નાઈરોબીઃ કેન્યામાં 1980ના દાયકામાં ઓઈલની શોધખોળ કરાયા પછી ઝેરી કચરાને દૂર કરાયો નહિ, જેનાથી કેન્સરના કેસીસ વધે છે અને 500થી વધુ લોકોના મોત નીપજ્યા હોવાનો દાવો કરાય છે. ઉત્તર કેન્યાની માર્સાબિટ કાઉન્ટીના અંતરિયાળ ગામોથી 298 અરજદારોના જૂથે ઈસોલોની એન્વિરોન્મેન્ટ એન્ડ લેન્ડ કોર્ટમાં BP કંપની અને કેન્યા સરકાર સામે કાનૂની કાર્યવાહી આદરી છે.
સ્થાનિક રહેવાસીઓ અને હેલ્થ વર્કર્સના કહેવા અનુસાર કેન્સરના કેસીસ અને મોત વધી રહ્યા છે તેમજ પાચનતંત્ર અને ખાસ કરીને અન્નનળી અને જઠરને અસર કરતા કેન્સરના કારણે 500થી વધુ લોકોએ જાન ગુમાવ્યા છે. ઘણા લોકો એવા ગામોના છે જ્યાં તબીબી સંભાળની સુવિધા ખૂબ મર્યાદિત છે. તેઓ માને છે કે કેન્સરના વધતા કેસીસનું કારણ 1980ના દાયકામાં ઓઈલની શોધખોળ પછી છોડી દેવાયેલો ઝેરી કચરો છે. અસરગ્રસ્ત પરિવારો વર્ષોથી મૃત્યુને દૈવી કોપ માની રહ્યા હતા.
પાછળથી BP દ્વારા હસ્તગત કરાયેલી અમેરિકન ઓઈલ કંપની અમોકોએ 1986થી 1989ના ગાળામાં ચાલ્બી રણવિસ્તારમાં ઓઈલ શોધવા કૂવાઓ ખોદ્યા હતા. યોગ્ય પ્રમાણમાં ઓઈલ નહિ મળતા વિદેશી કામદારો અને કંપનીએ ખાલી કૂવા મૂકી ઉચાળા ભર્યા હતા. મોટા ખાડાઓમાં ઝેરી કચરો ફેંકવામાં આવ્યો હતો. 2002માં બોરના ખાડાનું પાણી પીવાથી હજારોની સંખ્યામાં પશુઓનાં મોત થયાં હતાં. હેલ્થ ફેસિલિટીના રેકોર્ડ અનુસાર પણ 2006-2009ના ગાળામાં લોકોમાં કેન્સરથી મોતનું પ્રમાણ વધ્યું હતું.

