ઈથિયોપિયામાં £4.5 બિલિયનના ખર્ચે વિશ્વનું મેગા એરપોર્ટનું નિર્માણ

યુરોપમાં પોલેન્ડનું નવું મેગા એરપોર્ટ 2032માં કાર્યરત થશે

Wednesday 06th August 2025 05:43 EDT
 
 

એડિસ અબાબાઃ આગામી થોડા વર્ષોમાં આફ્રિકાના ઈથિયોપિયામાં વિશ્વના સૌથી વિશાળ એરપોર્ટ્સમાં એક નવું મેગા એરપોર્ટ કાર્યરત થઈ જશે, જે આફ્રિકામાં સૌથી વિશાળ હશે. દેશની રાજધાની એડિસ અબાબાથી 28 માઈલના અંતરે આકાર લઈ રહેલું બિશોફ્ટુ ઈન્ટરનેશનલ એરપોર્ટ યુકે સુધીની ફ્લાઈટ્સ સાથે વાર્ષિક 60 મિલિયન પ્રવાસીઓની હેરફેર કરશે. દેશની મુખ્ય ઈથિયોપિયન એરલાઈન્સ અને આફ્રિકન ડેવલપમેન્ટ બેન્ક (AfDB)ના પીઠબળ સાથેનું મેગા એરપોર્ટ 4.5 બિલિયન પાઉન્ડના ખર્ચે નિર્માણ પામશે અને 2029 સુધીમાં કાર્યાન્વિત થઈ જશે.

એરપોર્ટ નિર્માણની યોજના 2018માં જાહેર કરાઈ હતી. જોકે, હવે ડિઝાઈન કોન્ટ્રાક્ટ દુબઈસ્થિત એન્જિનીઅરીંગ કંપની સિદારા (Sidara)ને અપાયો છે. મેગા એરપોર્ટમાં ચાર રનવે હશે અને 270 વિમાન રાખી શકાય તેટલી વિશાળ જગ્યા હશે. હાલ લંડનના હીથ્રો એરપોર્ટથી ચાલતી વર્તમાન હવાઈસેવા ઉપરાંત, લાંબા અંતરની ફ્લાઈટ્સ ઓપરેટ કરાશે. શરૂઆતમાં પ્રવાસી હેરફેરની ક્ષમતા વાર્ષિક 17 મિલિયનની રહેશે જે 2040 સુધીમાં વધીને 60 મિલિયન પ્રવાસીની થઈ જશે. હાલ એડિસ અબાબા બોલે ઈન્ટરનેશનલ એરપોર્ટની મહત્તમ ક્ષમતા 25 મિલિયન પ્રવાસીની છે. નવા એરપોર્ટમાં લાંબી લાઈનો જોવા નહિ મળે કે લાંબા સમયની રાહ પણ જોવી નહિ પડે. બિશોફ્ટુ ઈન્ટરનેશનલ એરપોર્ટ અટલાન્ટાના હાર્ટ્સફિલ્ડ-જેક્સન અને બીજિંગના ડેક્શિંગ જેવાં વિશ્વના સૌથી વિશાળ એરપોર્ટ્સની હરીફાઈ પણ કરશે.

પોલેન્ડમાં પણ મેગા એરપોર્ટનું નિર્માણ

ઈથિયોપિયાનું નિર્માણાધીન મેગા એરપોર્ટ એક માત્ર નથી. યુરોપના નપોલેન્ડમાં પણ વોર્સો સોલિડારિટી એરપોર્ટનું નિર્માણ થઈ રહ્યું છે જે 2032માં કાર્યરત બનવાની સાથે જ વિશ્વના અતિ વ્યસ્ત એરપોર્ટ હબ્સ હીથ્રો અને દુબઈના એરપોર્ટની સ્પર્ધા કરશે. 25 બિલિયન પાઉન્ડના ખર્ચે નિર્માણ કરાનારું વોર્સો એરપોર્ટ 2060 સુધીમાં વાર્ષિક 65 મિલિયન પ્રવાસીની હેરફેર કરશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter