કરતારપુર કોરિડોરઃ ભારતના પ્રસ્તાવો નકારી પાકિસ્તાને શરતો મૂકી

Saturday 29th June 2019 06:30 EDT
 
 

નવી દિલ્હીઃ એક સમયે કરતારપુર કોરિડોર દ્વારા ભારત સાથે મંત્રણાના દ્વાર ખોલવાના પ્રયાસો કરી રહેલા પાકિસ્તાને હવે આ યોજના અંગે આડોડાઇ શરૂ કરી દીધી છે. કરતારપુર કોરિડોરના સંચાલન માટે પાકિસ્તાને ભારતના તમામ પ્રસ્તાવો નકારી પોતાની શરતો અને નિયમો લાદ્યા છે. ભારતે પ્રસ્તાવ મૂક્યો હતો કે, શિખોના સૌથી પવિત્ર ધામો પૈકીના એક કરતારપુર કોરિડોરને આખા વર્ષ માટે ખુલ્લો મૂકવામાં આવે, પરંતુ પાકિસ્તાને આ પ્રસ્તાવનો વિરોધ કર્યો છે. પાકિસ્તાને ભારતનો પ્રસ્તાવ નકારી કાઢતા જણાવ્યું છે કે, ફક્ત ૭૦૦ તીર્થયાત્રી જ કરતારપુર સ્થિત ગુરુદ્વારા દરબાર સાહિબમાં દર્શન કરી શકશે. એક સરકારી અધિકારીના જણાવ્યા અનુસાર પાકિસ્તાને જણાવ્યું છે કે, તીર્થયાત્રીઓને સ્પેશિયલ પરમિટ સિસ્ટમ દ્વારા જ કરતારપુર આવવા દેવાશે. આ માટે તેમણે ફી પણ ચૂકવવાની રહેશે. ભારતે પ્રસ્તાવ મૂક્યો હતો કે, કરતારપુરની મુલાકાત માટે તીર્થયાત્રીઓ પર કોઇ વિઝા કે ફી લાગુ કરવામાં ન આવે. ભારતે એવો પણ પ્રસ્તાવ મૂક્યો હતો કે, ભારતીય નાગરિકો ઉપરાંત પ્રવાસી ભારતીયોને પણ કરતારપુરની મુલાકાત લેવાની પરવાનગી આપવામાં આવે, પરંતુ પાકિસ્તાને ભારતનો પ્રસ્તાવ ફગાવી દેતાં જણાવ્યું છે કે ફક્ત ભારતના નાગરિકોને જ કરતારપુરની મુલાકાતની પરવાનગી આપવામાં આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter