ચીન-ભારત વચ્ચે વેપાર-સંબંધો વિક્સાવવા માટે નવા ક્ષેત્રો ઉમેરવા જિનપિંગનું સૂચન

Thursday 21st November 2019 05:05 EST
 
 

બ્રાઝિલિયાઃ ચીનના પ્રમુખ જિનપિંગે વડા પ્રધાન મોદી સાથેની વાતચીતમાં બંને દેશો વચ્ચેનો વેપાર વિક્સાવવા નવા ક્ષેત્રો ઉમેરવાનું સૂચન કર્યું હતું. ભારત દ્વારા કરવામાં આવતી ઉચ્ચ ગુણવત્તા ધરાવતી ચીજોની નિકાસને ચીને આવકારી હતી. તેમણે ખાસ કરીને મેડિસિન, આઈટી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણમાં સહયોગ વધારવાનું સૂચવ્યું હતું. મોદી અને જિનપિંગ વચ્ચે હવે આવતા વર્ષે ચીનમાં ત્રીજી અનૌપચારિક મંત્રણા યોજાશે જેનું સ્થળ અને સમય પછી જાહેર કરાશે. 

દ્વિપક્ષીય વેપાર-ઉદ્યોગ વધારવા ભાર મુકાયો  વડા પ્રધાન મોદી તેમજ ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચે ‘બ્રિક્સ’માં દ્વિપક્ષીય મંત્રણાઓ યોજાઈ હતી. બંને નેતાઓએ વેપાર-ઉદ્યોગ તેમ જ રોકાણ વધારવા ઉપર ભાર મૂક્યો હતો. બંને નેતાઓએ આરસીઈપી મુદ્દે તેમજ સરહદો પર શાંતિ જાળવવા વિગતે ચર્ચા કરી હતી.  મોદીએ જિનપિંગને કહ્યું હતું કે આપણે પહેલી વખત બ્રાઝિલમાં જ મળ્યા હતા અને બે અજાણ્યા લોકોની સફર શરૂ થઈ હતી જે આજે એક ગાઢ મૈત્રીમાં પરિણમી છે. ચીન પ્રેરિત આરસીઈપીમાં જોડાવવા માટે ભારતે ઇનકાર કર્યા પછી થોડા દિવસોમાં જ બંને નેતાઓ વચ્ચે મહત્ત્વની ચર્ચા થઈ હતી.  મોદી-પુતિન વચ્ચે દ્વિપક્ષીય મુદ્દે ચર્ચા  વડા પ્રધાન મોદી અને રશિયાના પ્રમુખ પુતિન બ્રાઝિલમાં યોજાયેલી ‘બ્રિક્સ’ શિખરમાં મળ્યા હતા અને દ્વિપક્ષીય મુદ્દાની ચર્ચા કરી હતી. મોદીએ કહ્યું હતું કે રશિયા સાથે સંબંધો વેપારવૃદ્ધિ સુધી પહોંચ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter