નાઈરોબીઃ કેન્યામાં દિવ્યાંગ બાળકો માટે ઉપયોગમાં લેવાતી વાંસની હળવી વ્હીલચેર ભવિષ્ય માટે નોંધપાત્ર ડિઝાઈન બની શકે છે. કિજાબેસ્થિત વર્કશોપ દિવ્યાંગ બાળકોને સ્વતંત્ર બનાવવા કાર્યરત ચેરિટી બેથાની કિડ્સ માટે આ પ્રકારની વ્હીલચેર બનાવે છે જેથી તેઓ અભ્યાસ કરવા અને મિત્રતા બાંધવા શાળાએ જઈ શકે.
સામાન્ય રીતે ધાતુની પરંપરાગત વ્હીલચેર્સની આયાત કરવામાં આવે છે અને મોટા ભાગના કેન્યન પરિવારો માટે તેની ખરીદી ભારે ખર્ચાળ બની રહે છે. બેથાની કિડ્સ ચેરિટી અનુસાર 2017થી સંસ્થાએ 3096 બાળકો માટે વજનમાં હળવી અને સહેલાઈથી ટ્રાન્સપોર્ટ કરી શકાય તેવી વાંસની આવી વ્હીલચેરનો ઉપયોગ શક્ય બનાવ્યો છે. જોકે, આ નવતર પ્રયોગ જ છે. વિવિધ 3D પ્રિન્ટેડ અને આફ્રિકાની બનાવટની અન્ય વ્હીલચેર્સ માટે પણ પ્રયોગો ચાલી રહ્યા છે. દરેક વ્હીલચેર ચોક્કસ બાળકની જરૂરિયાતને ધ્યાનમાં રાખી બનાવાય છે. સ્થાનિક રીતે મેળવાયેલા વાંસને કાપવા, ઉધઈ ન થાય તેવી ટ્રીટમેન્ટ કરાવવી અને વ્હીલચેરમાં એસેમ્બલ કરવાનું કામ ટેક્નિશિયનો કરે છે.
ચેરિટીના જણાવ્યા મુજબ વાંસની વ્હીલચેર બનાવવાનો ખર્ચ 10,000 કેન્યન શિલિંગ્સ (77 ડોલર)થી ઓછો આવે છે. આયાતી વ્હીલચેરની કિંમત 45,000થી 80,000 કેન્યન શિલિંગ્સ (350થી 620 ડોલર) માં પડે છે, જે ઘણાં પરિવારોને પોસાઈ શકે નહિ. કેન્યામાં પીડિઆટ્રિક વ્હીલચેર મળતી નથી ત્યારે વાંસની વ્હીલચેર ઘણી ઉપયોગી નીવડે છે.


