કેન્યાના ચિલ્ડ્રન્સ ચેરિટી હાર્ટ ફંડે 400થી વધુ બાળકોની નિઃશુલ્ક હાર્ટ સર્જરી કરાવી

Tuesday 25th August 2026 12:41 EDT
 
 

નાઈરોબીઃ કેન્યામાં 400થી વધુ બાળકોને નાઈરોબી હોસ્પિટલ ચેરિટી ફંડ મારફત નિઃશુલ્ક હાર્ટ સર્જરીનો લાભ મળ્યો છે. નાઈરોબી હોસ્પિટલે સ્પેશિલાઈઝ્ડ કાર્ડિયાક સારવારની જરૂરિયાત ધરાવતા વંચિત વર્ગની પશ્ચાભૂ ધરાવતાં બાળકો માટે સપોર્ટ ઉભો કરવા 14 ઓગસ્ટ શુક્રવારે 2026ની ચિલ્ડ્રન્સ ચેરિટી હાર્ટ ફંડ ગોલ્ફ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું, જેમાં કોર્પોરેટ કોમ્યુનિટી, હેલ્થકેર પાર્ટનર્સ, સ્પોન્સર્સ, ગોલ્ફર્સ, ફીલાન્થ્રોપિસ્ટ્સ અને જાહેર જનતાના સભ્યો એક મંચ પર આવ્યા હતા.

નાઈરોબી હોસ્પિટલે જણાવ્યું હતું કે ચિલ્ડ્રન્સ ચેરિટી હાર્ટ ફંડ થકી વર્ષો દરમિયાન 400થી વધુ બાળકો માટે નિઃશુલ્ક, જીવનરક્ષક હાર્ટ સર્જરી શક્ય બની છે. સારવાર પોસાતી ન હોય તેવા બાળકો માટે આવશ્યક થીએટર ટાઈમ, નિદાનાત્મક સેવાઓ અને સ્પેશિયાલિસ્ટ સારસંભાળને સપોર્ટ કરવા નાણાકીય ખાઈ પૂરવા વાર્ષિક ફંડરેઈઝરનું આયોજન કરવામાં આવે છે. 2025ની નાઈરોબી હોસ્પિટલ ચિલ્ડ્રન્સ ચેરિટી હાર્ટ ફંડ ગોલ્ફ ટુર્નામેન્ટ મારફત 10 મિલિયન શિલિંગ્સથી વધુ ફંડ એકત્ર કરાયું હતું.

અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજી જર્નલમાં પ્રસિદ્ધ રિવ્યૂ અનુસાર કેન્યામાં દર વર્ષે આશરે 5,000 બાળકોને હૃદયની જન્મજાત ખામીઓ માટે હાર્ટ સર્જરીની જરૂર પડે છે. રિવ્યૂમાં સારવાર જરૂરી હોય તેવા બાળકોની સંખ્યા અને પ્રાપ્ય સર્જિકલ ક્ષમતા વચ્ચે નોંધપાત્ર તફાવત છે. કેન્યામાં 15થી ઓછાં પીડિઆટ્રીક કાર્ડિયોલોજિસ્ટ છે જ્યારે પીડિઆટ્રીક ઓપન-હાર્ટ સર્જરી કરવા સજ્જ માત્ર બે હોસ્પિટલ છે. સર્જરીનો ખર્ચ કેસના આધારે 2.5 મિલિયન શિલિંગ્સ સુધી થાય છે જે પરિવારો માટે અસહ્ય નાણાકીય બોજ ઉભો કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter