કેન્યાના મગાડીસ્થિત ટાટા કેમિકલ્સનો વિરોધ શા માટે?

Tuesday 29th September 2026 15:14 EDT
 
 

નાઈરોબીઃ એક સદી કરતાં વધુ સમયથી કેન્યાની કાજિયાડો કાઉન્ટીના લેક મગાડીના કાંઠે આવેલા અંતરિયાળ શહેર મગાડીમાં સોડા એશ દ્વારા જીવનને આકાર અપાયો છે. આ મિનરલના કારણે નિકાસ, નોકરીઓ અને બિઝનેસ ઉભા થયા છે, પરંતુ લેકની આસપાસ રહેતા ઘણા લોકો માટે પૂરતી તકો અથવા પાયારૂપ સેવાનો અભાવ રહ્યો છે. આના પરિણામે, પેઢીઓથી સોડા એશનું ખાણકામ કરતી કંપની ટાટા કેમિકલ્સ મગાડી સાથેના સંબંધોમાં મુશ્કેલીઓ સર્જાઈ છે.

કેન્યા સરકારે કંપનીની ખાણકામ કામગીરી અટકાવી દીધી છે અને પ્રેસિડેન્ટ વિલિયમ રુટોએ તેને દેશ છોડી જવા આદેશ કર્યો છે. બીજી તરફ, જોઈન્ટ ટેક્નિકલ કમિટીએ પડતર મુદ્દાઓનો નિકાલ કરવા કંપની સાથે કામગીરી આરંભી છે. મગાડી માટે આ મુદ્દો એક સદી કરતાં વધુ સમયથી ખોદકામ કરાયેલા સ્રોતોમાંથી કોમ્યુનિટી અને કેન્યાને શો લાભ થયો તેના વિશે પણ છે.

મગાડીમાં સોડા એશનું વ્યાપારી ઉત્પાદન છેક 1911થી થતું આવ્યું છે અને ટાટા કેમિકલ્સે 2005માં આ કામગીરી સંભાળી અને પાછળથી તેને ટાટા કેમિકલ્સ મગાડી લિમિટેડ નામ આપ્યું હતું. કંપની કેન્યાની સોડા એશ નિકાસકારોમાં એક છે અને તેનું મોટા ભાગનું ઉત્પાદન આંતરરાષ્ટ્રીય બજારોમાં પહોંચે છે. મગાડીમાં નોકરીઓ પૂરી પાડવા તેમજ પાણી, હેલ્થકેર અને શિક્ષણ સહિતની સેવાને સપોર્ટ આપવા સાથે કંપની તેના દૈનિક જીવનનો હિસ્સો પણ બનેલી છે. પ્લાન્ટ દ્વારા પેઢીઓથી નોકરીઓ અને આવશ્યક સેવાઓ પૂરી પડાય છે, પરંતુ મગાડીના સ્થાનિકો અને સત્તાવાળાઓ રિસોર્સીસમાંથી સ્થાનિકોને વધુ લાભ મળે તે માટે દબાણ કરી રહ્યા છે. સરકાર કહે છે કે સંસાધનોને કાચી સામગ્રી તરીકે નિકાસ કરવાના બદલે તેનું વધુ મૂલ્ય મળવું જોઈએ.

જોકે, સરકાર કહે છે કે આ વિસ્તારમાં લાંબો ઈતિહાસ હોય તો પણ કેન્યાના વર્તમાન માઈનિંગ કાયદાઓમાંથી ટાટાને રાહત મળી શકે નહિ. સરકારી અમલપાલનના ઓડિટમાં જણાયું છે કે ટાટાએ માઈનિંગ એક્ટ હેઠળ મિનરલ રાઈટ્સ માટે અરજી કરી નથી અને તેને મળેલી ભૂમિ રાહતો પર જ આધાર રાખ્યો છે. ટાટાએ સૌ પહેલા 26 જુલાઈ 2024ના રોજ માઈનિંગ અધિકારો માટે અરજી કરી અને તે પછી સરકારે અમલપાલન મુદ્દે કંપનીને ભીંસમાં લીધી છે. મિનરલ રોયલ્ટીઝ, કોમ્યુનિટી ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ્સ, સ્થાનિક પ્રોસેસિંગ, કેન્યન નાગરિકોને રોજગાર, સ્થાનિક માલસામાન અને સર્વિસીસની ખરીદી તેમજ કાજિયાડો કાઉન્ટી સાથે પડતર બાબતો સહિતના મુદ્દાઓ ઉભા કરાયા છે.

ટાટા કેમિકલ્સ મગાડીનું કામકાજ બંધ કરાવાથી ઘણાં આર્થિક પ્રશ્નો પણ સર્જાશે. કેન્યાના અર્થતંત્રમાં ટાટાના મગાડી ઓપરેશન્સનો નોંધપાત્ર ફાળો છે. કંપની બંધ થવાથી નિકાસો, ફોરેન એક્સચેન્જ અને રોજગારને અસર થશે. કંપનીના કામકાજથી મગાડીના સેંકડો વર્કર્સને પ્રત્યક્ષ અને હજારો લોકોને પરોક્ષ સપોર્ટ મળે છે. મગાડીના નિવાસીઓ માટે ટાટા જશે કે રહેશે તે મુખ્ય મુદ્દો નથી. કોમ્યુનિટીની પેઢીઓને અત્યાર સુધી મગાડીના અર્થતંત્ર માટે કેન્દ્રમાં રહેલી કંપની તરફથી જે મળ્યું છે અને જો કંપની જશે તો શું ગુમાવવું પડશે તે બાબત મુખ્ય છે. ઘણા લોકો માટે ટાટા કેમિકલ્સ મગાડી જીવાદોરી સમાન છે. સરકારના કહેવા પ્રમાણે નવો ઈન્વેસ્ટર આવશે ત્યારે સ્થાનિકો પ્રશ્ન કરી રહ્યા છે કે જે સેવાઓ અને નિર્વાહના સાધનો માટે હાલ ટાટા પર આધારિત છે તે મળશે ખરાં?


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter