નાઈરોબીઃ કેન્યાના પૂર્વ પ્રાઈમ મિનિસ્ટર, મહત્ત્વપૂર્ણ રાજકીય વ્યક્તિત્વ અને 80 વર્ષીય વિપક્ષી નેતા રાઈલા ઓડિન્ગાનું દક્ષિણ ભારતના કેરાળ રાજ્યની હોસ્પિટલ સારવાર દરમિયાન હૃદયરોગના હુમલાથી 15 ઓક્ટોબર, બુધવારે નિધન થયું હતું. નાઈરોબીમાં ન્યાયો સ્ટેડિયમ ખાતે 17 ઓક્ટોબરે યોજાયેલા સ્ટેટ ફ્યુનરલમાં પ્રેસિડેન્ટ વિલિયમ રુટો, પાર્લામેન્ટ અને ન્યાયતંત્રના વડાઓ, સોમાલિયાના પ્રેસિડેન્ટ હાસન શેખ મહમૂદ તેમજ આફ્રિકન અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સ્ટેટ ફ્યુનરલમાં તેમના પાર્થિવ દેહના દર્શનાર્થે ઉમટેલા લોકોને વિખેરવા પોલીસે કરેલા ગોળીબારમાં ત્રણ વ્યક્તિના મોત થયા હતા અને 200થી વધુને ઈજા થઈ હતી. કેરળના કોચી શહેરમાં ઓડિન્ગા તેમની બહેન, દીકરી, અંગત ડોક્ટર તેમજ ભારતીય અને કેન્યન સિક્યોરિટી ઓફિસરોની સાથે સવારના ચાલવા નીકળ્યા હતા, પરંતુ રસ્તામાં જ ઢળી પડ્યા હતા.
રાઈલા ઓડિન્ગાનો જન્મ 7 જાન્યુઆરી 1945ના દિવસે પશ્ચિમ કેન્યામાં થયો હતો. ‘બાબા’(સ્વાહિલી ભાષામાં પિતા)ના હુલામણા નામથી જાણીતા રાઈલા ઓડિન્ગાએ 2008થી 2013 સુધી વડા પ્રધાનપદ શોભાવ્યું હતું અને 2018માં પૂર્વ પ્રેસિડેન્ટ ઉહુરુ કેન્યાટા સાથે રાજકીય સમજૂતી અનુસાર કેન્યાટાએ પ્રમુખદની ઉમેદવારી માટે ઓડિન્ગાને સમર્થન આપ્યું હતું. હકીકત એ છે કે ઓડિન્ગા પાંચ વખત પ્રમુખપદની ચૂંટણી લડ્યા હતા પરંતુ, સફળતા મળી ન હતી. તેમણે ગત વર્ષે રુટો સાથે પણ હાથ મિલાવ્યા હતા. જોકે, કેન્યામાં બંધારણ અને લોકશાહીની જાળવણીમાં તેમનો ફાળો નોંધપાત્ર રહ્યો હતો. ઓડિન્ગાના નિધન સાથે કેન્યામાં રાજકીય શૂન્યાવકાશ છવાયો છે. આગામી 2027ની સામાન્ય ચૂંટમીમાં પ્રેસિડેન્ટ રુટો સામે કોણ ઉમેદવાર બનશે તેની ચર્ચા અત્યારથી શરૂ થઈ છે.


