ગુજરાતીઓથી ઘેરાયેલા રહીને કેવું લાગે છે? વિદેશપ્રધાન જયશંકરનો દિલ જીતી લેતો જવાબ

Tuesday 12th December 2023 12:10 EST
 
 

નવી દિલ્હીઃ હાજરજવાબી અને સ્પષ્ટવક્તા તરીકે જાણીતા વિદેશપ્રધાન એસ. જયશંકરને તાજેતરમાં દુબઈમાં ભારતીય વિદ્યાર્થી દ્વારા પૂછાયું હતું કે અનેક ગુજરાતી વચ્ચે ઘેરાઈને તમને કેવું લાગે છે? ત્યારે જયશંકરે સૌના દિલ જીતી લેતો મધુર જવાબ આપ્યો હતો. MIT યુનિવર્સિટી - દુબઈનું પ્રતિનિધિત્વ કરતા વિદ્યાર્થીએ જયશંકરને સવાલ કર્યો હતો કે તમે ગુજરાતમાંથી રાજ્યસભાનાં સાંસદ બન્યા છો. આપણા વડાપ્રધાન અને ગૃહપ્રધાન પણ ગુજરાતી છે ત્યારે અનેક ગુજરાતી વચ્ચે ઘેરાયેલા રહીને આપને કેવું લાગે છે? જયશંકરે કહ્યું હતું કે, મને તે પસંદ છે. મારા માટે તે ઘણું રસપ્રદ છે. આપ જાણો છો કે ભારતમાં દરેક વ્યક્તિ દેશનાં દરેક ખૂણામાં કોઈને કોઈ મિત્ર ધરાવતો હોય છે. મારા જીવનમાં જુદા જુદા તબક્કે મારી આસપાસ કોઈને કોઈ રીતે ગુજરાતી પરિવાર વસતા હતા જેની સાથે અમારે પારિવારિક સંબંધો છે. હું ગુજરાતમાં ચૂંટણી માટે ગયો તે પછી અનેક વખત ત્યાં જવાનું થયું છે. હું ત્યાં જઈને મારા માટે વધુ ફિટનેસ અનુભવું છું. તમામ ભારતીયોમાં ગુજરાતીઓ સૌથી વધુ ગ્લોબલ છે. તેઓ કોઈ પણ સમસ્યા ઉકેલવામાં માહિર છે. વિદેશ પ્રધાને કહ્યું કે ગુજરાતીઓ મજબૂત સામૂહિક ભાવના ધરાવે છે, જે ભારતમાં અન્ય કોઈ પાસે નથી. ગુજરાતીઓ આવી શક્તિ ઘણા લાંબા સમયથી ધરાવે છે. આથી હું તો કહું છું કે વિદેશ પ્રધાન દર વખતે ગુજરાતમાંથી જ ચૂંટાવા જોઈએ. ગુજરાતીઓ મજબૂત આત્મવિશ્વાસ ધરાવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter