કિન્હાસાઃ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC) દ્વારા ઈબોલા રોગચાળાના ઝડપી સામુદાયિક ફેલાવાની ચેતવણી અપાઈ છે. શુક્રવાર 5 જૂને માત્ર 24 કલાકમાં નવા 71 ઈબોલા કેસને સમર્થન અપાયું હતું. હેલ્થ મિનિસ્ટ્રીના રિપોર્ટ અનુસાર 15 મેએ ઈબોલાના દુર્લભ બુન્ડિબુગ્યો સ્ટ્રેઈનનો પ્રથમ કેસ દેખાયા પછી કુલ કન્ફર્મ કેસની સંખ્યા 515 થઈ છે જ્યારે સત્તાવાર મૃત્યુઆંક 82નો જણાવાયો છે. દેશના અંતરિયાળ નોર્થઈસ્ટ વિસ્તારના ઈટુરી પ્રોવિન્સમાં ઈબોલા કેસીસની સંખ્યા સૌથી વધુ છે. નવા 71 કેસમાંથી 65 કેસ ઈટુરી પ્રોવિન્સ અને પાંચ કેસ નોર્થ કિવુ અને એક કેસ સાઉથ કિવુ પ્રોવિન્સમાં છે. પડોશી દેશ યુગાન્ડામાં પણ કેટલાક કેસીસ જોવા મળ્યા છે.
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના ડાયરેક્ટર જનરલ ટેડરોસ અધાનોમ ગેબ્રેસસે ઈબોલા સામે લડવા 518 મિલિયન ડોલરના છ મહિનાના પ્લાનની જાહેરાત કરવા સાથે નાણાકીય અને રાજકીય પ્રતિબદ્ધતાની હાકલ કરી હતી. કોંગો અને યુગાન્ડાને ઈબોલા રોગચાળાને ફેલાતો અટકાવવામાં મદદ તેમજ અન્ય દેશોને સરહદે સઘન તપાસ સાથે સંભવિત કેસીસ માટે તૈયારીમાં મદદનો વ્યૂહ ઘડાયો છે.
યુગાન્ડાએ કોંગો સાથેની સરહદ બંધ કરી
કોંગોના ઈટુરી પ્રાંતમાં ઈબોલા રોગચાળો ફાટી નીકળ્યા પછી યુગાન્ડાએ 28મેએ તેની સાથેની પશ્ચિમ સરહદો બંધ કરવાની જાહેરાત કરી હતી. યુગાન્ડામાં ઈબોલાના 19 નિશ્ચિત કેસ બહાર આવ્યા છે અને તેનો ચેપ કોંગોથી આવેલો હતો. યુગાન્ડા અને કોંગો બોર્ડરની બંને તરફ ટ્રક્સની લાંબી કતારો લાગી છે. જોકે, રોગચાળા સામે પ્રતિભાવ, માનવતાવાદી કાર્ગો અથવા સલામતીના કારણોસર જ અપવાદ કરાઈ રહ્યો છે. બીજી તરફ, વિશ્વ આરોગ્ય સંસ્થાના ડાયરેક્ટર જનરલ ટેડરોસે ઈબોલા રોગચાળાના કારણે કોંગો સાથે સરહદ બંધ કરવાના નિર્ણયની પુનઃ વિચારણા કરવા યુગાન્ડાને જણાવ્યું છે.
મધ્ય આફ્રિકાનો ઈબોલા રોગચાળો 2014 જેવો થઈ શકે
યુએસ સેન્ટર્સ ફોર ડીસિઝ કન્ટ્રોલ એન્ડ પ્રીવેન્શન (US CDC)ના જણાવ્યા અનુસાર મધ્ય આફ્રિકામાં ફેલાયેલો વર્તમાન ઈબોલા રોગચાળાનું પ્રમાણ 2014-16માં વેસ્ટ આફ્રિકામાં પ્રસરેલા ખતરનાક રોગચાળા જેવું થઈ શકે છે. તે સમયે 11,000થી વધુ લોકોના મોત નીપજ્યા હતા. US CDCએ કોમ્પ્યુટર મોડેલ્સ દ્વારા તૈયાર કરાયેલા ચિત્રોને અનુલક્ષી 10,000થી 20,000થી વધુ કેસીસ થવાનું જણાવ્યું છે. વેસ્ટ આફ્રિકા રોગચાળામાં 28,000થી વધુ કેસ બહાર આવ્યા હતા. જોકે, રોગચાળો કેટલી ઝડપથી ફેલાશે તેની આગાહી કરવાનું ભારે મુશ્કેલ હોવાનું પણ જણાવાયું છે.


