નવી દિલ્હીઃ ભારતે પાકિસ્તાન સાથે તમામ પ્રકારના વેપારવણજ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ ફરમાવીને માસ્ટર સ્ટ્રોક માર્યો હોવાનું નિષ્ણાતોનું કહેવું છે. ભારતે પાકિસ્તાન સાથે પોસ્ટલ અને પાર્સલ સેવા બંધ કરવાની સાથે ભારતીય બંદરો પર પાકિસ્તાનના ધ્વજવાળા કોઇ પણ જહાજના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે.
પહલગામના બૈસારનમાં આતંકીઓએ હિન્દુઓની નામ પૂછીને હત્યા કરવાના પગલે દેશભરમાં ભારે આક્રોશ ફેલાયેલો છે ત્યારે ભારત સતત પાકિસ્તાન પર ગાળિયો મજબૂત કરી રહ્યું છે. ભારતે હવે પાકિસ્તાનનું નાક દબાવવા માટે તાત્કાલિક અસરથી પરોક્ષ વેપાર પર પ્રતિબંધ મૂકી દીધો છે. ભારતે પાકિસ્તાન સાથે પોસ્ટલ અને પાર્સલ સેવા બંધ કરવાની તથા ભારતના બંદરોમાં પાકિસ્તાનના ધ્વજવાળા કોઈપણ જહાજના પ્રવેશ પર પ્રતિબંધ મૂકતા આદેશો આપ્યા છે. આ રીતે ભારતે પાકિસ્તાનની એરલાઈન્સ માટે એર સ્પેસ બંધ કર્યા પછી હવે પાકિસ્તાનના હવા, પાણી અને જમીન પરથી થતા વેપાર-પરિવહન બંધ કરી દીધા છે.
વર્ષ 2019ની ફેબ્રુઆરીમાં પુલવામા હુમલા પછી ભારતે પાકિસ્તાનમાંથી આયાત પર 200 ટકા ડયુટી નાંખતા સીધી આયાત લગભગ બંધ થઈ ગઈ હતી. જોકે, શનિવારે લીધેલા નિર્ણયથી હવે ત્રીજા દેશ મારફત આયાત પણ બંધ થઈ જશે. એપ્રિલથી જાન્યુઆરી 2024-25માં પાકિસ્તાનમાં ભારતની નિકાસ 44.76 લાખ ડોલર હતી જ્યારે આયાત માત્ર 4.20 લાખ યુએસ ડોલર હતી. પાકિસ્તાનમાંથી આયાત માત્ર અંજીર, તુલસી અને રોઝમેરી ઔષધીઓ, કેટલાક રસાયણો, મુલતાની માટી અને હિમાલયન સિંધવ મીઠા સુધી મર્યાદિત હતી.
2023-24 માં ભારતની આયાત 28.8 લાખ ડોલર જેટલી હતી. જોકે, પહલગામ હુમલા પછી ડિરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી)એ શુક્રવારે જાહેર કરેલા નોટિફિકેશનમાં વિદેશ વેપાર નીતિ (એફટીપી) 2023માં વધુ આદેશ ના આવે ત્યાં સુધી પાકિસ્તાનમાંથી ત્રીજા દેશ મારફત પણ કોઈપણ સામાનની આયાત પર પ્રતિબંધ મૂકાયો છે. સરકારે રાષ્ટ્રીય હિતો અને જાહેર નીતિના સંદર્ભમાં આ નિર્ણય લીધો હોવાનું જણાવાયું છે.
પોસ્ટ અને પાર્સલ પર પણ પ્રતિબંધ
પાકિસ્તાન સાથે વેપાર બંધ કરવાની સાથે ભારતે પાકિસ્તાનમાં પોસ્ટલ અને પાર્સલ સેવાઓના આવાગમન પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે. બીજી બાજુ, ભારતીય બંદરો પર પાકિસ્તાનના ધ્વજવાળા કોઈપણ જહાજને પ્રવેશ નહીં આપવાનો પણ સરકારે આદેશ આપ્યો છે.
આ સાથે ભારતીય ઝંડાવાળા કોઈપણ જહાજોને પાકિસ્તાનના કોઈપણ બંદરો પર જવા પર પ્રતિબંધ મૂકાયો છે. રાષ્ટ્રીય હિતમાં અને ભારતીય સમુદ્રી સંપત્તિઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર માળખાની સુરક્ષા માટે જાહેર કરાયેલા આ નિર્દેશ તાત્કાલિક અસરથી લાગુ કરાયા છે.
આ આદેશનો આશય વર્તમાન ભૂ-રાજકીય પરિસ્થિતિઓ વચ્ચે સમુદ્રી સુરક્ષાને મજબૂત કરવાનો છે. હવાઈ અને જમીની બંને માર્ગોથી આવતી પોસ્ટ અને પાર્સલ પર પ્રતિબંધ મૂકાયો છે. આમ હવે પાકિસ્તાનમાંથી કોઈ પત્ર અથવા પાર્સલ કે કુરિયર ભારત નહીં આવી શકે અને ભારતમાંથી પાકિસ્તાનમાં મોકલી નહીં શકાય. ભારતના આ નિર્ણયનો અસર વિશેષરૂપે બંને દેશોમાં કૌટુંબિક સંબંધો ધરાવતા નાગરિકો પર પડશે.