ઈસ્ટ આફ્રિકા માટે સેકન્ડહેન્ડ વસ્ત્રોની આયાતબંધી સરળ નથી

Wednesday 01st July 2026 07:00 EDT
 
 

નાઈરોબીઃ કેન્યા જેનું સભ્ય છે તેવી ઈસ્ટ આફ્રિકન કોમ્યુનિટી (EAC) માટે યુએસ, યુરોપ અને ચીનમાંથી જૂના આયાતી વસ્ત્રોનો વેપાર મોટી સમસ્યા બની રહ્યો છે. ઈસ્ટ આફ્રિકા સેકન્ડહેન્ડ વસ્ત્રોની આયાત નિયંત્રિત કરવા ઈચ્છે છે, પરંતુ તે સરળ નથી. જ્યારે ઉતરેલા સસ્તાં વસ્ત્રોથી બજાર ઉભરાતું હોય ત્યારે ફેશન ઈન્ડસ્ટ્રી કેવી રીતે આગળ વધે તે મુખ્ય પ્રશ્ન છે. ઈસ્ટ આફ્રિકામાં નાઈરોબીનું ગિકોમ્બા બજાર વપરયેલા વસ્ત્રોના મોટાં બજારોમાં એક છે.

કેન્યામાં બ્રાન્ડેડ વસ્ત્રોના ઉત્પાદકો કહે છે કે સેકન્ડહેન્ડ વસ્ત્રો સાથે સ્પર્ધા કરી શકાય, પરંતુ કિંમત મુદ્દે સ્પર્ધા અશક્ય છે. ટાન્ઝાનિયાના દારે સલામના વેપારીનું કહેવું છે કે તેમની શોપમાં ડ્રેસની લઘુતમ કિંમત 50,000 ટાન્ઝાનિયન શિલિંગ્સ છે ત્યારે લોકો કહે છે કે આટલામાં તો 10 સેકન્ડહેન્ડ ડ્રેસ આવી જાય. એક દાયકા અગાઉ, EAC દ્વારા સેકન્ડહેન્ડ વસ્ત્રો મુદ્દે કાગારોળ મચાવી તેના સભ્ય દેશોમાં પ્રતિબંધ લાદવાની તૈયારી દર્શાવી હતી. જોકે, આ વસ્ત્રોના સૌથી મોટા નિકાસકાર યુએસ દ્વારા ભારે દબાણના પરિણામે આ પ્રસ્તાવ પડી ભાંગ્યો હતો, પરંતુ વિવાદ હજુ ચાલી જ રહ્યો છે.

એક સમયે યુગાન્ડાના પ્રેસિડેન્ટે સેકન્ડહેન્ડ વસ્ત્રોને મૃત ગોરાઓ પાસેથી આવતા વસ્ત્રો ગણાવ્યા હતા અને સ્થાનિક ગારમેન્ટ ઈન્ડસ્ટ્રીને ઉત્તેજન અને પર્યાવરણના રક્ષણ માટે તેની આયાત પર વધુ 30 ટકા ટેક્સ લાગુ કર્યો હતો. થોડા સમય પછી, કેન્યાએ પણ વપરાયેલા વસ્ત્રો પર વધુ ટેક્સ લાદવા પ્રયાસ કર્યો હતો. જોકે, વસ્ત્રોની કિંમતો વધશે તેવા ભય સાથે લોકોએ જ તેનો ભારે વિરોધ કર્યો હતો. સ્થાનિક વસ્ત્ર ઉત્પાદકોના લાભાર્થે કેન્યાએ વપરાયેલા વસ્ત્રોની આયાત પર 30 ટકા કસ્ટમ્સ ડ્યૂટી લાદી જ છે.

કેન્યા સેકન્ડહેન્ડ વસ્ત્રોનું સૌથી મોટું આયાતકાર છે. યુએન ટ્રેડ ડેટા મુજબ કેન્યામાં 2022માં 180,000 ટન વપરાયેલા વસ્ત્રોની આયાત થઈ હતી જે 2013ની સરખામણીએ 76 ટકા વધુ હતી. મિટુમ્બા કોન્સોર્ટિયમ એસોસિયેશન ઓફ કેન્યાના સંશોધન અનુસાર ઈસ્ટ આફ્રિકામાં 4.9 મિલિયન લોકો કામકાજ માટે વપરાયેલા વસ્ત્રોના વેપાર પર આધાર રાખે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter