નાઈરોબી, કમ્પાલાઃ યુગાન્ડાના કુખ્યાત પૂર્વ તાનાશાહ ઈદી અમીનના બોક્સર પૌત્ર અઝીઝ અબ્દુલ-રિંગોએ સ્પર્ધા સમાપ્ત થયાનો બેલ વાગી ગયા પછી પણ હરીફ બોક્સરને ખતરનાક મુક્કો મારી જમીન પર પાડી દીધા બાદ તેનો આફ્રિકન બોક્સિંગ ચેમ્પિયનશિપ મેડલ ખૂંચવી લેવાયો હતો.
નાઈરોબીમાં 90 કિ.ગ્રામની ફાઈનલમાં ઈજિપ્તના બોક્સર મોહમ્મદ હોસ્સેન સામે અઝીઝ અબ્દુલે મગજ ગુમાવ્યું હતું અને રમત પૂર્ણ થયાનો બેલ વાગ્યા પછી તેણે હરીફને માથાની પાછળ જોરદાર પંચ મારી ભોંયભેગો કરી દીધો હતો. આ સાથે જ સત્તાવાળાઓએ યુગાન્ડના બોક્સરને ડિસ્ક્વોલિફાય જાહેર કર્યો હતો. ઈજિપ્તના બોક્સરને ગોલ્ડ મેડલ જાહેર કરાયો હતો. ફાઈનલમાં પહોંચવા બદલ અઝીઝને મળનારા સિલ્વર મેડલથી પણ વંચિત રખાયો હતો. ઉલ્લેખનીય છે કે અઝીઝને ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સમાં ખરાબ દેખાવ પછી આ બીજી મોટી ટુર્નામેન્ટ હતી. જુલાઈમાં સુપર હેવીવેઈટ ક્વાર્ટર ફાઈનલમાં ઈંગ્લેન્ડના ડામેર થોમસ સામે અબ્દુલને ગેરલાયક ઠરાવાયો હતો. તેને અગાઉ પણ બે વખત ચેતવણી અપાઈ હતી.


