કાશ્મીર મુદ્દે ચીનની પાકિસ્તાનને સલાહઃ પરસ્પરના મતભેદો પર વિવાદ નહીં, શાંતિથી સમાધાન કરો

Wednesday 14th August 2019 05:55 EDT
 
 

બૈજિંગઃ જમ્મુ-કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને ચીન તરફથી પણ નિરાશા જ સાંપડી છે. ભારતીય વિદેશ પ્રધાન એસ. જયશંકર સાથે મુલાકાત દરમિયાન ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ કહ્યું કે, કોઈ પણ દ્વિપક્ષીય મતભેદ વિવાદનું કારણ ના બનવું જોઈએ. ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ પર અમારા સૌની નજર છે. અમે ભારત તરફથી પણ સકારાત્મક પ્રયાસની આશા રાખીએ છીએ.
ચીન સરકારનું આ નિવેદન એ સમયે આવ્યું છે, જ્યારે બે દિવસ પહેલા પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરેશી કાશ્મીર મુદ્દે મદદ માંગવા ચીન ગયા હતા.
આ પહેલા સોમવારે જયશંકરે વિદેશ પ્રધાન વાંગ યી અને ઉપરાષ્ટ્રપતિની મુલાકાત લીધી. આ દરમિયાન વાંગે કહ્યું કે, ભારત અને ચીનનું ક્ષેત્રીય શાંતિ અને સ્થિરતામાં મહત્ત્વનું યોગદાન હોવું જોઈએ. હાલ એ જરૂરી છે કે, અહીંની શાંતિ જળવાઈ રહે.
ભારત અને ચીનના વિદેશ પ્રધાનોએ આરોગ્ય ક્ષેત્રે પરંપરાગત મેડિસિનનો પ્રચાર, આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ માટે પ્લેયર એક્સચેન્જ કાર્યક્રમ સહિત ચાર કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ ઉપરાંત બંને દેશ પરસ્પરના સંબંધ મજબૂત કરવા ૧૦૦ એક્ટિવિટીઝ પણ કરશે એમ નક્કી થયુ હતું. ચીનના પ્રમુખ શી જિનપિંગ વર્ષના અંતે ભારતના પ્રવાસે આવી રહ્યા છે.

ભારતની વ્યૂહાત્મક સફળતાઃ નિકાસની છૂટ

વાંગ યીએ કહ્યું હતું કે ભારતના વિદેશ પ્રધાન જયશંકરનું ચીનની મુલાકાતે આવવું આનંદની વાત છે. અમે ભારતને નિકાસની છૂટ આપીશું.
તેમણે કહ્યું હતું કે અમે વેપારી અસંતુલનને લઈને ભારતની ચિંતાઓને સમજીએ છીએ. અમે ભારતને વધુ નિકાસની સુવિધા આપવા તૈયાર છીએ. અમે રોકાણ, પ્રવાસન, વેપારમાં સાથ આપવા તત્પર છીએ. કેટલાક મતભેદો છે, પરંતુ અમે તેને સ્વીકારતા ખચકાતા નથી.
જયશંકરે કહ્યું કે, ભારત-ચીન વચ્ચે અનેક મુદ્દે મતભેદ છે, પરંતુ અમે તેને વિવાદ નહીં બનવા દઈએ. ભારત-ચીન આવનારા સમયમાં ૧૦૦ એવા પ્રયાસને પ્રોત્સાહન આપશે, જેનાથી બંને દેશના લોકો પરસ્પર જોડાઈ શકે.
વુહાન બેઠક પછી બંને દેશ વચ્ચે મોટો વિવાદ નથી. આર્થિક ભાગીદારી વધી રહી છે. ચીને માનસરોવર યાત્રાને મુદ્દે કેટલાક સૂચન કર્યા છે. ઉલ્લેખનીય છે કે આગામી મહિનાઓમાં ચીનના પ્રમુખ ભારતના પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસને આખરી ઓપ આપવા માટે જયશંકર ચીનના પ્રવાસે ગયા છે. વિદેશ મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યા પછી જયશંકરનો આ પહેલો વિદેશ પ્રવાસ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter