વાનકુંવરઃ કેનેડાની ફેડરલ ચૂંટણીમાં ફરી એક વખત લિબરલ પાર્ટીનો વિજય થયો છે. કેનેડામાં વડાપ્રધાન માર્ક કાર્નીના નેતૃત્વમાં લિબરલ પાર્ટીએ વિજય મેળવ્યો છે. કાર્નીના આ વિજયથી ભારત-કેનેડાના સંબંધોમાં સુધારો થશે તેમ મનાય છે. જસ્ટિન ટ્રુડોના કાર્યકાળમાં ભારત- કેનેડા સંબંધો તળીયે પહોંચી ગયા હતા. જોકે, ભારત અંગે માર્ક કાર્નીનું વલણ ટ્રુડોથી એકદમ અલગ છે. તેથી આગામી સમયમાં ભારત અને કેનેડાના સંબંધો ફરી એક વખત સુધરવાની સંભાવનાઓ છે.
કેનેડામાં તોળાઇ રહેલી ફેડરલ ચૂંટણીમાં લિબરલ પાર્ટીના સંભવિત પરાજયની આશંકાના પગલે ભારત સાથે સંબંધો બગાડનારા જસ્ટિન ટ્રુડોએ છેવટે વડાપ્રધાનપદેથી રાજીનામું આપવું પડ્યું હતું અને તેમના સ્થાને માર્ક કાર્ની વડાપ્રધાન બન્યા હતા. તેમણે ચૂંટણી સમયે જ કહ્યું હતું કે, તેઓ ફરીથી વડાપ્રધાન બનશે તો ભારત સાથે સંબંધો સુધારવાને પ્રાથમિક્તા આપશે.
ખાલિસ્તાનીઓના સૂપડાં સાફ
કેનેડાની સામાન્ય ચૂંટણીમાં ખાલિસ્તાનીઓની સમર્થક ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી (એનડીપી) અને તેના ચેરમેન બે વખત સાંસદ રહેલા જગમીતસિંહનો કારમો પરાજય થયો છે. ટ્રુડો આ પાર્ટી સાથેના જોડાણ અને ખાલિસ્તાન સમર્થકોના ગઠબંધનને કારણે જ ભારત વિરુદ્ધ ઝેર ઓકતા હતા. ચૂંટણીમાં એનડીપીના ખરાબ દેખાવને કેનેડામાં ખાલિસ્તાન સમર્થકો માટે મોટા ફટકારૂપે જોવાઈ રહ્યો છે.
22 પંજાબી ચૂંટણી જીત્યા
કેનેડાની સંસદીય ચૂંટણીમાં આ વખતે રેકોર્ડ 22 પંજાબીઓ હાઉસ ઓફ કોમન્સમાં ચૂંટાયા છે. તેમાં લિબરલ પાર્ટીના 8 અને કન્ઝર્વેટિવ પાર્ટીના 9 ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે. 2021ની ચૂંટણીમાં 18 પંજાબીઓ સાંસદપદે ચૂંટાયા હતા જ્યારે 2019માં 20 પંજાબીઓ જીત્યા હતા.