સિડનીઃ ઓસ્ટ્રેલિયાની છેલ્લામાં છેલ્લી જનગણના અનુસાર આ દેશની કુલ વસતી બે કરોડ સત્તાવન લાખથી વધારે થઈ ગઈ છે. જો કે તેની ખાસ બાબત એ છે કે આ દેશમાં ભારતીય મૂળના લોકોની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયામાં પાછલા પાંચ વર્ષમાં ભારતીયોની સંખ્યામાં 48 ટકાનો વધારો નોંધાયો છે.
વર્ષ 2016માં આ દેશમાં 4,55,389 ભારતીય રહેતાં હતાં તે 2021માં પહેલી જૂને 6,73,352 ભારતીયોની સંખ્યા હતી. ઓસ્ટ્રેલિયામાં હાલમાં 27 ટકાથી વધારે લોકો એવા છે કે જેમનો જન્મ વિદેશમાં થયો છે. વિદેશમાં જન્મેલા લોકોમાં ભારતીયોની સંખ્યામાં 2,17,963 લોકોનો(જે સૌથી વધારે છે) વધારો થયો હતો. આ સાથે ભારતે ચીન અને ન્યૂઝીલેન્ડને પાછળ છોડી દીધા છે. હવે તે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ બાદ ત્રીજા ક્રમ પર આવી ગયું છે.
ભારત બાદ બીજા નંબર પર નેપાળ
મંગળવારે જાહેર કરવામાં આવેલા ઓસ્ટ્રેલિયાની જનગણનાના આંકડા અનુસાર દેશની લગભગ અડધી વસતી(48.6 ટકા) એવી છે કે જેમના માતા અથવા પિતામાંથી કોઈ એક વિદેશમાં જન્મ્યું હતું. 2017ની જનગણના બાદ દેશમાં 1,020,007 વિદેશીઓ આવીને વસ્યા છે, તેમાંથી સૌથી વધારે ઇમિગ્રાન્ટ્સ ભારતથી આવ્યા હતાં. બીજી સૌથી મોટી વૃદ્ધિ નેપાળી મૂળના લોકોની સંખ્યામાં થઈ છે. ઓસ્ટ્રેલિયામાં નેપાળીઓની સંખ્યામાં 123.7 ટકાનો વધારો નોંધાયો છે, 2016 પછી 67,752 નેપાળી ઓસ્ટ્રેલિયામાં આવીને વસ્યા છે.
ન્યૂ સાઉથ વેલ્સમાં સૌથી વધારે વસતી
લેટેસ્ટ આંકડા અનુસાર ન્યૂ સાઉથ વેલ્સ હવે દેશનું સૌથી વધારે વસતી ધરાવતું રાજ્ય બની ગયું છે, ત્યાં દેશની 31.8 ટકા વસતી રહે છે. જો કે ટકાવારીમાં જોઈએ તો પાછલા પાંચ વર્ષમાં સૌથી વધારે વસતી દેશની રાજધાની કેનબરામાં વધી છે જ્યાં 14 ટકાનો વધારો નોંધાયો છે. વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ શહેરી લોકો અને તસ્માનિયામાં સૌથી વધુ ગ્રામીણ વસતી છે. ઓસ્ટ્રેલિયામાં ઇંગ્લિશ સિવાયની અન્ય ભાષા બોલતા લોકોની સંખ્યામા 7,92,062નો વધારો થયો છે. આ દેશમાં સાડા આઠ લોકો ઇંગ્લિશ ભાષા બોલી શકતા નથી.


