કિન્હાસાઃ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં ઉત્તર કિન્હાસાના લિંગવાલાની ઈમારત ખાતે 4 સપ્ટેમ્બર, શુક્રવારની રાત્રે એક વેડિંગ પાર્ટીમાં ભારે આગ ફાટી નીકળતા ઓછામાં ઓછાં 22 લોકો જીવતા ભૂંજાયા હતા અને સંખ્યાબંધ લોકોને દાઝી જવાથી ઈજા પહોંચી હતી. મૃત્યુઆંક વધવાની આશંકા સેવાય છે.
લિંગવાલાની ઈમારત ખાતે શનિવારની વહેલી સવાર સુધી ચાલેલી આગમાંથી બચવા લગ્નમાં હાજર લોકોએ બિલ્ડિંગના સાંકડા હોલવેઝમાંથી નાસવા પ્રયાસ કર્યો હતો. ઈમર્જન્સી એક્ઝિટ પર ભારે ભીડ જામી હતી. ઘણા લોકો ધૂમાડાથી ગુંગળાઈને મૃત્યુ પામ્યા હતા. લગ્નસ્થળની અંદરની તરફ બધું ભસ્મીભૂત થઈ ગયું હતું અને ચોતરફ બળેલાં ફર્નિચર અને રાખના ઢગ જોવાં મળ્યાં હતાં. ગરમીના કારણે બે મોટી બારીઓ પણ ધડાકાભેર ફેંકાઈ હતી તેમજ તસવીરોમાં ફર્નિચર અને ટેબલ્સની ધાતુની ફ્રેમો કાળી પડેલી દેખાતી હતી.
લિંગવાલા ડિસ્ટ્રિક્ટના મેયર નોરબર્ટ મુશિંગાએ જણાવ્યું હતું કે ઘટનાસ્થળની તપાસ કરવામાં આવી ત્યારે સલામતીના ધોરણોનું પાલન થયું ન હોવાનું સ્પષ્ટપણે નજરે પડતું હતું. ઈમર્જન્સી એક્ઝિટમાંથી પણ બહાર નીકળવાનું મુશ્કેલ હતું.

