કુલભૂષણના પરિવારે મુંબઈ છોડી દીધું

Thursday 13th April 2017 02:46 EDT
 
 

મુંબઈઃ પાકિસ્તાને ભારતીય નેવીના ભૂતપૂર્વ અધિકારી કુલભૂષણ જાધવને કોઈ પુરાવા વિના જાસૂસી એજન્ટ ગણાવી ફાંસીની સજા ફરમાવી તેનાથી કુલભૂષણના પરિવારને આઘાત લાગ્યો છે. કુલભૂષણની સુરક્ષા અંગે આખો પરિવાર ચિંતામાં છે અને તેમના પવઇમાં આવેલા એપોર્ટમેન્ટમાં મીડિયાકર્મીઓ પહોંચવા લાગ્યા હતા. તેથી જાધવનું કુટુંબ કોઇ અજ્ઞાાત સ્થળે ચાલ્યું ગયું હતું. તેમનું કુટુંબ સાંગલી પણ નથી ગયું કે નથી તેઓ તેમના સતારામાં આવેલા ફાર્મહાઉસમાં મળ્યા.

તેઓ ક્યાં છે? તેની હાલ કોઇને જાણ નથી. કુલભૂષણના એક મિત્રના જણાવ્યા અનુસાર કુલભૂષણની પત્ની, માતા, પુત્ર શુભાંકર અને પુત્રી ભૈરવી રવિવારે પુણેથી મુંબઈ પહોંચ્યા હતા. તે અહીં હિરાનંદાની ગાર્ડન્સમાં આવેલા સિલ્વર ઓક ફ્લેટમાં રોકાયા હતા. જોકે સોમવારે પાકિસ્તાને કુલભૂષણને ફાંસી આપવાનો ફેંસલો જાહેર કર્યા પછી તેમના ઘરની સિક્યુરિટી વધારવામાં આવી હતી. એવામાં તેઓ અચાનક અજ્ઞાાત સ્થળે રવાના થઇ ગયા હતા. તેમનાં માતા અવંતી જાધવને તેમના પુત્રના જીવનની ચિંતા થઇ રહી છે. જ્યારે તેમના મિત્રોને તે જાસૂસ હોવાની વાત માન્યામાં નથી આવી રહી.

આ ઉપરાંત કુલભૂષણના મિત્રો પાકિસ્તાન વિરુદ્ધ અભિયાન ચલાવશે. કુલભૂષણના બાળપણના મિત્ર તુલસીદાસ પવાર કહે છે કે અમે બધા જ મિત્રો મોટા આઘાતમાં છીએ કે અમારો બાળપણનો મિત્ર છે જે અમારી સાથે રમવા આવતો હતો તે આટલી મોટી મુશ્કેલીમાં મુકાઇ ગયો છે. તે સ્કૂલમાં હતો એ સમયે એન. એમ. જોશી માર્ગ ખાતે રહેતો હતો. તેણે અમને કહ્યું હતું કે તે નેવીમાંથી રિટાયર થઇને બિઝનેસ શરૂ કરશે, પરંતુ અમને માન્યમાં નથી આવતું કે તે RAWમાં જોડાયો હશે.

બીજી તરફ પાકિસ્તાનમાં સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે ૧૧મી એપ્રિલે જાધવ માટે જાહેર કરેલી ફાંસીની સજાનાં સંદર્ભમાં કહ્યું હતું કે, જાધવ તેમને કરાયેલી ફાંસીની સજા માટે ૬૦ દિવસમાં અપીલ કરી શકશે. જાધવને સજા કરવામાં કાનૂની પ્રક્રિયાનું પાલન કરાયું નથી. તેવા ભારતનાં દાવાને પાકિસ્તાને ફગાવ્યો હતો અને તમામ કાનૂની પ્રક્રિયા કરાઈ હોવાનું જણાવ્યું હતું. ‘ધ ડોન’નાં અહેવાલમાં જણાવ્યા પ્રમાણે આસિફે પાકિસ્તાનની સંસદમાં કહ્યું હતું કે, ભારત જાધવની સજા માટે પૂર્વ નિયોજિત શબ્દનો ઉપયોગ કરી રહ્યું છે. આ પેકસમાં તમામ કાનૂની પ્રક્રિયાનું પાલન કરાયું છે. પાકિસ્તાન દેશની સુરક્ષામાં કોઈ લાપરવાહી વર્તશે નહીં.

જાધવ સામે પુરાવા નથીઃ સરતાજ અઝીઝ

જોકે હજી થોડા સમય પહેલાં જ પાકિસ્તાનનાં વડા પ્રધાનનાં સલાહકાર સરતાજ અઝીઝે કહ્યું હતું કે જાધવ સામે ભારતીય જાસૂસ હોવાના કોઈ પુરાવા નથી. વિપક્ષી દળો ભારત પર દબાણ વધારવા જાધવ સામે કડક પગલાં લેવા માગણી કરતા હતા. પાકિસ્તાન જાધવને મહોરું બનાવી ભારતને ઘેરવા માગે છે.

કુલભૂષણ પાસેના કાયદેસર વિકલ્પો

• જાધવ સામે મિલિટરી કોર્ટમાં કેસ ચલાવાયો છે તેથી તેની અપીલ સિવિલ કોર્ટમાં કરી શકાય નહીં.

• જાધવ આ સજાની વિરુદ્ધમાં કોર્ટમાં જઈ શકે છે. તેમની સામે ફિલ્ડ જનરલ કોર્ટ માર્શલ હેઠળ કેસ ચલાવાયો છે અને પીએેએ હેઠળ ફાંસીની સજા કરાઈ છે. તેથી તેઓ કોર્ટમાં અપીલ કરી શકે છે. જ્યાં મેજર જનરલ રેન્કનાં અધિકારી કેસની સુનાવણી કરી શકે છે.

• જો અપીલમાં તેમની સજાને કાયમ રખાય તો જાધવ પાસે છેલ્લો વિકલ્પ લશ્કરના વડા કે પાકિસ્તાનનાં રાષ્ટ્રપતિ સમક્ષ માફીની અરજી કરવાનો છે. જો માફીની અરજી ફગાવાય તો પછી તેમની પાસે અન્ય કોઈ વિકલ્પ રહેતો નથી.

• પાકિસ્તાનનાં કોઈને આર્મી દ્વારા દોષિત ઠરાવાય તો આર્મીની ટ્રિબ્યુનલમાં જ તે અપીલ કરી શકે છે. જોકે તેમાં રાહત મેળવવી એ લોઢાનાં ચણા ચાવવા જેવું છે.

• પાકિસ્તાને જાધવને કાનૂની બચાવ કરવાની તક આપી નથી.

• ભારતે જાધવને વકીલ રોકવાનો અધિકાર આપવા અપીલ કરી હતી. જેનો વારંવાર પાકિસ્તાને ઇનકાર કર્યો હતો.

• પાકિસ્તાને આ મામલે તમામ કૂટનીતિ નૈતિકતા અને નિયમોનો ભંગ કર્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter