કેન્યા એરપોર્ટ્સની હડતાળ સમાપ્ત, વિવાદ યથાવત

Tuesday 08th September 2026 13:05 EDT
 
 

નાઈરોબીઃ કેન્યામાં બધા એરપોર્ટ્સ પર કામકાજ હવે સામાન્ય થઈ ગયું છે. ઉડ્ડયનોમાં વિલંબ, કેન્સલેશન્સ અને રઝળી પડેલા મુસાફરોની સ્થિતિના બે દિવસ પછી થયેલા સમાધાન થકી એવિએશન વર્કર્સને કામે લાગી જવા જણાવાયું હતું. જોકે, વિવાદ હજુ ઉકેલાયો નથી. વેતન, એજન્સીઓની ફી,યુનિયનની માન્યતા, વિક્ટિમાઈઝેશનના દાવાઓ અને સામૂહિક બાર્ગેઈનિંગના વર્ષો સુધીના ઝગડા પછી વાત વાટાઘાટોના ટેબલ પર આવી છે.

ફેબ્રુઆરીમાં કેન્યા એવિયેશન વર્કર્સ યુનિયન (KAWU), સરકાર અને એવિયેશન એજન્સીઓ વચ્ચે કામે ચડવાનો એગ્રીમેન્ટ થયો હતો. જુલાઈમાં વધુ એક કરાર થકી આયોજિત હડતાળ મુલતવી રાખવા અને વાટાઘાટો યોજવા માટે રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રી, કેન્યા એરવેઝ, કેન્યા એરપોર્ટ ઓથોરિટી (KAA), કેન્યા સિવિલ એવિયેશન ઓથોરિટી (KCAA) અને લો-કોસ્ટ એરલાઈન જમ્બોજેટ વચ્ચે સંમતિ હતી અને નિવેડો ન આવે તેવા મુદ્દા કેબિનેટ સેક્રેટરી સમક્ષ લઈ જવાના હતા.આમ છતાં, મુખ્ય વચનો નિભાવાયા ન હોવાની દલીલ સાથે ઓગસ્ટના અંતે હડતાળ પડવાથી નાઈરોબીના જોમો કેન્યાટા ઈન્ટરનેશનલ એરપોર્ટ, મોઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ, કિસુમુ ઈન્ટરનેશનલ એરપોર્ટ અને એલ્ડોરેટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરના ઉડ્ડયનો ખોરવાઈ ગયા હતા અને પ્રવાસીઓ રઝળી પડ્યા હતા.

નવા સમાધાન હેઠળ બાકી રહેલી એજન્સી ફી ચૂકવાઈ જશે તેમજ વેતન અંગેની વાટાઘાટો નવેસરથી શરૂ કરાનાર છે, જે ત્રણ સપ્તાહમાં પૂરી કરાશે. જમ્બોજેટ એરલાઈન અને KAWU વચ્ચે યુનિયનને માન્યતા સંબંધિત મુદ્દો કોર્ટના નિર્ણયને આધીન રહેશે. મુખ્ય પ્રશ્ન એ છે કે સમાધાન વેળાએ અપાયેલી ખાતરીઓનું પાલન કરાશે?


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter