કોરોના સંકટના માહોલમાં ભારતીયોએ દુબઇમાં ખરીદી રૂ. ૧૨,૧૦૦ કરોડની સંપત્તિ

Wednesday 04th August 2021 06:00 EDT
 
 

મુંબઈઃ કોરોના મહામારીથી સમગ્ર દુનિયામાં ગંભીર આર્થિક અનિશ્ચિતા સર્જાઇ છે. જોકે કેટલાંક લોકોએ આફતમાં પણ અવસર શોધ્યો છે. ધનાઢયોએ આ તકનો લાભ લઇ નીચી કિંમતે મોટું મૂડીરોકાણ કરવાની તક ઝડપી લીધી છે. કંઇક ધનિક ભારતીયોએ દુબઇના રિયલ એસ્ટેટમાં કર્યુ છે. ભારતીયોએ કોરોના સંકટ વચ્ચે દુબઇના રિયલ એસ્ટેટમાં ૬ બિલિયન દિરહામની સંપત્તિ ખરીદી છે. ભારતીય ચલણમાં તેનું મૂલ્ય ૧૨,૧૦૦ કરોડ રૂપિયા જેટલું થાય છે. યુકેના રોકાણકારોએ દુબઇના રિયલ્ટી સેક્ટરમાં ૨.૯ બિલિયન દિરહામનું અને ચીનના લોકોએ ૧.૪ બિલિયન દિરહામનું રોકાણ કર્યુ છે એવી માહિતી દુબઇ સરકારના સિનિયર એડવાઇઝર મહમૂદ અલબુરાઇએ ટ્વિટમાં જણાવી છે.
ધનિક ભારતીયોએ કોરોના સંકટકાળ વચ્ચે દુબઇમાં પોતાની માટે એક નવું મકાન ખરીદ્યું છે. જેની પાછળનું મુખ્ય કારણ સરળ ટેક્સ-ફ્રેન્ડલી નિયમો અને રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ દ્વારા તાત્કાલિક રેસિડેન્ટનું સ્ટેટ્સ મળવુ, એક આંતરરાષ્ટ્રીય સ્તરની જીવનશૈલી ઉપરાંત ભારતથી વધારે દૂર ન હોવા જેવા પરિબળોએ મોટી ભૂમિકા ભજવી છે.
ઉલ્લેખનીય છે કે, આ રેતાળ પ્રદેશમાં ઘર-મકાનો કંઇ સસ્તા નથી. લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ, વીલા અને હોટેલનો રૂમ પણ એક કરોડ રૂપિયાથી લઇને ૨૦ કરોડ રૂપિયા સુધીમાં વેચાય છે.
દુબઇ ભારતથી ભૌગોલિક દ્રષ્ટિએ ઓછા અંતરે આવેલું હોવાથી ઘણા ધનિક ભારતીયો ત્યાં મકાન ખરીદવા આકર્ષાયા છે. રેસિડેન્સી વીઝા મેળવવા માટે મિલકતોમાં ઓછામાં ઓછા મૂડીરોકાણની રકમ ૧૦ લાખ દિરહામ (લગભગ ૨ કરોડ) છે. જે પોર્ટુગલ અને સ્પેનમાં રેસિડેન્ટ વીઝા મેળવવા માટે રિયલ એસ્ટેટમાં ૫ લાખ યુરો (લગભગ ૪.૪ કરોડ રૂપિયા)ના મૂડીરોકાણ કરતાં ઘણું વાજબી છે એવું નિષ્ણાતોનું કહેવુ છે.
આ વૃદ્ધિ યુએઇના ગોલ્ડન વીઝા પ્રોગ્રામને પણ આભારી છે, જે વૈશ્વિક રોકાણકારો અને ટોપ ટેલન્ટ માટે ઉપલબ્ધ છે, જેમાં તેમને ૧૦ વર્ષ માટે વીઝા મળે છે. આ વીઝા ડોક્ટરો, નિષ્ણાતો, વૈજ્ઞાનિકો, ઇન્વેન્ટર્સની સાથે સાથે પ્રતિભાશાળી રચનાત્મક અને વ્યક્તિગત રમતવીરો અને અમીરાતમાં વેપાર, સ્ટાર્ટઅપ્સ અને રિયલ એસ્ટેટના ઇન્વેસ્ટરો માટે ઉપલબ્ધ છે.
છેલ્લા પાંચ મહિના યુનાઇટેડ અરબ અમિરાતમાં રહેતા એનઆરઆઇ અને ભારતના ધનિક વ્યક્તિઓએ ૬ બિલિયન દિરહામનું મૂડીરોકાણ કર્યું છે. માત્ર એપ્રિલ ૨૦૨૧માં જ દુબઇના પ્રોપર્ટી માર્કેટમાં ૩ બિલિયન ડોલરના ૪૮૦૦ સેલ્સ ટ્રાન્ઝેક્શન નોંધાયા છે, જે છેલ્લા ચાર વર્ષમાં સૌથી વધારે છે.
એપ્રિલમાં સેલ્સ ટ્રાન્ઝેક્શનના લગભગ ૬૦ ટકા સેકન્ડરી કે તૈયાર પ્રોપર્ટી માટેના હતાં. એપ્રિલમાં ૮૪.૧ કરોડ ડોલરની ૧૯૩૪ અંડર-કન્સ્ટ્રક્શન પ્રોપર્ટી અને ૨.૧૫ બિલિયન ડોલરની ૨૯૮૯ તૈયાર પ્રોપર્ટીઓનું વેચાણ થયું છે.
પ્રાથમિક અંદાજ મુજબ કોરોના-૧૯ પ્રતિબંધોના લીધે વિદેશ પ્રવાસ અને અવરજવર અત્યંત ઓછી હોવા છતાં ચાલુ કેલેન્ડર વર્ષના પ્રથમ છ મહિનામાં દુબઇના રિયલ એસ્ટેટમાં ૮૦૦૦થી વધારે નવા રોકાણકારો પ્રવેશ્યા છે, જે નોંધનીય છે.
રેસિડેન્ટ ભારતીયને પ્રત્યેક નાણાંકીય વર્ષમાં ૨.૫ લાખ ડોલર (રૂ. ૧.૮૫ કરોડ) વિદેશમાં મોકલવાની મંજૂરી છે. રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટર્સ ત્રણ વર્ષના દુબઇ રેસિડેન્ટ વીઝા માટે પાત્ર છે. જો તેઓ એક સંપત્તિમાં ઓછામાં ઓછું ૧૦ લાખ દિરહામનું મૂડીરોકાણ કરે તો ૫ વર્ષના રેસિડેન્ટ વીઝા મળી છે. આ રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટર્સ વીઝામાં જીવનસાથી અને બાળકો માટેની પરમિટ સામેલ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter