કિન્હાસા, કમ્પાલાઃ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC)ના પૂર્વ વિસ્તારો અને પડોશી યુગાન્ડાના વિસ્તારોમાં ફાટી નીકળેલા જીવલેણ ઈબોલા રોગચાળા સામે લડવાના સંઘર્ષ મધ્યે તાકીદે જરૂરી મેડિકલ પુરવઠો આખરે કોંગો આવી પહોંચ્યો છે. તબીબી કર્મચારીઓ સાધનસામગ્રીની અછત, લોકોના અવિશ્વાસ અને હિંસક ક્ષેત્રમાં સશસ્ત્ર જૂથોની હાજરી સબબે ચોતરફથી ઘેરાયેલા છે. કોંગો સરકારે 15 મેથી રોગચાળો ફાટી નીકળ્યા પછી 1000થી વધુ શંકાસ્પદ કેસીસ અને ઓછામાં ઓછાં 220ના મોતને સમર્થન આપ્યું છે.
યુરોપિયન યુનિયન(ઈયુ) દ્વારા દાન કરાયેલી સહાય સાથેનું કાર્ગો વિમાન બુનિઆ ટાઉન પહોંચ્યું હતું અને સામગ્રીને ટ્રક્સમાં ભરાવાઈ હતી. આગામી દિવસોમાં વધુ સામગ્રી તબક્કાવાર આવી પહોંચશે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના ડાયરેક્ટર જનરલ ટેડરોસ અધાનોમ ગેબ્રેસસ પણ જાતતપાસ માટે કોંગો આવી પહોંચ્યા હતા.
પાંચ ઈબોલા પેશન્ટ સાજા થયા
કિન્હાસાઃ કોંગોની ખાસ મુલાકાતે આવેલાWHOના ડાયરેક્ટર જનરલ ગેબ્રેસસે રવિવારે રોગચાળાના કેન્દ્ર સમાન બુનિયા પ્રાંતની મુલાકાત દરમિયાન જાહેર કર્યું હતું કે બુન્ડિબુગ્યો સ્ટ્રેઈન સાથેના પાંચ ઈબોલા પેશન્ટ સાજા થયા છે. એક પેશન્ટ બે દિવસ પહેલા જ સારસંભાળ કેન્દ્ર છોડી ગયો હતો જ્યારે ચાર પેશન્ટને રવિવારે જ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. બુનિયામાં નવા ઈબોલા સારવાર કેન્દ્રનું ઉદ્ઘાટન કરતા ગેબ્રેસસે જણાવ્યું હતું કે બુન્ડિબુગ્યો સ્ટ્રેઈન સામે વેક્સિન અને સારવારો બાબતે કામ ચાલી રહ્યું છે, પરંતુ તેનો અર્થ એવો નથી કે લોકો ઈબોલાથી સાજા થઈ શકે નહિ.
કેન્યામાં ઈબોલા ક્વોરેન્ટાઈન સ્થાપવા સામે મનાઈ
નાઈરોબીઃ કેન્યાની હાઈકોર્ટે કોંગોમાં ઈબોલા વાઈરસના ચેપનું જોખમ ધરાવતા અમેરિકનો માટે કેન્યામાં ક્વોરેન્ટાઈન ફેસિલિટી સ્થાપવાની યુનાઈટેડ સ્ટેટ્સની વિવાદાસ્પદ દરખાસ્તને કામચલાઉ રીતે અટકાવી દીધી છે. આ દરખાસ્ત વિરુદ્ધ મેડિકલ પ્રોફેશનલ્સ અને સિવિલ સોસાયટી ગ્રૂપ્સની પિટિશનોની સુનાવણી ના થાય ત્યાં સુધી કોઈ પણ એગ્રીમેન્ટ કરી શકાશે નહિ. અમેરિકી વહીવટી અધિકારીએ દુર્લભ ઈબોલા સ્ટ્રેઈન બુંડિબુગ્યોનું જોખમ ધરાવતા અમેરિકનોને સ્વદેશ પહોંચાડવાના બદલે કેન્યામાં કોઈ સુવિધા પર લઈ જવાય તેવી યોજના જાહેર કરી હતી.અમેરિકી વિદેશમંત્રી માર્કો રુબિયોએ ઈબોલા સામે કેન્યાની તૈયારી માટે 13.5 મિલિયન ડોલર આપવાની પ્રતિબદ્ધતા જાહેર કરેલી છે. કેન્યન સત્તાવાળાઓએ ખાસ ક્વોરેન્ટાઈન સેન્ટર બાબતે કોઈ જાહેરાત કરી નથી.
ઈબોલા ક્વોરેન્ટાઈન સામે કેન્યનો વિરોધમાં ઉતર્યા
મધ્ય કેન્યાની લાઈકિપિઆ કાઉન્ટીના નાનયુકી ટાઉનના મિલિટરી બેઝ ખાતે અમેરિકા દ્વારા ઈબોલા ક્વોરેન્ટાઈન સેન્ટર સ્થાપવાની યોજના સામે સેંકડો કેન્યનો વિરોધ પરદર્શિત કરવા શેરીઓમાં ઉતરી આવ્યા હતા. અમેરિકી અધિકારીઓના જણાવ્યા મુજબ એર ફોર્સ બેઝ ખાતે 50 બેડનું યુનિટ સ્થાપવાનું છે જ્યાં ચેપનું જોખમ ધરાવતા અમેરિકનોને રાખવાની દરખાસ્ત છે. એર ફોર્સ બેઝ તરફ જતા માર્ગ પર પોલીસ અને મિલિટરીનો ભારે જાપ્તો લગાવી દેવાયો હતો. વિરોધ પ્રદર્શનના આયોજકો અનુસાર મંગળવાર, 9 જૂન સુધી હેલ્થ ફેસિલિટી બંધ કરી દેવાય તેવી તેમની માગણી છે.
યુગાન્ડાએ કોંગો સાથેની સરહદ બંધ કરી
કમ્પાલાઃ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો ઈબોલા રોગચાળા અને ઉગ્રવાદી જૂથો વચ્ચે આંતરિક સંઘર્ષનો સામનો કરી રહેલ છે. આ સંઘર્ષના કારણે આશરે 10 લાખ લોકો વિસ્થાપિત થયા છે જ્યારે ઈબોલા રોગચાળાથી 220થી વધુના મોત સાથે 1000થી વધુ શંકાસ્પદ કેસીસ જણાયા છે. યુગાન્ડામાં પણ ઈબોલાના સાત શંકાસ્પદ કેસીસ ફેલાયા છે તેવી સ્થિતિમાં યુગાન્ડાએ તેની કોંગો સાથેની સરહદને તત્કાળ બંધ કરવાનો આદેશ આપ્યો છે. બીજી તરફ, વિશ્વ આરોગ્ય સંસ્થાએ યુદ્ધરત સશસ્ત્ર જૂથોને યુદ્ધવિરામની અપીલ કરી માનવ અસ્તિત્વને પ્રાધાન્ય આપવા જણાવ્યું છે.


