લંડન, નાઈરોબીઃ કેન્યા સરકાર અને દાતાઓના જૂથ વચ્ચે 160 મિલિયન ડોલરના કન્ઝર્વેશન પ્રોગ્રામ પર સહીસિક્કા કરવામાં આવ્યા છે. આ ‘થામાની એસિલી’ પ્રોગ્રામ હેઠળ કિશ્વાહિલીમા 173,000 ચો.કિ.મીટર (17.3 મિલિયન હેક્ટર) જમીનનું રક્ષણ કરવામાં આવશે. ગ્રેટ રિફ્ટ વેલીથી માસાઈ મારા સુધીના બાયોડાયવર્સિટી હોટસ્પોટ્સમાં હજારો હાથી, ગેંડા, સિંહ અને અન્ય પ્રજાતિઓનો નિવાસ છે.
વોલ્ટન અને કારગિલ પરિવારોના બિલિયોનેર વારસદારો સહિત કેટલાક દાતાઓના જૂથ દ્વારા 80 મિલિયન ડોલર્સનું દાન અપાયું છે અને આટલી જ રકમ કેન્યા સરકાર આગામી 10 વર્ષના ગાળા દરમિયાન આપશે. આ નાણાભંડોળમાંથી ‘પ્રોજેક્ટ ફાઈનાન્સ ફોર પર્મેનન્સ’ (PFP) મોડેલ હેઠળ નવા સંરક્ષણ ક્ષેત્રો ઉભા કરાશે અને વર્તમાન ક્ષેત્રોના સંચાલનમાં સુધારા કરાશે. કેન્યાના ટુરિઝમ અને વાઈલ્ડ લાઈફ માટેના કેબિનેટ સેક્રેટરી રેબેકા મિઆનોએ જણાવ્યું હતું કે આનાથી દેશના વન્યજીવનનું રક્ષણ થશે અને આઈ વિસ્તારોમાં વસતા ખેડૂતો અને સમુદાયોને મદદ મળશે.
PFP મોડેલ લોકપ્રિય બની રહ્યું છે. બ્રાઝિલ અને ગાબોનમાં ગયા વર્ષે આ પ્રકારના એગ્રીમેન્ટ્સ કરાયા હતા, જ્યારે નામિબિયા અને બોટ્સ્વાના પણ આ માર્ગે આગળ વધી રહ્યા છે.

