નવી દિલ્હીઃ ભારતીય અવકાશન સંસ્થાન ‘ઇસરો’ અને અમેરિકી અવકાશ સંસ્થાન ‘નાસા’ના સંયુક્ત અભિયાન Axiom-4 મિશન અંતર્ગત ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઇએસએસ) પર પહોંચેલા ભારતીય ગગનયાત્રી શુભાંશુ શુક્લાએ રવિવારે આઈએસએસના કપોલા નામના વિશેષ મોડ્યુલમાંની સાત બારીમાંથી બ્રહ્માંડનું નિરીક્ષણ કર્યું હતું.
શુભાંશુએ કપોલા મોડયુલમાંથી બ્રહ્માંડની તસવીરો લીધી અને હાડકાં પર ગુરુત્વાકર્ષણની અસરોનો અભ્યાસ કર્યો હતો. તેમનું આ સંશોધન ભવિષ્યમાં ઓસ્ટિયોપોરોસિસની સારવારમાં મદદરૂપ બની શકે છે. શુભાંશુ શુક્લા કુલ 14 દિવસ સુધી અવકાશમાં રોકાણ કરવાના છે. કપોલા એક એવું નાનું મોડ્યુલ છે, જેને સ્પેસ સ્ટેશનની બહારની રોબોટિક પ્રવૃત્તિઓ, વ્હિકલ્સ એપ્રોચ અને સ્પેસ વોક જેવી એક્ટિવિટીના અવલોકન માટે ડિઝાઈન કરાયું છે. કપોલાના કારણે અવકાશ યાત્રીઓ તારા અને ખગોળીય પિંડોને જોઈ તેનો અભ્યાસ કરે છે.
‘ઇસરો’ ટીમનો આભાર માનતા શુભાંશુ
ગગનયાત્રી શુભાંશુ શુક્લાએ બીજી જુલાઇએ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પરથી ‘ઇસરો’ના વડા વી. નારાયણનને કોલ કરીને આઇએસએસ સુધીની તેમની સુરક્ષિત સફર સુનિશ્ચિત કરવા બદલ ‘ઇસરો’ની ટીમનો આભાર માન્યો હતો. ‘ઇસરો’ના જણાવ્યા અનુસાર શુભાંશુએ રવિવારે બપોરે કોલ કર્યો હતો.
શુભાંશુ સાથેની વાતચીત દરમિયાન નારાયણને તેમના સ્વાસ્થ્ય અંગે ઉત્સુકતા સાથે સવાલ કર્યા હતા તેમજ આઇએસએસ પર હાથ ધરાતા વિવિધ વૈજ્ઞાનિક પ્રયોગો સહિતની પ્રવૃત્તિઓ અંગે પૃચ્છા કરી હતી. નારાયણને શુભાંશુના પૃથ્વી પર પાછા ફર્યા પછી તમામ પ્રયોગો અને પ્રવૃત્તિઓનું કાળજીપૂર્વક દસ્તાવેજીકરણ કરવાના મહત્ત્વ પર ભાર મૂક્યો, કારણ કે તે ભારતના હ્યુમન સ્પેસફ્લાઈટ પ્રોગ્રામ ગગનયાનના વિકાસ માટે મૂલ્યવાન ઈનપુટ પ્રદાન કરશે.
‘ઇસરો’ના જણાવ્યા અનુસાર, ગગનયાન કાર્યક્રમનો ઉદ્દેશ ક્રૂ સાથેના અવકાશયાનને લો અર્થ ઓર્બિટમાં લોન્ચ કરવાની ભારતની ક્ષમતા દર્શાવવાનો છે અને Axiom-4 મિશનના અનુભવો, જ્ઞાન તેની સફળતા માટે મહત્ત્વપૂર્ણ રહેશે. ચર્ચામાં ‘ઇસરો’ના ઘણા વરિષ્ઠ અધિકારીઓ પણ જોડાયા હતા.
ભારતીય વ્યંજનો માણતા સાથી અવકાશયાત્રીઓ
શુભાંશુ શુક્લા અને સાથી અવકાશ યાત્રીઓએ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર કેરીનો રસ, ગાજરનો હલવો અને મગની દાળના શીરાનો સ્વાદ માણ્યો હતો. શુભાંશુએ પોતાના સાથીઓને ભારતીય વ્યંજનોનો આસ્વાદ કરાવ્યો હતો તો તેમની વાનગીઓ શુભાંશુએ માણી હતી. 26 જૂને Axiom-4 મિશન અંતર્ગત શુભાંશુ સહિત ચાર અવકાશયાત્રીએ સાહસ યાત્રા શરૂ કરી હતી. 3 જુલાઈ સુધીમાં તેમણે 113 વખત પૃથ્વીની પ્રદક્ષિણા પૂરી કરી છે. આમ તેમણે એકંદરે 4.66 મિલિયન કિમીનું અંતર પૂરું કર્યું છે. સરખામણી કરવી હોય તો કહી શકાય કે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેના અંતર કરતાં 12 ગણી મુસાફરી તેમણે કરી છે.
એક અઠવાડિયા બાદ શુભાંશુને ગયા શનિવારે રજાનો દિવસ મળ્યો હતો. જેમાં તેમણે પૃથ્વી પર પોતાના પરિવાર અને મિત્રોનો સંપર્ક કર્યો હતો. હેમ રેડિયો કનેક્શન પર બેંગુલુર ખાતે યુઆરએસસીના વિજ્ઞાનીએ સાથે શુભાંશુએ કોલ સાઈન ‘શુક્શ’ હેઠળ વાત કરી હતી. જેમાં શુભાંશુએ કહ્યું હતું કે, આઇએસએસમાં ખૂબ સારો સમય વીતી રહ્યો છે. અલગ-અલગ દેશની વાનગીઓ માણવાની તક મળે છે અને ક્રૂના સભ્યો તમામ વાનગી એકબીજા સાથે વહેંચી રહ્યા છે.
રાકેશ શર્માનો રેકોર્ડ તોડ્યો
આ પૂર્વે ત્રીજી જુલાઇ - ગુરુવારે શુભાંશુ શુક્લાએ પોતાના ગુરુ રાકેશ શર્માનો રેકોર્ડ તોડ્યો હતો અને સૌથી વધુ સમય અંતરિક્ષમાં રહેનાર ભારતીય તરીકે સિદ્ધિ હાસલ કરી હતી. રાકેશ શર્માએ સોવિયેત અવકાશ યાત્રી સાથે 1984ના વર્ષમાં અંતરિક્ષમાં 7 દિવસ 21 કલાક વિતાવ્યા હતા. ગુરુવારે શુભમે 9 દિવસનો રેકોરાડ બનાવ્યો હતો. ઈન્ટરનેશનલ સ્પેશ સ્ટેશનના વાન્ટેજ પોઈન્ટ પરથી પૃથ્વીના વિહંગાવલોકનને અદભૂત અનુભવ ગણાવ્યો હતો.
વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી જિતેન્દ્ર સિંઘે એક્સ પોસ્ટમાં શુભાંશુ શુક્લાને બિરદાવતા કહ્યું હતું કે, ભારતીય એરફોર્સ માટે આ ગર્વની ક્ષણ છે. ભારતીય સૈન્યમાંથી પ્રથમ અવકાશ યાત્રીને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનનો ભાગ બનવાની તક મળી છે.
40 વર્ષ બાદ પ્રથમ વખત કોઈ ભારતીય અંતરિક્ષમાં પહોંચ્યા છે અને બાયોલોજી, વિજ્ઞાન જેવા ક્ષેત્રોમાં 60 વૈશ્વિક અભ્યાસોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.