નાઈરોબીઃ કેન્યાના પ્રેસિડેન્ટ વિલિયમ રુટોએ દેશમાં 100 વર્ષથી કારોબાર કરતી તાતા ગ્રૂપની અગ્રણી પેટા કંપની તાતા કેમિકલ્સને કામકાજ બંધ કરવા આદેશ આપ્યો છે. પ્રેસિડેન્ટ રુટોએ પ્રશ્ન કર્યો છે કે શું અમે તમારા ગુલામ છીએ? તાતા કંપની સામે સરકારી રોયલ્ટી બાકી રાખવા, સ્થાનિક પ્રોસેસિંગ અને રોજગારી નહિ આપવાના ગંભીર આરોપો પણ લગાવાયા છે. કેન્યા હવે નવી બે કંપની સ્થાપવાની યોજના ધરાવે છે. બીજી તરફ, તાતા કેમિકલ્સે આરોપો ફગાવી નિયમોનું ચુસ્તપણે પાલન કરાતું હોવાનો દાવો કર્યો છે.
કેન્યા કુદરતી સોડા એશના ઉત્પાદનમાં વિશ્વમાં ચોથા ક્રમે છે અને સાઉથ કેન્યાની કાજિઆડો કાઉન્ટીસ્થિત મગાડી સરોવર કુદરતી સોડા એશના ઉત્પાદનનું મુખ્ય કેન્દ્ર છે. મગાડી વિસ્તારની મુલાકાતે આવેલા પ્રેસિડેન્ટ રુટોએ તાતા કેમિકલ્સ કંપનીને બોરિયા-બિસ્તર બાંધી દેશ છોડી જવા જણાવી આરોપ લગાવ્યો હતો કે કંપની 100 વર્ષથી ખાણકામના અધિકારો ધરાવે છે છતાં, સ્થાનિક વિકાસને મહત્ત્વ આપ્યું નથી. કંપનીની હાજરીથી કેન્યાને કોઈ લાભ થયો નથી. હવે સરકાર બે કંપની લાવવાની યોજના બનાવી રહી છે જે કાચનો પ્લાન્ટ નાખશે અને સ્થાનિક સ્તરે કેમિકલ ઉત્પાદન કરશે. રુટો સરકાર નારાજ એ બાબતે છે કે તાતા કેમિકલ્સ અહીંની કુદરતી ખનિજને કાચા માલ તરીકે ભારત અને અન્ય દેશોમાં નિકાસ કરતી રહી છે પરંતુ, કેન્યામાં જ તેનું પ્રોસેસિંગ કરી ફિનિશ્ડ માલ બનાવવાની કોઈ સુવિધા ઉભી કરી નથી.
કાજિઆડોના ગવર્નર જોસેફ ઓલે લેન્કુએ પણ જણાવ્યું હતું કે જે કંપનીઓને કુદરતી સામગ્રી કાઢવાનું લાઈસન્સ અપાશે તેણે કાજિઆડોમાં કાચ બનાવવા મોટો પ્રોસેસિંગ પ્લાન્ટ નાખવો પડશે અને કેમિકલ ફેક્ટરી ઉભી કરવી પડશે. ગવર્નરે એવો ખુલાસો કર્યો હતો કે તાતા કંપનીના ખાણકામ અધિકારો 2023માં જ સમાપ્ત થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે આશરે પાંચ સપ્તાહ અગાઉ જ કેન્યાની માઈનિંગ મિનિસ્ટ્રીએ તાતા કેમિકલ્સ મગાડી લિમિટેડ (TCML)ને ઉત્પાદન અને સોડા એશની નિકાસ સહિતના કામકાજ અટકાવી દેવાનો આદેશ આપ્યો હતો. માઈનિંગ સેક્રેટરીએ સ્પષ્ટ કર્યું હતું કે કંપની તેણે વૈધાનિક જવાબદારીઓ પૂર્ણ કર્યાના પુરાવા ન આપે અને બાકી ચૂકવણીઓ ક્લિયર નહિ કરે ત્યાં સુધી ઉત્પાદન ફરી શરૂ કરી શકાશે નહિ.
દરમિયાન, તાતા કેમિકલ્સ મગાડી લિમિટેડ દ્વારા મતમામ આરોપો ફગાવી નિયમોનું ચુસ્ત પાલન કરાતું હોવાની સ્પષ્ટતા કરી હતી. કંપનીએ મંત્રાલયે ઉઠાવેલા તમામ મુદ્દાઓનો વિસ્તૃત ખુલાસો આપ્યો છે. રજૂઆતની સમીક્ષા અને આગળના નિર્દેશોની રાહ જોવાઈ રહી છે.


