દીમાં કહ્યું પરિશ્રમ જ સફળતાની મુડી છે. ભારત-ઇટાલી આ જ મંત્રની સાથે પરસ્પર સંબંધોને આગળ વધારશે. બંને નેતાઓએ અનેક મુદ્દાઓ પર સહમતિ વ્યક્ત કરી હતી.
કૃષિમાં યોગદાન બદલ મોદીને યુએનનો એવોર્ડ
યુએનના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (એફએઓ) દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એફએઓ એગ્રીકોલા મેડલ અપાયો હતો. મોદીના ખાદ્ય સુરક્ષા અને ગ્રામીણ વિકાસ તેમજ ટકાઉ કૃષિમાં યોગદાન બદલ આ એવોર્ડ એનાયત થયો હતો. વડાપ્રધાન મોદીએ આ એવોર્ડને આવકાર્યો હતો સાથે જ કહ્યું હતું કે ખાદ્ય સુરક્ષા, ટકાઉ વિકાસ અને કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોના પરિશ્રમને આ એવોર્ડ દર્શાવે છે. હજારો ખેડૂતોનું આ સન્માન છે. મોદીએ કહ્યું હતું કે ભારતના કૃષિ ક્ષેત્રને મજબુત કરવામાં હવે ટેક્નોલોજી પણ મદદરૂપ થઇ રહી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર વધુ કૃષિ પેદાશો પેદા કરવાનો નથી અમારો ઉદ્દેશ્ય સારી કૃષિ પેદાશો પેદા કરવાનો છે.
ઇયુમાં માત્ર ઇટલીમાં જ સૌથી વધુ બે લાખ ભારતીય
• 27 યુરોપિયન દેશના સંગઠન યુરોપિયન યુનિયન (ઇયુ)માં સૌથી વધુ લગભગ બે લાખ ભારતીય ઇટાલીમાં રહે છે. દર વર્ષે 5100 ભારતીય વિદ્યાર્થી અભ્યાસ માટે આવે છે.
• ઈટાલી ઇયુમાં ભારતનું ચોથું મોટું વેપાર ભાગીદાર છે. બંને દેશોમાં 14.25 બિલિયન યુરોનો વેપાર છે. ભારત ઇટાલીને વધુ નિકાસ કરે છે. વેપાર સંતુલન ભારતના પક્ષમાં છે.
• ઇટાલીના ટ્રાવેલર માર્કો પોલોએ 13મી સદીમાં ભારત યાત્રા અંગે લખ્યું હતું. ટ્રાવેલ્સ ઓફ માર્કો પોલોથી યુરોપને પહેલીવાર ભારતની અસલી ઝલક મળી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter