ઈદી અમીનનો બોક્સર પૌત્ર કોમનવેલ્થ ગેમ્સમાં ડિસક્વોલિફાય

Tuesday 04th August 2026 08:09 EDT
 
 

ગ્લાસગો, કમ્પાલાઃ યુગાન્ડાના પૂર્વ તાનાશાહના પૌત્ર અને સ્કોટલેન્ડના નવા કિંગ બનવાની મહેચ્છા સાથે ગ્લાસગોની કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઈ રહેલા બોક્સર અઝીઝ અબ્દુલને ઈંગ્લિશ બોક્સર અને પૂર્વ યુથ વર્લ્ડ ચેમ્પિયન ડેમર થોમસને માથું મારવા બદલ રમતમાંથી ડિસક્વોલિફાય કરવામાં આવ્યો હતો. અબ્દુલને ત્રણ વખત ફાઉલ આપવામાં આવ્યો હતો તેમજ ત્રીજા અને આખરી રાઉન્ડથી વચ્ચે જ રિંગમાંથી બહાર કરી દેવાયો હતો.

અબ્દુલે અધિકારીઓ સામે રોષ ઠાલવી તેની સાથે પક્ષપાત કરાયાનો આક્ષેપ લગાવ્યો હતો. તેણે રેફરીના ફાઉલના નિર્ણયોને ખોટા ગણાવ્યા હતા. તેણે કહ્યું હતું કે ઈંગ્લેન્ડની અગાઉની ફાઈટ્સમાં તેમના બોક્સરોએ ઘણા ફાઉલ્સ નોંધાવ્યા હતા. હું બ્લેક આફ્રિકન છું અને અધિ્કારીઓ શા માટે આ ફાઈટથી ડરતા હતા તે સમજાતું નથી. બીજી તરફ, કોમનવેલ્થના વડા અધિકારીઓએ ભ્રષ્ટાચાર અને રેસિઝમના આક્ષેપોને બેબુનિયાદ ગણાવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ઈદી અમીન 1971માં યુગાન્ડાનો પ્રમુખ બન્યા પહેલા પ્રસિદ્ધ બોક્સર હતો. તેના આઠ વર્ષના શાસનમાં અંદાજે 500,000 લોકો માર્યા ગયા હતા અને તેણે યુગાન્ડાની સમગ્ર એશિયન વસ્તીને દેશમાંથી હાંકી કાઢી હતી. તેણે 1976માં પોતાની જાતને ‘કિંગ ઓફ સ્કોટલેન્ડ’ જાહેર કરી હતી. તેનો પોત્ર અઝીઝ અબ્દુલ ‘ન્યું કિંગ ઓફ સ્કોટલેન્ડ’ બનવા માગતો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter