તેલ અવીવઃ ભારતીય પાઇલટ કેપ્ટન સ્મિત મચ્છરને ઇઝરાયલે સર્વોચ્ચ નાગરિક વીરતા પુરસ્કારથી સન્માનવાની જાહેરાત કરી છે. ઇઝરાયલી રાષ્ટ્રપતિ ઇસાક હર્ઝોગે ગયા ગુરુવારે આની જાહેરાત કરતાં તેમણે જણાવ્યું કે, સ્મિત મચ્છર સ્વસ્થ થયા બાદ તેમને સન્માનિત કરાશે. ઉલ્લેખનીય છે કે આ જ વિમાનમાં સવાર અન્ય છ લોકોને રાષ્ટ્રપતિએ ગયા ગુરુવારે વીરતા પુરસ્કારથી સન્માનિત કર્યા હતા. બીજી તરફ, અમેરિકી સાંસદ રાજા કૃષ્ણમૂર્તિએ મચ્છરની બહાદુરીને અમેરિકી સંસદના રેકોર્ડમાં નોંધાવી છે.
ફ્લાયદુબઈની યુએઇથી ઇઝરાયલ આવતી ફ્લાઇટને હાઇજેક કરીને તેલ અવીવ પર 9/11 જેવો આતંકી હુમલો કરવાનો બદઇરાદો ધરાવતા આતંકી કો-પાઇલટને નાથીને તેનું ષડયંત્ર નિષ્ફળ બનાવ્યું હતું. ઓમાની કો-પાઇલટ હમામ અલ-હમામીએ કોકપિટમાં જ ભારતીય કેપ્ટન સ્મિત મચ્છર પર કુહાડીથી હુમલો કરી દીધો હતો, જેનો તેણે મક્કમતાથી સામનો કરીને 174 મુસાફરો તથા ક્રૂ મેમ્બર્સનો જીવ બચાવ્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થવા છતાં, પાઇલટે સ્મિતે કોકપિટનો દરવાજો ખોલી નાખ્યો. તેમની આ હિંમતના કારણે વિમાનના મુસાફરો કોકપિટમાં પ્રવેશી શક્યા અને હુમલાખોરને કાબૂમાં કરી શક્યા. કેપ્ટન સ્મિતના આ સાહસની દુનિયાભરમાં ભરપૂર પ્રશંસા થઇ રહી છે. આ યોગદાનને જોતાં સ્મિત મચ્છરને ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ ફોર સિવિલિયન હીરોઇઝમ’થી સન્માનિત કરવાનો ઇઝરાયલ દ્વારા નિર્ણય કરાયો છે.
પાઇલટ સ્મિત મચ્છરની સારવાર હાલ યુએઇની હોસ્પિટલમાં ચાલે છે. ઇઝરાયલના રાષ્ટ્રપતિ ઇસાક હર્ઝોગે જણાવ્યું કે, ભારતીય પાઇલટ સાજા થઈ ગયા પછી તેમને ઇઝરાયલનો સર્વોચ્ચ પુરસ્કાર અપાશે. તેમણે કહ્યું, ‘આજે અમે જે ઇઝરાયલી નાયકોનું સન્માન કરી રહ્યા છીએ, તેમની સાથે જ અમે ભારતના કેપ્ટન સ્મિત મચ્છર ઝડપથી અને સંપૂર્ણપણે સાજા થઈ જવાની પ્રાર્થના કરીએ છીએ. કેપ્ટન મચ્છરની અસાધારણ બહાદુરી અને શાનદાર પ્રોફેશનલિઝમે મોટી દુર્ઘટના ટાળવામાં મદદ કરી છે.’


