ઈસ્ટ આફ્રિકામાં કેન્યાનો પાસપોર્ટ સૌથી મજબૂત, યુગાન્ડાએ ક્રમ જાળવ્યો

Wednesday 12th August 2026 06:57 EDT
 
 

નાઈરોબીઃ / કમ્પાલાઃ યુગાન્ડાએ હેન્લી પાસપોર્ટ ઈન્ડેક્સમાં સુધારો જાળવી રાખતા 2026ની એડિશનમાં પણ 72મો વૈશ્વિક ક્રમાંક હાંસલ કર્યો છે જ્યારે કેન્યાએ 68મા વૈશ્વિક ક્રમ સાથે ઈસ્ટ આફ્રિકામાં સૌથી મજબૂત પાસપોર્ટ તરીકેની પોઝિશન યથાવત રાખી છે. સમગ્ર આફ્રિકા ખંડમાં સૌથી મજબૂત પાસપોર્ટ સેશેલ્સનો છે, જેનો વૈશ્વિક ક્રમ 23, બીજા નંબરે 26મા સ્થાન સાથે મોરેશિયસ છે.

હેન્લી એન્ડ પાર્ટનર્સ દ્વારા જારી કરાયેલા તાજા રેન્કિંગમાં કેન્યાએ 68મો ક્રમ મેળવ્યો છે. કેન્યાના 2025માં વિઝા ફ્રી ડેસ્ટિનેશન 68 હતા તે વધીને 70 થયા છે. બીજી તરફ, યુગાન્ડાનો પાસપોર્ટ 65 સ્થળો માટે વિઝા ફ્રી અથવા વિઝા ઓન એરાઈવલ સુવિધા ઓફર કરે છે. ઉલ્લેખનીય છે કે 2021માં યુગાન્ડાનો ક્રમ 81મો હતો તે સુધરીને 2022માં 76, 2023માં 78 અને 2024માં સુધરીને 73મા ક્રમે આવ્યો હતો. યુગાન્ડાના પાસપોર્ટનું સૌથી મજબૂત પ્રદર્શન 2006માં રહ્યું હતું જ્યારે તેનો વૈશ્વિક ક્રમ 58 હતો.

રવાન્ડા અને ટાન્ઝાનિયા સંયુક્તપણે 69મા ક્રમે આવ્યા છે. જોકે, રવાન્ડાએ ગત વર્ષના 76મા ક્રમાંક પરથી નોંધપાત્ર સુધારો દર્શાવ્યો છે અને તેનો પાસપોર્ટ 66 ડેસ્ટિનેશન્સ પર પહોંચવાની સુવિધા આપે છે. બીજી તરફ, ટાન્ઝાનિયાએ ગત વર્ષનો 69મો ક્રમ જાળવી રાખ્યો છે, પરંતુ વિઝા મેળવ્યા વિના એરાઈવલ કરી શકાય તેવા સ્થળો 73થી ઘટી 68 થયા છે. આ સિવાય, બુરુન્ડીનો ક્રમ 88, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોનો ક્રમ 90, સોમાલિયાનો ક્રમ99 રહ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter