જોહાનિસબર્ગઃ સાઉથ આફ્રિકા દ્વારા ફરાર ગુપ્તાબંધુઓની માલિકીની ત્રણ ભવ્ય પ્રોપર્ટીઝની હરાજી કરવામાં આવી હતી, પરંતુ તેમાંથી માત્ર એક મેન્શનનું જ વેચાણ થઈ શક્યું છે. પૂર્વ પ્રેસિડેન્ટ જેકોબ ઝૂમાએ સત્તા ગુમાવવી પડી તેવા સરકારી પ્રોપર્ટીઝના કબજાના કૌભાડમાં ગુપ્તાબંધુઓ કેન્દ્રસ્થાને હતા.
જોહાનિસબર્ગના વૈભવી વિસ્તાર સેક્સોનવોલ્ડમાં અતુલ, અજય અને રાજેશ ગુપ્તાના સાથેસાથે આવેલા બે મેન્શનનું દરેકનું મૂલ્ય 22 મિલિયન રેન્ડથી 37 મિલિયન રેન્ડ વચ્ચે છે. હરાજીમાં આ મેન્શન વેચાયા નથી પરંતુ, તેની ઘરવખરી-ફર્નિચર કુલ 160,000 રેન્ડમાં વેચાઈ હતી. સ્ટાફ રેસિડેન્સ તરીકે વપરાતા ત્રીજા નાના મેન્શનની કિંમત 5.5 મિલિયન રેન્ડ હતી પરંતુ તે માત્ર 3.3 મિલિયન રેન્ડમાં વેચાયું હતું.
ગુપ્તા સાથે સંકળાયેલી કંપની કોન્ફિડન્ટ કોન્સેપ્ટની માલિકીની આ ત્રણ સંપત્તિની ઓનલાઈન હરાજી દેવું ચૂકવવ માટે કરાઈ હતી. ભારતમાં જન્મેલા ગુપ્તાબંધુઓ દ્વારા આ મેન્શનોમાં રાજકારણીઓ અને સરકારી કંપનીઓના વડાઓની મહેમાનગતિ કરાતી હતી. ગુપ્તાબંધુઓનું પ્રભુત્વ એટલું હતું કે તેઓ સરકારમાં મંત્રીઓની પસંદગી કરતા હતા. કૌભાંડો બહાર આવ્યા પછી, ત્રણ ભાઈઓ 2016માં યુએઈ નાસી છૂટ્યા હતા અને પ્રેસિડેન્ટ ઝૂમાએ 2018માં રાજીનામું આપવું પડ્યું હતું.