કાશ્મીર પ્રશ્ને પાકિસ્તાનના પોલા પ્રહારો સામે ભારત તરફી જબરદસ્ત જવાબ

Friday 22nd September 2017 02:10 EDT
 
 

વોશિંગ્ટનઃ કાશ્મીર મુદ્દે પાકિસ્તાને સયુંક્ત રાષ્ટ્રમાં ભારત પર અનેક પ્રકારના આક્ષેપો કરતાં રાઈટ ટુ રિપ્લાય અંતર્ગત ભારતે પાકિસ્તાનને નક્કર જવાબ આપ્યાં છે. ભારતે પાકિસ્તાનને ટેરેરિસ્તાન ગણાવતાં કહ્યું છે કે પાકિસ્તાનમાં આતંકવાદીઓનું ભરણપોષણ થાય છેઅગાઉ પાકિસ્તાનના વડા પ્રધાન શાહિદ અબ્બાસીએ યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીમાં યુએનને કાશ્મીરમાં એક વિશેષ દૂત મૂકવાની માગ કરી હતી. અબ્બાસીએ ભારત પર આરોપ લગાવ્યો હતો કે, કાશ્મીરમાં લોકોના સંઘર્ષને ભારત દ્વારા કચડવામાં આવે છે. અબ્બાસીએ ભારત પર પાકિસ્તાનમાં આતંકી ગતિવિધિઓ ચલાવવાનો આરોપ પણ લગાવ્યો હતોઆ અંગે ભારત તરફથી જવાબ આપતાં રાજનયિક એનમ ગંભીરે કહ્યું કે ટેરેરિસ્તાન બની ચૂકેલા પાકિસ્તાનમાં આતંકવાદનો કારોબાર જબરદસ્ત ફૂલો ફાલ્યો છે અને વૈશ્વિક સ્તર પર ફેલાઈ રહ્યો છે. ગંભીરે કહ્યું કે પાક (પવિત્ર) જમીન મેળવવાની લાલસામાં પાકિસ્તાન લેન્ડ ઓફ પ્યોર ટેરર બની ગયો છે.

પાકિસ્તાનના દેશ બન્યા પછીના નાનકડા ઈતિહાસમાં તે આતંકનો સમાનાર્થી બની ગયો છે. એનમે કહ્યું કે, આ એક અદભુત વાત છે કે જે દેશે ઓસામા બિન લાદેન અને મુલ્લા ઉમરને શરણ આપી તે પોતાને પીડિત તરીકે રજૂ કરવાનું સાહસ કરે છે.

કાશ્મીર મુદ્દે શિખામણ નહીં

એનમે કહ્યું હતું કે, પાડોશી દેશે સમજવું જોઈએ કે જમ્મુ અને કાશ્મીર રાજ્ય હંમેશા ભારતનું અવિભાજ્ય અંગ રહેશે. પાકિસ્તાન ભલે સરહદ પારથી આતંકને ઈજન આપે, પણ તેની ભારતની ક્ષેત્રીય અખંડિતતાને ઓછી કરવાની કોશિશ ક્યારેય સફળ થવાની નથી. પાકિસ્તાનની જમીન પર ઉછરી રહેલા આતંકવાદને લઈને એનમે રોકડું પરખાવ્યું કે, જે પાકિસ્તાનમાં આતંકવાદીઓ ખુલ્લેઆમ રસ્તા પર રોકટોક વગર હરતા ફરતા રહે છે તે દેશને અમે ભારતમાં માનવાધિકારોની હિમાયત કરતા સાંભળ્યો છે. ભારત તરફથી એનમે કહ્યું કે જેની પોતાની પરિસ્થિતિની વ્યાખ્યા નિષ્ફળ દેશ તરીકે થાય છે તેણે દુનિયાને લોકતંત્ર અને માનવાધિકારો પર પાઠ ભણાવવાની, સલાહ સૂચન કે શિખામણ આપવાની કોઈ જરૂર નથી. એનમે એવું પણ જણાવ્યું કે હકીકતે પાકિસ્તાન એક એવું ટેરેરિસ્તાન છે જેનું આતંકવાદના વૈશ્વિકરણમાં બહોળું યોગદાન છે.

એનમ ગંભીર છે કોણ?

એનમ ટ્વિટર પર પોતાને એક ઈન્ડિયન ડિપ્લોમેટ અને દિલ્હીની રહીશ ગણાવે છે. ફેસબુક પર તેમણે પોતાને ભારતીય વિદેશ મંત્રાલયના કર્મચારી તરીકે રજૂ કર્યા છે. તેમણે યુનિવર્સિટી ઓફ જીનિવામાંથી અભ્યાસ કર્યો છે અને હાલમાં તેઓ ન્યૂ યોર્કમાં રહે છે. તેઓ ૨૦૦૫ બેન્ચના આઈએફએસ (ઈન્ડિયન ફોરેન સર્વિસિઝ) ઓફિસર છે. એનમ ગંભીરના બોલ્ડ ભાષણની સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચાઓ અને વખાણ થાય છે.

અબ્બાસી જપે જમ્મુ કાશ્મીર

પાકિસ્તાનના વડા પ્રધાન શાહિદ ખાકાન અબ્બાસીએ યુનાઈટેડ નેશન જનરલ એસેમ્બલીમાં કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરના લોકોના સંઘર્ષને ભારત કચડી રહ્યો છે. યુએનમાં પોતાના ભાષણ દરમિયાન અબ્બાસીએ ૧૭ વાર કાશ્મીરનો ઉલ્લેખ કર્યો અને ૧૪ વાર ભારતનો ઉલ્લેખ કર્યો હતો. અબ્બાસીએ કહ્યું હતું કે, પાકિસ્તાન બન્યું તેના પહેલા દિવસથી તે તેના પાડોશીની સતત દુશ્મનીનો સામનો કરે છે. ભારત સયુંક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવોને લાગુ કરવાનો પણ ઈનકાર કરી રહ્યો છે. જે મુજબ જમ્મુ અને કાશ્મીરના લોકોને જનમત સંગ્રહ દ્વારા પોતાના ભાગ્યનો ફેસલો લેવાનો અધિકાર છે. તેના બદલે ભારતે કાશ્મીરીઓના સંઘર્ષને કચડવા માટે ૭ લાખ સૈનિકોને કાશ્મીરમાં તહેનાત કર્યાં છે.

અબ્બાસીએ એવું પણ કહ્યું હતું કે, કાશ્મીર મુદ્દાને ન્યાયસંગત, શાંતિપૂર્ણ અને ઝડપથી ઉકેલવો જોઈએ. જ્યારે ભારત પાકિસ્તાન સાથે શાતિવાર્તા કરવા માટે તૈયાર નથી. આવામાં યુએનએ કાશ્મીરમાં એક વિશેષ દૂત નિયુંક્ત કરવા જોઈએ. કેટલીય વાર સીમા પર યુદ્ધવિરામ ભંગ કરી ચૂકેલા પાકિસ્તાનના વડા પ્રધાને ઉલટું ભારત ઉપર સતત યુદ્ધવિરામ ભંગનો પણ આરોપ લગાવ્યો હતો. અબ્બાસીએ કહ્યું હતું કે ભારતે આ વર્ષે ૬૦૦ વાર શસ્ત્રવિરામનો ભંગ કર્યો. પરંતુ પાકિસ્તાને હંમેશા સંયમ વર્ત્યો છે. જો ભારત સરહદ પર ફાયરિંગ બંધ નહીં કરે તો પાકિસ્તાને જવાબી કાર્યવાહી કરવી પડશે.

કાશ્મીરમાં પેલેટ ગનના ઉપયોગનો પણ ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, ભારતીય સેનાએ પેલેટ ગનનો ઉપયોગ કરીને હજારો કાશ્મીરીઓ અને તેમના બાળકોને આંધળા કરી નાંખ્યાં છે. અબ્બાસીએ ભારત પર જીનેવે કન્વેન્શન્સના નિયમોના ભંગનો પણ આરોપ લગાવ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter