ઓસ્ટ્રેલિયાએ ભગવાન શિવ, ભગવાન વિષ્ણુ અને જૈન પરંપરા વગેરે સાથે સંકળાયેલી 29 પ્રાચીન ચીજવસ્તુઓ ભારત સરકારને પરત કરી છે. આ ચીજવસ્તુઓ ભારતને સુપરત કરાયા બાદ વડા પ્રધાન મોદીએ તેનું નિરીક્ષણ કર્યું હતું તેમ કેન્દ્ર સરકારે એક નિવેદનમાં જણાવ્યું છે. આ પ્રાચીન વસ્તુઓ અલગ અલગ સમયની છે. જેમાંથી કેટલીક વસ્તુઓ તો નવમી અને દસમી સદીની છે. પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરોએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે આ પ્રાચીન વસ્તુઓ ભારતની ધરોહર છે અને તેને પરત લાવવાની એક ઐતિહાસિક પગલું છે. ભારત પરત લાવવામાં આવેલી મોટાભાગની મૂર્તિઓમાં બલુઆ પથ્થર, સંગેમરમર, કાંસ્ય, પિત્તળનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાના જણાવ્યા મુજબ 2014થી અત્યાર સુધીમાં 228 પ્રાચીન વસ્તુઓ વિદેશમાંથી ભારત પરત લાવવામાં આવી છે. 1976થી 2013 સુધીમાં ફક્ત 13 પ્રાચીન વસ્તુઓ ભારત પરત લાવવામાં આવી હતી.


