કાશ્મીરમાં મુસ્લિમ દેશોની ટીવી ચેનલો પર પ્રતિબંધ

Thursday 21st November 2019 02:16 EST
 

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાં કેબલ ટેલિવિઝન ઓપરેટરોને મુસ્લિમ દેશોની પ્રાઈવેટ ચેનલો દર્શાવવા મુદ્દે ચેતવણી આપી છે. આ મુસ્લિમ દેશોમાં પાકિસ્તાન, તૂર્કી અને મલેશિયા ઉપરાંત ઈરાનનો પણ સમાવેશ થાય છે. પાંચમી ઓગસ્ટે ભારત સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવાનો નિર્ણય લીધો ત્યારે પાકિસ્તાનની સાથે મલેશિયા અને તૂર્કીએ ભારતના નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો હતો. જોકે ઈરાન, સાઉદી અરબ અને યુએઈએ કાશ્મીર મુદ્દે ભારતના નિર્ણયને લઈને કોઈ જ વાંધો ઉઠાવ્યો નહોતો. સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી એડવાઈઝરી પ્રમાણે કેબલ ટીવી ઓપરેટરોને કેબલ ટીવી નિયમો અંતર્ગત તેમના દાયિત્વને યાદ અપાવવામાં આવ્યું છે. આ એડવાઈઝરીમાં જણાવાયું છે કે, મંત્રાલયના ધ્યાનમાં આવ્યું છે કે કેટલાક કેબલ ઓપરેટર પોતાના નેટવર્ક પર મંત્રાલયની યાદી બહારની કેટલીક ચેનલોનું પ્રસારણ કરે છે. જે સ્પષ્ટ રીતે કેબલ ટીવી નિયમના ઉપનિયમ ૬ (૬)નું ઉલ્લંઘન છે અને તે અંગે તુરંત કાર્યવાહી કરવાની જરૂર છે. ઉલ્લેખનીય છે કે, સૂચના પ્રસારણ મંત્રાલયે ૫૦૦થી વધારે ચેનલને માન્યતા આપી છે.

એડવઈઝરી પર સૂચના અને પ્રસારણ મંત્રાલયના સંયુક્ત સચિવ વિક્રમ સહાયના હસ્તાક્ષર પણ છે. એડવાઈઝરીમાં કેબલ ટીવી ઓપરેટરોને ચેતવણી અપાઈ છે કે, જો તે નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેમનું લાઈસેન્સ રદ્દ કરાશે અને તેમના ઉપકરણો પણ જપ્ત કરાશે. સહાય તાજેતરમાં જ કેબલ ટીવી ઓપરેટરો સાથે બેઠક કરવા માટે શ્રીનગર પહોંચ્યા હતાં. બેઠકમાં શામેલ એક કેબલ ઓપરેટરે જણાવ્યું હતું કે, અધિકારીઓએ બેઠકમાં કહ્યું હતું કે ઈરાન, તૂર્કી, મલેશિયા અને પાકિસ્તાનની તમામ ચેનલોને બ્લોક કરવામાં આવવી જોઈએ. સૂચના અને પ્રસારણ મંત્રાલયના અધિકારીઓને ઓપરેટરોએ જણાવ્યું હતું કે, તે ઈરાન આધારિત સહર ચેનલ અને સાઉદી અરબના અલ-અરબિયા ચેનલનું પ્રસારણ કરી રહ્યાં છે. કાશ્મીરની મોટા ભાગની વસતીમાં આ ચેનલના કાર્યક્રમ ખૂબ જ લોકપ્રિય છે. શિયા સમુદાયના લોકો આ ચેનલોને ધાર્મિક કાર્યક્રમોના કારણે જુએ છે. મંત્રાલયના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે, ઈટરનેટ પર પ્રતિબંધ હોવાના કારણે ઈરાન, તૂર્કી, સાઉદી અરબ, મલેશિયા અને પાકિસ્તાનની અનેક ધાર્મિક ચેનલ સ્થાનિક કેબલ ઓપરેટરો દ્વારા કાશ્મીરના ટીવી સેટમાં પોતાનું સ્થાન જમાવી રહ્યાં હતાં. આ બાબતને લઈને સચેત કરવામાં આવ્યા બાદ તેના પર લગામ તાણવાનો આ નિર્ણય લેવામાં આવ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter