એર ઇન્ડિયા અને વિસ્તારાનું મર્જર થશે

Saturday 10th December 2022 05:22 EST
 
 

નવી દિલ્હી: ટાટા જૂથે એર ઇન્ડિયા સાથે વિસ્તારા એરલાઇનને મર્જ કરવાની જાહેરાત કરી છે. ભારતના દિગ્ગજ કોર્પોરેટ હાઉસે જાહેર કર્યું છે કે આ મર્જર પછી એર ઇન્ડિયામાં સિંગાપોર એરલાઇન્સનો હિસ્સો 25.1 ટકા રહેશે. પ્રસ્તાવિત સોદો માર્ચ 2024 સુધીમાં પૂરો થવાનો અંદાજ છે. ટાટા જૂથ વિસ્તારામાં 51 ટકા હિસ્સો ધરાવે છે. બાકીનો હિસ્સો સિંગાપોર એરલાઇન્સ પાસે છે. સિંગાપોર એરલાઇન્સે જણાવ્યું હતું કે, ‘વિસ્તારા અને એર ઇન્ડિયાનું મર્જર કરવામાં આવશે. કંપની સોદાના ભાગરૂપે એર ઇન્ડિયામાં રૂ. 2058.5 કરોડનું રોકાણ કરશે. તેને પગલે એર ઇન્ડિયા જૂથમાં સિંગાપોર એરલાઇન્સનો હિસ્સો 25.1 ટકા રહેશે.’
સિંગાપોર એરલાઇન્સ આંતરિક રોકડ દ્વારા આ રોકાણ કરશે. 20 સપ્ટેમ્બરના રોજ સિંગાપોર એરલાઇન્સ પાસે આંતરિક રોકડ સ્રોતનું પ્રમાણ 17.5 બિલિયન સિંગાપોર ડોલર્સ હતું. ટાટા જૂથે જણાવ્યું હતું કે, આ મર્જર પછી એર ઇન્ડિયા 218 વિમાનના કાફલા સાથે દેશની સૌથી મોટી આંતરરાષ્ટ્રીય એરલાઇન અને બીજા નંબરની ડોમેસ્ટિક એરલાઇન બનશે. સિંગાપોર એરલાઇન્સ અને ટાટા
સન્સ પણ મર્જ્ડ કંપનીમાં વધારાના રોકાણ માટે સંમત થયા છે. જરૂર પડશે તો તે નાણાકીય વર્ષ 2022-23 અને 2023-24માં એર ઇન્ડિયાની વૃદ્ધિ અને કામકાજના વિસ્તરણ માટે નાણાં રોકશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter